કાંતિ ભટ્ટ (kanti bhatt)નો જન્મ 15 જુલાઇ 1931ના રોજ ભાવનગર જિલ્લાના સાંચરા ગામમાં થયો હતો. મહુવામાં શાળાજીવન દરમિયાન તેઓ ઝાંઝર સામયિકના સંપાદક હતા. 1952માં તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાંથી વાણિજ્યના સ્નાતકની પદવી મેળવી હતી. ભાવનગર નગરપાલિકામાં થોડો સમય કામ કર્યું હતુ. બિમારીને કારણે તેઓ યુરુલી કંચનના નિસોર્પચાર આશ્રમમાં દાખલ થયા. તેમણે 9 વર્ષ પેનાંગ, મલેશિયામાં તેમના કાકા સાથે કામ કર્યું હતુ. 1966માં મુંબઈમાં તેમણે પત્રકાર તરીકે કાર્ય શરૂ કર્યું. 1967માં તેઓ વ્યાપારના સહ-સંપાદક તરીકે હતા. ત્યારબાદ તેમણે વિવિધ ગુજરાતી સામયિકો જેવાં કે ચિત્રલેખા, મુંબઇ સમાચાર, જનશક્તિ, સંદેશ, યુવા દર્શન, જનસત્તા જોડે કામ કર્યું. 1977માં તેમણે કેનિયામાં થોડો સમય કામ કર્યું. તેઓ સંશોધક પત્રકારત્વ સાથે જોડાયેલા હતા. દિવ્ય ભાસ્કરમાં તેઓ આસપાસ અને ચેતનાની ક્ષણે નામની કટારો લખી હતી.
આજે કાન્તિ ભટ્ટ એટલે કોણ એ વિશે એમનાં પુસ્તક માનવસિદ્ધીનાં સોપાન માંથી મનહર ડી. શાહનું કાન્તિ ભટ્ટ વિશેનું આલેખન અને સ્વ.કાંતિ ભટ્ટની પ્રસ્તાવના રુપી પરિચય.
આજથી 70 વર્ષ પહેલાં ભાવનગર જિલ્લાના ઝાંઝમેર ગામમાં એક શિક્ષક પરિવારમાં જન્મેલા કાંતિ ભટ્ટે 35મા વર્ષે કલમ ઉપાડી અને થોડા સમયમાં જ ગુજરાતી વાચકોના સૌથી પ્રિય પત્રકાર બની ગયા. વડોદરાથી બી.કૉમ. કરી કાકા પાસે થોડાં વર્ષ મલેશિયામાં (પિનાંગ) કામ કર્યું અને પછી દેશમાં આવી નિરુદ્દેશ ફરી રહ્યા હતા. એવામાં ખાદીસેવક સ્વ. શ્રી જેરાજાણીકાકાએ ‘વ્યાપાર’ નામના આર્થિક વર્તમાનપત્રમાં ઉપતંત્રી તરીકે બેસાડી દીધા. આરંભમાં વાર્તાઓ લખી. એક દિવસ હરકિશન મહેતા ટ્રેનમાં મળી ગયા. તેમણે ‘ચિત્રલેખા’ સાપ્તાહિક માટે પ્રાસંગિક અને ઊંડી તપાસવાળા લેખો લખવાનું સૂચન કર્યું. અહીંથી સર્જનયાત્રા શરૂ થઈ.
‘ઇન્વેસ્ટિગેટિવ’ પત્રકારત્વ ગુજરાતમાં જોઈએ તેવું પાંગર્યું નથી. આમ છતાં કાંતિ ભટ્ટનું નામ આ ક્ષેત્રે મોખરે છે. એમ ની વિશેષતા પ્રાસંગિક લેખો તૈયાર કરવાની છે. ગમે તેવો પ્રસંગ હોય પરંતુ પડકાર સ્વીકારી તેઓ તરત જ અથાક મહેનત કરીને પ્રસંગને અનુરૂપ લેખ તૈયારી કરી આપે છે. એક સાચા પત્રકારે કરવી જોઈએ તેટલી મહેનત કરે છે.
