10માંની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલા પિતાએ લખ્યો પુત્રને પત્ર

પ્રિય પુત્ર,
મને ખબર છે કે આજે તારી બોર્ડની પરીક્ષાનું રીઝલ્ટ છે. મને એ પણ ખબર છે કે તે સારા માર્કસ લાવવા માટે ખૂબ જ મહેનત કરી હતી. આજે મારે તને એક વાત કહેવી છે. આ વાત લાંબી છે પરંતું તારા અને આપણા પરીવારનાં આવનારા ભવિષ્યની વાત છે. તને મેં ક્યારેય આ વાતો કહ્યી નથી એ આ પત્ર દ્વારા કહું છું. મને ખબર છે કે તું અત્યારે એવું પણ વિચારી રહ્યો હશે કે પપ્પા સાથે તો રોજ રૂબરું વાત થાય છે તો પછી આજે આ પત્ર કેમ? તો સાંભળ દીકરા હું 10 બોર્ડની પરીક્ષા નાપાસ થયો હતો.

હું નાનપણમાં ગામડે રહેતો હતો. પરીક્ષાનાં સમયે તું તો વાંચતો હતો. હું તો મારા સમયે લીંમડાની લિંબોળી વીણવા જતો રહેતો હતો. તો કોઇ વખત કરશનકાકાની વાડીમાં વાવેલી કાચી કેરીઓ પણ તોડવા જતો રહેતો હતો. મને એ વખતે ખબર નહોતી કે સારી નોકરી કરવી હોય તો ભણવું પડે. મારા આ રમત-ગમતના શોખને કારણે હું પરીક્ષામાં નાપાસ થયો હતો. અમે અમારા ક્લાસરૂમનાં 24 જણે 10માંની પરીક્ષા આપી હતી. આ 24માંથી 23 જણ પાસ થયા હતા. 1 જણ નાપાસ થયું હતુ. આ એક જણ એટલે હું. તારા પપ્પા.

નાપાસ થયા પછી મને હંમેશા એમ લાગતું રહ્યું હતું કે હું એકલો પડી ગયો છું. કેમકે મારી સાથે અભ્યાસ કરનાર નાથીયો, શૈલેષ, કરણ, રમેશ અને રઘુ પાસ થઇ ગયા હતા. રમેશનાં પપ્પાની સીંગ-ચણાની દુકાન હતી. એમણે આખા ગામમાં 1 કિલો સીંગ-ચણા વહેંચ્યા હતી. આપણા ઘરે પણ એ સિંગ-ચણા આવ્યા હતા. મેં એ સીંગ ખાધી હતી. મને એ કડવી સીંગ લાગી હતી. હા, એ ખારી સીંગ હતી પણ મને કડવી લાગી હતી. ગામનાં લોકોએ તો કહેલું કે આ તો 63 નંબરની સીંગ છે. આ સીંગ તો એકદમ કડક જ આવે. પણ.. મને એ સીંગ કડવી લાગી હતી.

તારા દાદા એટલે કે મારા પપ્પાએ મને આખા ગામ વચ્ચે મારા હાથ પર ફુટપટ્ટી માર્યા બાદ અંગુઠા પકડાવ્યા હતા. મને અંગુઠા પકડતો જોઇને આખું ગામ હસતું હતુ. આ હસવામાં અમારા માસ્તર એટલે કે ટીચર પણ હતા. મને એ વખતે બધા પર ગુસ્સો પણ આવેલો. ના, મને અંગુઠા પકડતો જોઇને હસતા હતા એ બાબતે નહીં પરંતું આ લોકો હું નાપાસ થયો હતો એટલા માટે હસતા હતા. મને એ વખતે વિચાર આવેલો કે સારું થયું કે કૈલાસ પાસ થઇ ગઇ અને હું નાપાસ થયો છું. કેમકે જો મારી બેન એટલે કે તારી કૈલાસફોઇ નાપાસ થાત તો એ તો રડી જ પડતને ? આમ આખા ગામ વચ્ચે તારા દાદા અંગુઠા પકડાવત અને લોકો હસતા રહે તો તો હું પણ રડી જ પડતો ને. પણ.. જે થયું સારું થયું. હું નાપાસ થયો.

