સિંહ દિવસ | ગીર ગુજરાતનું ગૌરવ : એશિયાટિક સિંહ માત્ર ગુજરાતમાં
સિંહ દિવસ : આજે વિશ્વ સિંહ દિવસ અંતર્ગત ભૂપેન્દ્રસિંહ રાઓલ.. યુએસએ. નો તલસ્પર્સી લેખ
એશિયાટિક સિંહ ખાલી ગીરમાં જ રહ્યાં છે તે સિંહનું કમનસીબ છે અને આપણી માનવજાતની શરમ છે. પર્શિયન ભાષામાં ઈરાન નો અર્થ લેન્ડ ઑફ આર્યન્સ થાય છે. આમ આર્યભૂમિ કહો કે આર્યાવર્ત કહો ઈરાનમાં એશિયાટિક સિંહ હતા.
પેલેસ્ટાઇન, મેસોપોટેમીયા, બલુચિસ્તાન, સીરિયા, ભારતમાં-પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર અને ગુજરાતમાં એશિયાટિક સિંહ વસતા જ હતા. યુફ્રેટ્રીસ નદીના ઉપરવાસમાં 1870 સુધી આ સિંહ નોંધાયા છે. ઈરાનમાં પણ મોટા પ્રમાણમાં ફેલાયેલા આ સિંહ ધીમે ધીમે અદ્રશ્ય થઈ ગયા. ઝર્ગોશની પહાડીઓ અને શિરાઝનાં જંગલોમાં 1870 સુધી આ સિંહ વ્યાપક પ્રમાણમાં વસતા હતા. 1944મા ઈરાનમાં karun નદીના કિનારેથી એક સિંહણનું મડદું મળેલું. 1963 મા પાંચની સંખ્યા ધરાવતા છેલ્લા સિંહ પરિવારનો નાશ કરીને ઈરાનીઓએ ખુબ જલસો કર્યો ત્યારે એમના રાષ્ટ્રીય ધ્વજ ઉપર સિંહ બિરાજમાન હતો, છે ને કરુણતા? નર સિંહ તો આગાઉથી જ મારી નંખાયો હતો અને માદા સિંહ સાથે ચાર બચ્ચા પણ હતા. 1979 માં ઇસ્લામિક ક્રાંતિ થઈ ત્યાં સુધી ઈરાનના રાષ્ટ્રીય ધ્વજ ઉપર હાથમાં તલવાર લઈને સિંહનું ચિત્ર બિરાજમાન હતું. ભલા સિંહને વળી તલવારની જરૂર પડે ખરી?
ઝારખંડ ના પલામાઉ એરિયામાં 1814 માં આ સિંહ છેલ્લે દેખાયા હતા
ભારતમાં જોઈએ તો ઝારખંડ જિલ્લાના પલામાઉ એરિયામાં 1814 માં આ સિંહ છેલ્લે દેખાયા હતા. બરોડા, હરિયાણા અને અમદાવાદ વિસ્તારમાં 1830 સુધી હતા. પાકિસ્તાન સિંધનાં કોટ દાજી અને મધ્યપ્રદેશના દમોહ જિલ્લામાં 1840 સુધી એશિયાટિક સિંહ દેખાયા હતા. 1857 ના બળવા વખતે બ્રિટીશરોએ 300 સિંહ મારી નાખેલા. ગ્વાલિયર અને રેવા મધ્યપ્રદેશમાં છેલ્લો સિંહ 1870 મા મરાયો હતો. ગુના-મધ્યપ્રદેશ, ડીસા અને પાલનપુર વિસ્તારમાં 1880 સુધી આ સિંહ હતા ત્યાર પછી એમનો સફાયો થઈ ગયો. સલામ કરો જૂનાગઢના નવાબને કે એમણે સખત કાયદો કર્યો અને સિંહના શિકાર ઉપર પ્રતિબંધ મૂકી દીધો બાકી આજે સમ ખાવા એક પણ એશિયાટિક સિંહ બચ્યો નાં હોત.