પોતાના ખર્ચે કીમતી એન્સાઇક્લોપીડિયા અને અનેક પુસ્તકો તેમણે વસાવ્યાં છે. ચૌદ વર્ષ સુધી કાંદિવલીની રૂમમાં હાથે રસોઈ કરીને રહેનારા આ નીડર પત્રકારે અનેક લાગણીઓના છંદ સહન કર્યા છે. તેના પરિપાકરૂપે આ પુસ્તકોના લેખો તૈયાર થયા છે. આ એકાંતવાસ દરમિયાન શીલા ભટ્ટ તેમના જીવનમાં આવ્યાં અને સર્જનયાત્રા સમૃદ્ધ બની! હાલમાં ક્રાંતિ ભટ્ટ 70 વર્ષની ઉંમરે પણ સવાર સોડા બાય જાગીને દરરોજ બે લેખો અને મહિનાના લગભગ 65 લેખો લખે છે. ચિત્રલેખામાં ‘માનવ’ અને ‘ખબરઅંતર, ગુજરાત સમાચારમાં દરરોજ ‘આસપાસ’ની કટાર, સોમવારે ‘બિઝનેસ ગઠરિયાં’ અને મુંબઈ સંધ્યામાં દરરોજ મોજ ગઠરીયાં ની કોલમ લખે છે.
પ્રસ્તાવના – કાન્તિ ભટ્ટ |
બેવજહ ઝુલસ ગયે ભરી બહારમે
જૈસે કિ ટૂટા તાર બજતે સિતાર મેં
ઇંસાન સે જ્યાદા દુઃખ ભી કહીં પર હૈ
કયા રાગ મચલતે હૈ ઈસ લોકે કે તાર મેં
તાંઉમ્ર સુલગતે રહે, ઉઠતા રહા ધુઆ
ઔર જીત સુલગતી રહી હર એક હાર મેં
ખુશબૂ ન હો તો ફૂલોં મેં લગતા ભલા પત્થર
જમતા ન ઈતના ખૂન ગુલિસ્તા કે ખાર મેં
ગુલશન મેં મહકતા હુઆ ચુલ ખુશનસીબ હૈ
બેબસ જો સજા રહનુમા કે હાર મેં
વિઠ્ઠલભાઈ પટેલ ના આ કાવ્ય સાથે આ પુસ્તકની પ્રસ્તાવના લખતી વખતે મારા જીવનમાં જે નાના નાના માનવો મહાન રીતે’ જીવી ગયા છે. તે બધા જ એકસાથે યાદ આવે છે. ભાવનગર જિલ્લાના ભાદરોડ ગામે 17 વર્ષની વયે, વિધવા બનેલાં મારાં નર્મદાફૈબાને ઘરે હું 4 વર્ષની ઉંમરે ગયો હતો. 1935ની એ સાલમાં મારા ફુઆ એક વેપારીની પેઢીમાં હિસાબકિતાબ લખતા હતા. સરવૈયું કાઢતાં કંઈક ભૂલ આવી. રોકડનો હિસાબ મળ્યો નહીં. આબરૂ જશે તેવું માનીને ફુઆએ રૂ. 1નું અફીણ ખાઈને આત્મહત્યા કરી. આબરૂ જાળવી.
ફૈબા માટે જીવન અકારું કરી ગયા. વિધવા ફૈબાનું ઘર મારે માટે ગુરુકુળ બની ગયું. ચાર વર્ષની ઉંમરે ફૈબા ખેતરમાં જાય. ઘાસ વાઢે. પૂળા બનાવે. હું નાની નાની પૂળીઓ બનાવું. પગબળણું થાય તો પણ ફૈબા ઉઘાડે પગે જ ચાલે. હું પણ ચાર વર્ષની ઉંમરે ઉઘાડે પગે હોઉં, ફૈબાએ આ રીતે જીવનના તડકામાં ચાલવાની પ્રેક્ટિસ કરાવી. 1 માઈલ ચાલીને થાકું તો ફૈબાને માથે 15 કિલોનો ઘાસનો ભારો હોય. તે ભારા સાથે ઉકડુ બેસીને મને કાખમાં તેડી લે. સખત તડકામાં ઘરે આવે. ભાદ્રોડી નદીમાંથી પાણી ભરવા જાય. આવીને દળણું દળે. રોટલા ઘડે. તેમના દીકરા કરતાં ફૈબા મને વધુ સાચવે.