એ પછી તો મારું આખું જીવન બદલાઇ ગયું હતુ. હું નાપાસ થયો અને મને ખેતરે કામ કરવા જવાની સજા મળી. આમતો મને ખેતરનું બધું જ કામ આવડતું હતુ અને કરતો પણ હતો જ. પરંતું બધું બદલાઇ ગયું હતુ. વેકેશનમાં બધા લોકો ક્રિકેટ રમવા મેદાનમાં જતા રહેતા હતા. મેં પપ્પાને પૂછેલું કે પપ્પા હું પણ રમવા જાવ? ત્યારે મારા પપ્પા એ મને કહેલું કે, સાની માની બેસને… રમવા જાવ વાળી.. એક તો આખા ગામમાં એકલો નાપાસ થાય છે, ને વળી પાછી હોંશીયારી કરે છે?…. બેસ શાંતિથી.

હું બધું સાંભળીને ખેતરે ગયો અને ખેતરમાં રડ્યો હતો. હું મારા જીવનમાં કદી આટલું નહીં રડ્યો હોઉં. મારા પપ્પાએ મને ક્રિકેટ રમવા ન જવા દીધો એટલા માટે હું રડતો હતો. એ પછી સાંજે ઘરે આવીને સૂઇ પણ ગયેલો. મને એ વખતે ઘણાં બધાં વિચારો આવેલા. મને એવો વિચાર પણ આવ્યો કે પપ્પાએ મારી સાથે આવું કેમ કર્યું? મને જાહેરમાં અંગુઠા પકડાવ્યા અને ક્રિકેટ રમવા પણ જવા ન દિધો? મને એ વખતે પપ્પા પર ઘણો ગુસ્સો આવેલો, પરંતું મેં ગુસ્સાને દબાવી નાખ્યો હતો.

પાંચ દિવસ પછી પપ્પા મને એમની સાથે મેળામાં લઇ ગયા. આ મેળાથી એમણે મને એક બંદૂક લઇ આપી. મને બંદૂકનો ઘણો શોખ એ પપ્પાને ખબર હતી. પપ્પાએ મને બંદુક લાવી દિધી એટલે હું ખુશ હતો. એ બંદૂકને કારણે હું મારા મિત્રોમાં રાજા બની ગયો હતો. હા, અમે ઘરઘરથા રમતા હતા. આ રમતમાં ઘર હોય અને એમાં સૌ રહેતા હોય. હું એમાં પપ્પા બનેલો. રમેશને છોકરો બનાવી દિધેલો. રમેશ ઘર ઘરની રમતમાં પરીક્ષા આપવા જતો હતો. પરીક્ષા માટે એણે સારી તૈયારી કરી હતી. પરંતું એ નાપાસ થઇ ગયો. હું ઘર ઘરની રમતમાં પપ્પા બન્યો હતો. રમેશ રડતો રડતો મારી પાસે આવ્યો અને બોલ્યો, પપ્પા.. પપ્પા.. હું પરીક્ષામાં નાપાસ થઇ ગયો. મારી સ્કુલમાંથી બધા જ પાસ થઇ ગયા છે. હું જ એકલો નાપાસ થઇ ગયો છું. એ વખતે રમત ચાલતી હતી. પરંતું હું પપ્પા બન્યો હતો. અહીં હું પપ્પા હતો. તારા દાદા પપ્પા તરીકે નહોતા. ઘર ઘરની રમતમાં મેં મારા દીકરાને કીધેલું, કૈં વાંધો નહીં રઘુબેટા આ વખતે નાપાસ થયો તો શું થયું. આવતી વખતે પરીક્ષા આપજે. આ વાત સાંભળી છગન, નાથિયો અને કરણ તો આશ્ચર્ય પામ્યા હતા.