સિંહ મરેલો કે બીજાનો કરેલો શિકાર ખાતો નથી એ વાત ખોટી
સિંહ મરેલો શિકાર ખાતો નથી કે બીજાનો કરેલો શિકાર ખાતો નથી તે વાત પણ ખોટી છે. ખાસ તો સિંહના ટોળામાં જે સિંહણો હોય છે તેજ શિકાર કરે છે. પછી સિંહ ત્યાં આવી ને બધી સિંહણો ને ભગાડી મૂકે છે. પછી લહેરથી પેટ ભરીને વધેલું સિંહણો માટે છોડી દે છે. સિંહ ભાગ્યેજ શિકારમાં જોડાય છે. ભાઈ તૈયાર રોટી ખાવાવાળા છે. ટોળાં સિવાય એકલાં રહેતા સિંહો ને ચોક્કસ શિકાર કરવો પડે.
ટોળામાંના નર બચ્ચા મોટા થતા તગડી મૂકવામાં આવે છે. ટોળાનો માલિક સિંહ ઘરડો થતા બીજો કોઈ જુવાન સિંહ એની સાથે લડી એને તગડી મૂકી ને ટોળાનો માલિક બની જાય છે. અને પહેલું કામ ટોળામાં રહેલા નાના બચ્ચાઓ ને મારી નાખવાનું કરે છે. એ બચ્ચાઓને બચાવવા એમની મા સિંહણ જીવના જોખમે સિંહનો સામનો કરે છે, પણ બળવાન અને પુષ્કળ શારીરિક બળ ધરાવતા સિંહ સામે હારી જાય છે, અને નજર સામે પોતાના બચ્ચાને મારતા જોઈ રહે છે. છે ને હૃદય દ્રાવક? કુદરતના રાજ્યમાં NO અહિંસા. પછી એજ સિંહણ ગરમીમાં આવીને પેલા સિંહ જોડે સંસર્ગ કરીને બચ્ચા જણે છે. પોતાના છોકરાઓને મારનાર જોડે પ્રેમ? There is no morality in ‘The world of Nature.
ઘણા સિંહ 250 કિલો સુધીના વજનમાં હોય છે
કેટ એટલે બિલાડીના કુલમાંના ચાર સૌથી મોટા પ્રાણીઓમાં આ સિંહ ભાયડો આવે છે. પેન્થેરા લીઓ એનું વૈજ્ઞાનિક નામ છે. ઘણા સિંહ 250 કિલો સુધીના વજનમાં હોય છે. 10,000 વર્ષ પહેલા સિંહ આખી દુનિયામાં ફેલાયેલા હતા ને માનવ જાત પછી એમની વસ્તી બીજા પ્રાણીઓમાં સૌથી વધારે હતી. સિંહ સામાજિક પ્રાણી છે. જંગલમાં સતત લડતા હોવાનું હોવાથી સરેરાશ આયુષ્ય 14 વર્ષ નું હોય છે, જ્યારે પાળેલા સિંહ મતલબ પ્રાણી બાગ માં 20 વધારે વર્ષ જીવી શકે છે.
હવે ખાલી આફ્રિકાના ઘાસિયા મેદાનો અને ગીરમાં જ બચ્યા છે. છેલ્લા બે દાયકામાં લગભગ ૫૦% વસ્તી ઓછી થઈ ગઈ છે. સંસ્કૃતમાં સિંહ પુંડરીકમ કહેવાય છે. સિંહનું જૂનામાં જુનું ફોસિલ ૩૫ લાખ વર્ષ પહેલાનું મળેલું છે. ટાયગર, જેગુઆર ને લેપર્ડ એ સિંહના પિત્રાઈ કહેવાય. કૉમન પૂર્વજોમાંથી 19 લાખ વર્ષ પહેલા જેગુઆરને સિંહ છુટા પડેલા જ્યારે લેપર્ડ દસ લાખ ને આશરે વાઘ 25000 વર્ષ પહેલા છુટા પડેલા. મતલબ વાઘ, જેગુઆર, લેપર્ડ અને સિંહ બધાના પૂર્વજ એક જ હતા.
સિંહ દિવસ : સિંહ વિશે જાણવા જેવું
1) P.l.persica, એશિયાટિક લાયન એક સમયે ઈરાન, પાકિસ્તાન, ટર્કી, બાંગ્લાદેશ બધે ફેલાયેલા હતા. હવે ગીરમાં ફક્ત 300 થી 400 ની વચ્ચે બચ્યા છે.
