ઘણું બધું વાર્તા સ્પર્ધા . આગામી સમયમાં અમે યોજવા જઇ રહ્યા છીએ ઘણું બધું વાર્તા સ્પર્ધા. શું આપ સારી વાર્તા લખી શકો છો? શું આપ ગુજરાતી ભાષામાં પ્રયોગાત્મક વાર્તા લખી શકો છો ? જો તમારો જવાબ હા છે તો મોકલી આપો આપની વાર્તા. વાર્તા સ્પર્ધા પહેલા અમે વાર્તાકારોના લેખન વિશે જાણવા માંગીએ છીએ. આપની વાર્તા કેટલા લોકો વાંચે છે એ આપને આપની પહેલી પ્રયોગાત્મક વાર્તા દ્વારા જાણવા મળશે. જો આપ આપના વાચકો વિશે જાણવા માગતા હોવ તો મોકલી આપો અમને આપની એક વાર્તા. પ્રસ્તુત વાર્તા તિર્થભાઇ શાહની છે. તેઓ જૈન વાર્તાઓનાં જાણકાર છે. વાંચો એમની વાર્તા ‘ગરીબીની અમીરી’.
મુંબઈ નો વીસ વર્ષનો એક યુવાન હતો. કુટુંબમાં ઘરડી મા અને આઠ વર્ષની એક નાની બહેન હતી. પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે ચીકુ વેચતો હતો. પરિવાર ગરીબ હતો. પરિવાર કેરી વેચીને ગુજરાન ચલાવતો હતો. એક દિવસ સવારથી સાંજ સુધી ઘણી મહેનત કરવા છતાં યુવાન પાસેથી એક પણ ચીકુ વેચાયું નહીં. યુવાન સંધ્યાના સમયે ઉદાસ ચહેરે બેઠો હતો. એવામાં એક શેઠ ત્યાંથી પસાર થયા. જેઓ ટુમકુરથી ધંધાર્થે મુંબઈ આવ્યા હતા. શેઠ બાજુની હોટેલમાં રોકાયા હતા. યુવાનને થયું કે, આ તો મોટા શેઠ છે, મારી પાસેથી થોડાં ચીકુ તો લઇ લેશે.
શેઠ નજીક આવ્યા અને આશા સાથે યુવકે શેઠને પૂછ્યું, શેઠ ! ચીકુ લેશો ?
શેઠ કહે : ના, મારે જરૂર નથી.
યુવક કહે : શેઠ ! લઇ લો ને ! ચીકૂ મધ જેવા ગળ્યા ગળ્યા છે અને સાવ સસ્તા છે.
શેઠ જરા ગુસ્સામાં બોલ્યા, અલ્યા, એક્વાર તને કીધું ને કે મારે એક પણ ચીકુની જરૂર નથી. શા માટે મારું માથું ફેરવે છે ?
બાળકનાં મોઢાં પર ઉંડી ઉદાસીનતા છવાઈ ગઇ. તેની આંખમાંથી દડ દડ આંસુઓ પડવા લાગ્યાં. તે પોતાનાં નસીબને દોષ આપતો ચિંતામાં ગરકાવ થઈ ગયો. સંધ્યા થઈ ગઈ છે હવે કોઈ ધરાક નહીં મળે. એક ફૂટી કોડીની પણ કમાણી થઈ નહીં. હવે ઘરે જઈને શું…? એ વિચારતાં જ તે ભાંગી પડ્યો. શેઠથી આ દ્રશ્ય ન જોઇ શકાયું. તે યુવક પાસે આવ્યા. શેઠ યુવક પાસે આકહે આવીને કહે – મેં ચીકુ લેવાની ના પાડી એટલા માટે રડે છે ?
બાળક કહે – શેઠ ! તમે ચીકૂ ના લીધી એટલે નહીં, હું મારા નસીબને રડું છું. મારા ઘરમાં એક ઘરડી માતા છે. ચાર છ દિવસથી એને તાવ છે. ડોક્ટરે દવા તો આપી છે. પણ દૂધ સાથે એ દવા લેવાની છે. હું મારી માને કહીને આવ્યો હતો કે આજે ચીકુ વેચીને તારા માટે દૂધ લેતો આવીશ. દૂધ સાથે દવા લઈશ તો જલ્દી થઈ સ્વસ્થ થઇ જઈશ. મારી માં સ્વસ્થ થઇ જશે તો મને ઘણો આનંદ થશે. મારી બેહેને સડેલા ચીકુ ખાઇને ચાર-છ દિવસ વીતાવ્યા છે.મે આઠ દિવસથી અન્નનો દાણો જોયો નથી. શેઠ! ગરીબીના દુઃખ કરતા મારી માતા માટે દૂધ લઈ જઈ શક્યો નથી તેનું પારાવાર દુઃખ છે. મારી ઘરડી માતા આંગણામાં રાહ જોઈને જ ઉભી હશે કે મારો વ્હાલો દીકરો હમણાં આવશે અને મારા માટે દૂધ લાવશે. હવે હું કયા મોઢે ઘરે જાઉં ? મારા આવવાની આશા લઈને બેઠેલી માતાને હું શું જવાબ આપીશ ? આ વિચારે મારું હૃદય દ્રવી ગયું છે.