આજે તારી પરીક્ષાનું રીઝલ્ટ છે. તું પાસ થા કે નાપાસ થા. અમને કૈં વધારે ફરક નહીં પડે. જો તારા સારા માર્કસ આવશે તો સારી સ્કૂલ કે કોલેજમાં એડમીશન મળશે. ઓછા માર્કસ આવશે તો પણ એડમીશન તો મળશે જ. આખી વાત મેં તને કહ્યી પરંતું તને કહું કે તારા દાદા અભણ હતા. તેઓ એક ચોપડી પણ ભણ્યા નહોતા. તેઓ ખેતી કરતા હતા. આજે આપણી પાસે જે પણ કૈં છે એ તારા દાદાને કારણે છે. હું એમને ઘણું મોડું સમજ્યો હતો. એમણે મને અંગુઠા કેમ પકડાવ્યા એ પણ હું ઘણું મોડું સમજ્યો હતો. મને તારા રિઝલ્ટની રાહ નથી. તારા રિઝલ્ટને કારણે તને ફરક પડી શકે અમને નહીં. એક પિતા તરીકે મારી ફરજ બને કે તને સમજાવું.

હું જો નાપાસ ન થયો હોત તો હું ઘણું બધું ન શીખી શક્યો હોત. જેવું કે હું ખેતરમાં બાજરી કેવી રીતે વાવવી, લણવી તેમજ રાત્રે આવતા જનાવરો સામે રક્ષણ કેવી રીતે મેળવવું એ શીખ્યો હતો. મને અંધારાની બીક લાગતી હતી પહેલા પરંતું ખેતરમાં જવાને કારણે બીક દૂર થઇ હતી. મારા ઘણા બધા મિત્રો ખેતરમાં જ બન્યા હતા. હું ખેતરનાં કામ કાજને લીધે આજું બાજુંનાં ગામડાઓમાં ફરતો થયો હતો. હું તાલુકાઓ અને જીલ્લામાં પણ ફરતો થયો હતો. મને જે નહોતું આવડતું એ આ દીવસો દરમિયાન શીખ્યો હતો. જો હું નાપાસ જ ન થયો હોત તો હું પણ રઘુની જેમ કોઇ પ્રાઇવેટ કંપનીમાં 8000ની નોકરી કરતો હોત. આજે સીંગ-ચણાની દુકાનમાં રમેશ બેસે છે પરંતું એને એનાં વીનાં કોઇ આવક નથી. મારી આગળ ભણીને પાસ થયેલા મિત્રોમાં ઘણાં મિત્રોએ ભણવાનું જ છોડી દિધું હતું. જ્યારે તારા દાદાએ મને આગળ ભણવા દિધો હતો.

તું જાણે જ છે. કે આપણે બે ટાઇમનું ભોજન લઇએ છીએ. તું જાણે જ છે કે તારી દરેક જરૂરિયાતોને અમે અમારા બળ મૂજબ સંતોષી છે. આજે તને એટલું જ કે પરીણામ જે આવે એ. પરંતું ધ્યાન રાખજે કે જે પણ આવશે એ પડાવ શીખવાનો આવશે. તારે જીવનભર શીખવાનું જ છે એવું વિચારજે. જો હું ગુસ્સામાં હોઉં તો માનજે કે તું એ ગુસ્સા સામે લડી શકે છે.

તને કહેવાનું રહી ગયું કે, તારી ફોઇ એટલે કે મારી બહેન કૈલાસ બારમા ધોરણમાં નાપાસ થયા હતા.એમને એ બીકે આત્મહત્યા કરી લીધી હતી કે મને પણ પપ્પા અંગુઠા પકડાવશે તો? બહેને એક પત્ર લખ્યો હતો અને એ પત્ર પપ્પાએ એકલાએ વાંચ્યો હતો. એ પછી પપ્પાને મેં ક્યારેય રડતા જોયા નહોતા. પપ્પાએ કૈલાસનાં ગયા પછીનાં પંદર દિવસ પછી કહેલું કે તારે કૈં કહવું હોય અને તું રૂબરું ન કહી શકે તો મને પત્ર લખીને કહેજે.

આ પત્ર મેં તારા માટે લખ્યો છે. પરીક્ષાઓ તો આવશે. પરંતું ઘણા સપનાઓ ભૂલાઇ જશે, જેમ મેં પણ જોયું હતું કૈલાસનાં લગ્નમાં નાચવાનું. તારા લગ્નમાં અમારે નાચવાનું છે.

વાંચો પક્ષીઓ વિશે જાણવા જેવું. Click

વાંચો ફળો વિશે જાણવા જેવું. Click

Leave a Reply

Your email address will not be published.