સવારના 5 વાગ્યાથી ઊઠીને રાતના 8 વાગ્યા સુધી સતત કામ કરે. પાડોશીને અડચણ હોય તો રસોઈ કરી આપે. એવરતજીવરતવાળી બહેનોને વાર્તા કહે. કોઈ નવેલીને સુવાવડ આવે તો શીરો કરી દેવા જાય. લગ્ન, મરણ, જન્મ વગેરેમાં ઘણી નવતર વહુઓને રિવાજોની ખબર ન હોય તે શીખવે. મને 10 વર્ષની ઉંમરે રસોઈ કરતાં શીખવી દીધેલું. કરકસર કરીને કેમ જીવવું તે શીખવ્યું. મહુવા શહેરમાં પછી મિડલ સ્કૂલમાં ગયા ત્યારે 1940 થી 1946 સુધી મહિને રૂ.60 ના ખર્ચથી ઘર ચલાવતાં શીખવ્યું. કંપોળનાં લગ્ન હોય ત્યારે દક્ષિણા માગવા મોકલે. મહુવાના અખાડામાં હાથપગ ભાંગી આવીએ તો હળદરના શેક કરે.
તાવ આવે તો સૂંઠના ખરડ કરે. એક વખત રાત્રે લગ્નમાં દક્ષિણા માગવા ગયો અને કૂતરું કરડી ગયું, તો ફૈબાએ અરધા ઇંચના કૂતરાના બેસાડેલા દાંતમાં મરચું ભરી દીધું અને ઉપર તાંબાનો સિક્કો લગાવી પાટો બાંધી દીધો, ફૈબા મારાં ટીચર, ગુરુ, વૈદ્ય, મા, બાપ અને બધું જ. એ પછી હાઈસ્કૂલ અને કોલેજ અને પરદેશ અને મુંબઇ. હું લેખક થયો. જીવનની જંજાળમાં ફૈબા વિસરાઇ ગયાં. કદી જ મારી પાસે ગુરુદક્ષિણા ની અપેક્ષા ન રાખી. ચૂપચાપ 75 વર્ષની વયે અવસાન પામ્યાં. વચ્ચે ખબર પડી કે ફૈબાને પૈસાની તકલીફ હતી ત્યારે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાનને ત્યાં રસોઇ કરતાં હતાં !
ગજબનાં આ ફૈબા. જાણે આ દુનિયામાં બીજાની સેવા કરવા જ જન્મ્યાં હોય તેવાં મહામાનવ. તેમણે ઈશ્વર પાસે કંઈ જ ન માંગ્યું. મને લાગ્યું કે ઈશ્વર પાસે તેણે દુઃખ જ માંગ્યું હશે એટલે ઈશ્વરે તેને સતત દુઃખ જ આપ્યા કર્યું.
આ દેશ મહાન છે. ભારત મહાન છે. પણ આ પુસ્તક(માનવસિદ્ધિનાં સોપાનો) માં લખેલા માનવોને કારણે કે વિદેશના માનવોને કારણે જગત મહાન નથી. મારા નર્મદા ફૈબા જેવાં લાખ્ખો ફૈબાઓ, વિધવા કે સધવા નારીઓ ભારતમાં છે તેમને ઈશ્વરે એક જ એજન્ડા આપ્યો છે. દુ:ખો સહન કરો અને બીજાને ઉપાધિમુક્ત રાખો. બીજાનાં ગુરુ બનો પણ ગુરુદક્ષિણાની અપેક્ષા ન કરો, ખરેખર, આ પ્રસ્તાવના દ્વારા હું ભારતની આવી લાખ્ખો મહાન નારીઓને વંદન કરું છું જેના થકી અમે વામણા છીએ પણ અમે વામણા દેખાતા નથી.
– કાન્તિ ભટ્ટ
લેખ તારિખ – 01-05-2000
703, ક્ષિતિજ, સાંઈબાબા મંદિર સામેનો રસ્તો,
કાંદીવલી વેસ્ટ, પોઇસર, મુંબઈ 400067
ફોન નં. ——- – ——-
kanti bhatt | kanti bhatt books|
kanti bhatt book buy amazone – Aha Jindagi Vah Jindagi
read elon musk quote – link – ઇલોન મસ્ક ના 24 મોટીવેશનલ વિચારો