રાજનીતિ : ગુજરાતના શિક્ષણને લઈને રાજનીતિ તેજ થઈ છે. આ રાજનીતિ તેજ થવા પાછળનું કારણ છે એક IAS ઓફિસર. આ IAS ઓફિસરનું નામ છે ડો.ધવલ પટેલ.
તો વાત એવી છે કે ગુજરાત સરકારના 2008 બેચના IAS અધિકારી ડો. ધવલ પટેલ શાળા પ્રવેશોત્સવ દરમિયાન ગુજરાત રાજ્યનાં છોટા ઉદેપુર જિલ્લામાં ગયેલા. તેમણે છોટા ઉદેપુર જિલ્લાના જુદા જુદા ગામડામાં આવેલી 6 શાળાની મુલાકાત લીધી હતી.
હવે આ મુલાકાત સંદર્ભે ડો.ધવલ પટેલે જે શાળાની મુલાકાત લીધેલી તેને અનુલક્ષીને શાળામાં શિક્ષણનું સ્તર કેવું છે એની માહિતી દર્શાવતો એક પત્ર (રીપોર્ટ) શિક્ષણ સચિવ વિનોદ રાવને ઉદ્દેશીને લખીને જણાવ્યું હતુ કે,
- અહીંનું શિક્ષણ નિમ્ન કક્ષાનું છે.
- ધોરણ 4ની બાળકીને 15+14કરવાનું જણાવ્યું તો ગણવાને બદલે રડવા લાગી
- વિદ્યાર્થીઓ અજવાળું, દિવસ જેવા સાદા શબ્દોના પણ વિરોધી શબ્દો આપી શકતા નથી
- ધોરણ-8માં ભણતી વિદ્યાર્થીની ભારતના નકશામાં હિમાલય કે ગુજરાત કઈ બાજુ આવેલા છે તે પણ જણાવી શકતી નથી.
- ધોરણ-5ના વિદ્યાર્થીઓ સહેલા બાદબાકી પણ ગણી શકતા નહોતા,
- વિદ્યાર્થીઓએ વાર્ષિક પ્રશ્નપત્રની જવાબવાહીમાં લીબું શરબત બનાવવાની આખી રીત અંગ્રેજીમાં હતી અને શું સૂચના આપી હતી તે પણ વાંચવામાં અસમર્થ હતા.
- ધોરણ-8ને પાસ કરીને 9માં ધોરણમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે એક ઘનની લંબાઈ 10 સેમી હોય તો પૃષ્ઠફળ શોધો.
- ધોરણ 6 ધોરણના વિદ્યાર્થીને 34+12ના સરવાળાનો જવાબ 38 આપ્યો હતો
ગરીબ આદિવાસી બાળકોને આવું સડેલું શિક્ષણ આપીને આપણે તેમની સાથે અન્યાય કરી રહ્યા છીએ
તેમણે વધુંમાં લખતા કહ્યું, ચકાસણી દરમિયાન શિક્ષણનું સ્તર આ શાળાઓમાં નબળું હતું. ગરીબ આદિવાસી બાળકોને આવું સડેલું શિક્ષણ આપીને આપણે તેમની સાથે અન્યાય કરી રહ્યા છીએ તેવું મને લાગ્યું છે.
આદિવાસી વિસ્તારમાં વિદ્યાર્થીઓ પાસે શિક્ષણ મેળવવાનો બીજો કોઈ વિકલ્પ નથી. આપણે બાળકોને સડેલું શિક્ષણ આપી રહ્યા છીએ. બાળકો સાથે અન્યાય કરી રહ્યા છીએ. આદિવાસી બાળકો પેઢી દર પેઢી મજૂરી કરીને આગળ ન વધે એ આપણે સુનિશ્ચિત કરીએ છીએ. બાળકો અને વાલીઓ આપણા પર આંધળો વિશ્વાસ કરી રહ્યા છે, તેમની સાથે છળ કરવું એ નૈતિક અધપતનની પરાકાષ્ઠા છે. ભૌતિક સગવડો અને શિક્ષકોની સંખ્યા પુરતી હોવા છતાં આવું શિક્ષણનું સ્તર કેવી રીતે પ્રાપ્ત કરી શકાય.
જાણવા જેવું : ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 સપ્ટેમ્બર 2012ના રોજ છોટાઉદેપુર ખાતે આદિવાસી મહાસંમેલનમાં ગુજરાતના નવા જિલ્લા તરીકે છોટાઉદેપુર જિલ્લો રચવાની ઘોષણા કરી હતી. એ બાદ છોટા ઉદેપુર જિલ્લો એ વડોદરા જિલ્લામાંથી 15મી ઓગષ્ટ, 2013ના રોજ છૂટો પડ્યો જ્યારે ગુજરાતમાં સાત નવા જિલ્લા અસ્તિત્વમાં આવ્યા હતા. એટલે કે છોટા ઉદેપુર જિલ્લો એ આદિવાસી મત વિસ્તાર ગણાય છે.
તો આ હતી IAS અધિકારી ડો. ધવલ પટેલના પત્રની વાત. ઉપર ફોટોમાં પણ પત્રમાં લખ્યું છે આપ વાંચી શકો છો.