2) P.l.leo, બાર્બેરી લાયન ઈજીપ્ત ને મોરોક્કોમાં હતા. બહુ વિશાલ દેહયષ્ટિ ધરાવતા હતા. ૧૯૨૨ માં આ શાખાનો છેલ્લો સિંહ મોરોક્કોમાં મરાયો હતો.
3) P.l,senegalensis, વેસ્ટ આફ્રિકન લાયન સેનેગલ અને નાઈજીરિયામાં મળે છે.
4) P.l,azandica નોર્થ ઈસ્ટ કોન્ગો લાયન કોન્ગોમાં મળે છે.
5) P.l.nubica, મસાઈ લાયન ઈથિયોપિયા, કેન્યા, તાન્ઝાનિયા, મોઝામ્બિકમાં મળે છે.
6) P.l. bleyenberghi, કતંગા લાયન નામિબિયા, બોત્સવાના, અંગોલા, કતંગા, ઝામ્બીયા, ઝીમ્બાબ્વેમાં મળે છે.
7) P.l. krugeri, ટ્રાન્સવાલ લાયન ટ્રાન્સવાલ અને કૃગર નેશનલ પાર્કમાં જોવા મળે છે.
8) P.l.,nubica Tsavo સાવો લાયન કેન્યા ને સાવો નેશનલ પાર્કમાં છે.
સિંહણને આશરે 5 કિલો માંસ રોજ ખાવા જોઈએ
એક સમયે કેનેડા યુકોન વેલી થી છેક પેરુ ને શ્રીલંકામાં પણ સિંહ હતા. નર સિંહને માદા વાઘ એટલે વાઘણ સાથે ક્રોસ કરીને લાયઘર નામનું પ્રાણી પેદા કરેલું છે. જે ખુબ વિશાળ લગભગ 1000 પાઉન્ડ સુધીનું વજન ધરાવે છે. એવી રીતે સિંહણને વાઘ વચ્ચે ક્રોસ કરીને ટાઈગોન પણ પેદા કરેલ છે. કશું કામ ના હોય તો સિંહ 20 કલાક આરામ કરે છે. ભૂખ લાગે તો જ ઉભા થવાનું. સિંહને લગભગ 7 કિલો અને સિંહણને આશરે 5 કિલો માંસ રોજ ખાવા જોઈએ.
ગીરના સિંહ નાં ધ્યાનમાં મોટાભાગે 50 કિલોના ચિતલ હોય છે
આફ્રિકન સિંહ બહુ મોટો પરિવાર ધરાવતો હોય છે. એના પરિવારમાં બે થી માંડીને સાત સાત સિંહણ હોય છે અને ઘણીવાર આવા એક કરતા વધુ સિંહણ ગ્રૂપ ઉપર કાબુ ધરાવતો હોય છે, જ્યારે ગીરનો સિંહ પ્રમાણમાં નાનો પરિવાર ધરાવતો હોય છે. મોટાભાગે બે જ સિંહણ અને એના બચ્ચાં એના પરિવારમાં હોય છે. સિંહ મોટાભાગે બહુ મોટા શિકાર શોધતો હોય છે. 200 થી 500 કિલો વજનના મોટા પ્રાણીઓ ઉપર હાથ અજમાવવો એના માટે રમતવાત છે. ગીરના સિંહ મોટાભાગે 50 કિલોના ચિતલ ઉપર વધારે હાથ સાફ કરતા હોય છે. આફ્રિકન સિંહ કરતા કદ કાઠીમાં ગીર સિંહ થોડો નાનો હોય છે.
ગીરના માલધારી જીવન સાથે સિંહ વણાઈ ગયેલો છે. શુદ્ધ શાકાહારી આ પ્રજાને સિંહ માટે માન છે. આ પ્રજા સિંહનો નાશ કરે તેવી જરાય નથી. જે નાશ થયો છે તે બ્રીટીશરોએ એમના શોખ માટે કર્યો છે અને તેમના વાદે ચડેલા રાજામહારાજાઓએ કર્યો છે.
નવા મિત્રો માટે આજે સિંહ દિવસ ઉપર આટલું પુરતું છે.
- ભૂપેન્દ્રસિંહ રાઓલ.. યુએસએ.
LION DAY :
જાણો ગીરનાં સિંહોની હાલત શું છે?