માનસિક રીતે મનોવિકૃત મનુષ્ય, સમાજને અધોગતિ તરફ ધકેલે છે. આવા મનુષ્યોને કારણે માણસજાતને ડગલે ને પગલે બોલતા કે કોઇ કામ કરતા મુશ્કેલી થઇ રહ્યી છે. કોઇને મારી નાખવું ક્યારેય વ્યાજબી નથી. આ મૃત્યુદંડ આપવામાં કોઇ પણ ન્યાયપાલિકા રાજી હોતી નથી. છતાંય આવો નિર્ણય કેમ લેવામાં આવ્યો એ વાતની જાણકારી આપતો લેખ.
કહેવાય છે કે માનવ જીવન અમુલ્ય અને શ્રેષ્ઠ છે. તેનું કારણ એ નથી કે તે આલિશાન ઘરમાં રહે છે કે પછી કિંમતી ઘરેણાં પહેરે છે. માનવ નામનો જીવ એટલા માટે મહાન છે, કારણકે તેની પાસે પોતાની આગવી વિચારશક્તિ છે તેમજ માનવી પાસે પોતાની ઇચ્છા પ્રમાણે મેળવવાની અવનવી રીતો છે. તે પોતાની ઇચ્છા વ્યક્ત કરી શકે છે અને પોતાની ઇચ્છા પ્રમાણે ધારેલું મેળવી પણ શકે છે. પરંતું અનિતિને રસ્તે જઈને માનવ કોઈ અમાનવીય કૃત્ય કરે તો સમાજ સમાજવ્યવસ્થામાં કુરુપતા વ્યાપે છે. આ કુરુપતાને કારણે સમાજમાં નિર્દોષ લોકો ભોગ બને છે. પરંતુ જો કોઇ માણસને કે કોઇ નિર્દોષને કારણ વગર જ મારી નાખવાની ઇચ્છા થાય તો ?
જે વિચાર અને ઇચ્છા શક્તિ માનવ જીવન, સમાજ, આવનારી પેઢી અને પૃથ્વીના દરેક પ્રાણીને સુખી બનાવવાના માર્ગના બદલે જો નાશ કે સંહાર તરફ આગળ વધે તો તેને માનવની અધોગતિ માનીને આવું ફરીથી ન થાય તેની ખાસ જવાબદારી દેશની, સમાજની અને વધુમાં આપણા સૌની છે. તાજેતરમાં જ આપણા ગુજરાતમાં સ્પેશિયલ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. અમદાવાદ શહેર વર્ષ 2008ના સિરિયલ બ્લાસ્ટ કેસમાં ભારતના ઇતિહાસમાં પહેલી વાર 38 દોષિતને મૃત્યુદંડ અને 11 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી.
મૃત્યુદંડ એ યોગ્ય નિર્ણય છે?
જે દોષિતોએ અનેક નિર્દોષ વડિલો, બસમાં મુસાફરી કરતા નોકરીયાત લોકો, ગૃહિણી, માતા-પિતા, નાના બાળકો, હોસ્પિટલના દર્દીઓ વગેરેના કોઇ પણ વાંક-ભૂલ વિના મૃત્યું સુધી પહોંચાડેલા છે. તો તેવા દોષિતોના વિચાર અને ઇચ્છાશક્તિને મૃળથી જ દાબી અને યોગ્ય વેક્સિન આપવાની જરૂર છે. સુયોજન સાથે, સમજી-વિચારીને નિર્દોષ લોકોના કારણ વગર સંહાર કરવાની જે મનોવૃતિ છે ને તેનો કાયમી નાશ થવો જ જોઇએ. મૃત્યુદંડની સજા તે તરફ આગળ વધવાનો એક માર્ગ ગણાવી શકાય છે. કાયદાશાસ્ત્રમાં સજા માટેની અનેક થિયરી સમજાવી છે. જેમાંની એક થિયરી એ છે કે, સજાનું કારણ અમાનવિય, અતિક્રુર અને જાનલેવા તો છે જ પણ સાથે ને સાથે એ પણ ખાતરી કરવાની છે કે આવો વિચારમાત્ર ફરીથી કરવાની ઇચ્છા ન થાય. આથી જ, મૃત્યુદંડને Rarest of Rare એટલે કે ખાસમાં ખાસ કૃત્ય માટે સજા આપવાનું ઉલ્લેખાયેલું છે. વધુમાં એક તર્ક એમ પણ વિચારી શકાય કે , જે હજારો લોકોના ક્રુર હત્યાનું કારણ છે, તેના માટે મૃત્યુદંડ નૈતિક રીતે પણ વ્યાજબી નથી?
આ ખાસ ચુકાદાએ એમ તો સાબિત કરી આપ્યું કે આપણું ન્યાયતંત્ર માનવસમાજને વ્યાજબી ન્યાય આપવામાં સફળ છે. પરંતું જો આપણે વિચારશીલ માનવી થઇને પણ અબોલા પશુ અને નિર્દોષ પ્રાણીને મારીને ખાઇએ તો તે પણ પ્રકૃતિના બીજા સંતાનોનાં સંહાર જ છે ને? શું નિર્દોષ જીવને મારવાની મનોવૃતિ અને કોઇ પશુંને મારીને ખાવાની ઇચ્છાનો નાશ ન થવો જોઇએ ? આ વિશે આપણે દરેકે વિચારવાની જરૂર છે.
- વૃષાંક શાહ
લેખક ગુજરાત યુનિવર્સિટીનાં LLB માં આઠ સુર્વણ ચંદ્રક મેળવનાર સ્કોલર છે.
જાણો IPC કલમ 302 વિશે ખૂન કરો તો કઇ સજા થઇ શકે ?