આ પત્ર સોસિયલ મીડિયામાં વાયરલ થયો અને એવો વાયરલ થયો કે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે ગુજરાતના શિક્ષણ વિશે વાત કરવી પડી હતી. ‘ ગુજરાત એક એવો ભોગોલિક પ્રદેશ છે, જ્યાં દરિયા કિનારો, જંગલો, પહાડો અને પ્લેન ટેબલ એરિયા પણ છે. આવા તમામ વિસ્તારોમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપવા સરકાર ખંતથી પ્રયત્ન કરી રહી છે.’
‘મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જ્યારે આનું બ્રિફિગ લીધું ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે મારે સારી વાતને બદલે સાચી વાત સાંભળવી છે. જ્યાં કોઈ મુશ્કેલી હોય એ પ્રકારનું રિપોર્ટિંગ કરશો તો આગામી સમયમાં જ્યાં આગળ આપણને નાની મોટી તકલીફો માલુમ પડી છે તે સુધારવાનો અવકાશ અને મોકો મળશે. આવું કહેતાની સાથે જે લોકોને યોગ્ય અનુભવ નહોતો અથવા તો જ્યાં આગળ સૂચનો કરવા જેવા હતા એટલે સ્વાભાવિક ધવલભાઈએ પણ એ સૂચન કર્યું હતું અને એ બાબતમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે.’
‘એક વાત સાચી છે કે કોવિડ દરમિયાન શિક્ષણ કથળ્યુ હતું. તેમણે એવું પણ કહ્યું હતું કે, મુખ્યમંત્રીના આગ્રહ મુજબ ધવલભાઈએ તેના અનુભવના આધારે રિપોર્ટ આપ્યો છે. શબ્દ કદાચ સડેલો હોય શકે છે પણ સમગ્ર ગુજરાતનું શિક્ષણ આવું ના હોય શકે’
મંત્રી ઋષિકેશ પટેલે ‘સડેલા શિક્ષણ’નો પણ અર્થ સમજાવતા મીડિયાને સમજાવ્યું હતુ કે, શબ્દ કદાચ સડેલો હોઈ શકે,પરંતુ શિક્ષણ નહીં. આખા ગુજરાતને જુઓ તો જ આ વાત કરી શકો. આખા ગુજરાતનું ચિત્ર જોવું જોઈએ. આ આંધળા જેવું છે, એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ જ્યારે હાથીને જોવે કે આ હાથીનું વર્ણન કરો એટલે એ જ્યાં અડે એવું જ એનું વર્ણન થાય. પરંતુ એને જોવા માટે આખો હાથી જોવો પડે.
શબ્દ કદાચ સડેલો હોઈ શકે,પરંતુ શિક્ષણ નહીં. આખા ગુજરાતને જુઓ તો જ આ વાત કરી શકો.
ઋષિકેશ પટેલ
એટલે કે ઋષિકેશ પટેલ IASને સમજાવી રહ્યા છે કે તેમણે ગુજરાતના શિક્ષણ તંત્રને સમજવું જોઈએ.
આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા
આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું, આદિવાસી સમાજના બાળકો સાથે અન્યાય થઈ રહ્યો છે. આખા આદિવાસી વિસ્તારમાં આવી જ સ્થિતિ છે. આદિવાસી સમાજ ભણે નહીં તો મજૂર રહે એ માટેનું ભાજપનું ષડયંત્ર છે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભરતભાઈ પટેલ જે શાળામાં મુલાકાત માટે ગયા ત્યાં ઔપચારીકતા ન કરી પરંતુ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો. બાળકોને સામાન્ય ગણિતના દાખલા, સમાનાર્થી પણ ન આવડતા અધીકારીનું હદય દ્રવી ઉઠે છે અને ગુજરાતના શિક્ષણની વાસ્તવિકતા રજુ કરી. ગુજરાતીઓને ન છુટકે પોતાના બાળકોને પ્રાઈવેટ શાળાઓમાં ભણાવવા પડે છે. ગુજરાતના લોકો આ ગંભિરતાથી લે. સડેલું શિક્ષણ ન હોય એની તકેદારી સૌએ રાખવી પડશે.
એક પત્રને કારણે ગુજરાતની રાજનીતિ માં આખો દિવસ શિક્ષણને લઈને ચર્ચાઓ થઈ, આમ તો IASને ધ્યાને આ સ્થિતિ દેખાઈ હોય તો તમારે પણ તમારા ગામની શાળાની મુલાકાત લેવી જોઈએ. જેથી કોણ સાચું અને કોણ ખોટું એની માહિતી મળી જાય.
ગુજરાતમાં આજે કુલ 18000થી વધારે ગામડાઓ છે તો આ 18000 ગામડાઓમાં આવેલી શાળાઓ કેવી છે અને એમાં મળતું શિક્ષણ કેવું છે એ અમારે જાણવું છે. જો આપના ગામની શાળાની વાત આપ અમને જણાવવા માંગતા હોય તો ચોક્કસ અમને વીડિયો મોકલશો અથવા અમને આપના ગામમાં બોલાવશો તો અમે આપની શાળાની પણ વાત ગુજરાતને વંચાવીશું અને બતાવીશું પણ ખરા.
ઘણું બધું જાણવા , ઘણું બધું વાંચો…