બાળકની જીવની સાંભળી શેઠનું હૈયું ભરાઈ ગયું. તેમની આંખમાંથી પણ દડદડ આંસુઓ સરી પડ્યાં. શેઠે કહ્યું – બેટા ! મારે ચીકુ જોઈતી નથી. પણ, તારે કેટલા રૂપિયા જોઈએ છે એ કહે. બાળક કહે – શેઠજી ! તમારો ઘણો ઉપકાર, પરંતું હું ગરીબ જરૂર છું પણ ભીખારી તો નથી. હું દરિદ્રી જરૂર છું પણ દીન તો નથી. મારે પૈસાની જરૂરત છે પણ મને મારા કામના પૈસા જ પસંદ છે. હરામના નહીં. તમારે કેરી ન જોઈતી હોય તો મારે મફતનાં રૂપિયા પણ જોઇતા નથી.
શેઠ તો દરિદ્ર એવાં આ બાળકની ખુમારી જોઈ સ્તબ્ધ થઈ ગયા. આવી વિકટ પરિસ્થિતિમાં કેવી ગજબની ખુમારી ! શેઠ કહે : કેટલાનો ટોપલો છે? બાળક કહે, 10 રૂપિયાનો. શેઠે 20 ની નોટ આપી. બાળક કહે – શેઠ તમારી હોટલનો નંબર આપો, હમણાં જ બાકીના 10 રૂપિયા તમને પહોંચતા કરું છું. શેઠ પાસેથી હોટલનું નામ અને રૂમ નંબર લઈ બાળક 20 રૃપિયાનાં ના છૂટા કરાવવા ગયો. શેઠ પણ પોતાની હોટલે પહોંચ્યા.
બાળકનાં મનમાં હર્ષ સમાતો નહોતો. આ આનંદ રૂપિયા મળ્યાનો નહોતો. આ રૂપિયામાંથી તે તેની વ્હાલી માતા માટે દૂધ લાવી શકશે, એનો હતો. દૂધ પીને મા રાજી થશે અને તેનો તાવ દૂર થશે, એનો આનંદ હતો. આ બાજુ શેઠ રાહ જોઈ રહ્યા હતા કે બાળક હમણાં આવે, હમણાં આવે. પણ બાળક ન આવ્યો. શેઠ અવળા વિચારમાં ગરકાવ થઈ ગયા. એ વિચારવા લાગ્યા, ગરીબીનાં નામે ઠગ મને ઠગી ગયો. ભિખારીઓને દયાની કદર ક્યાંથી હોય. જાત જ હલકી હોય પછી એમનું જીવન ઉમદા ક્યાંથી હોય ? અન્નના દાણાના ફાંફા હોય ત્યાં ઇમાનદારી ક્યાં શક્ય બને ? શેઠે તો પૈસા આવશે એ પરથી પોતાનું મન વાળી લીધું. વાત ભૂલીને પોતાનાં કામમાં ગરકાવ થઈ ગયા.
આ વાતને ચાર-છ દિવસ થયા અને અચાનક શેઠની હોટલની રૂમનાં બારણે ટકોરા પડ્યા. શેઠે દરવાજો ઉઘાડ્યો. એક આઠ દશ વર્ષની બાળકી દીન-હીન શરીરે ઉભી હતી. કપડાં ગરીબીની ચાડી ખાતાં હતાં. ઊંડું ગયેલું પેટ ભૂખ્યાપણાંની ચાડી ખાતું હતું. બે ગાલમાં ઊંડા ખાડા પડેલા હતા. એકવાર તો શેઠને વિચાર આવી ગયો. આ છોકરી ભિખારીની જેમ ભીખ માંગવા આવી લાગે છે. પણ ત્યાં જ તૂટતા શબ્દોમાં આંતરવ્યથાને થોડી સાચવી લઈ બાળકી બોલી. શેઠ ! તમે ટુમકુરથી આવ્યા છો ? શેઠે હા પાડી.
બાળકી કહે : શેઠ પાંચેક દિવસ પહેલાં તમે એક ભાઇ પાસેથી ચીકુ ખરીદ્યા હતા ?
શેઠે ગુસ્સા સાથે હા પાડી અને કહ્યું, હા, તે મારા દસ રૂપિયા લઇને ફરાર થઇ ગયો છે.
બાળકી કહે : શેઠ ! લો આ દસ રૂપિયા. હું એ ભાઇનાં દસ રૂપિયા આપવા જ હું આવી છું. શેઠ આ સાંભળી અને દૃશ્ય જોઈ સ્તબ્ધ થઈ ગયા. બાળક માટે થયેલી ગેરસમજનો પસ્તાવો કરવા લાગ્યા. આ ગરીબ બાળકીને જોતા શેઠ અચરજ પામ્યા.
શેઠે બાળકીને પૂછયું- તું કોણ ? બાળકી- હું તેની નાની બહેન, શેઠજી. શેઠ – તો તારો ભાઈ ક્યાં છે ? તે રૂપિયા પાછો આવા કેમ ના આવ્યો? બાળકી બે-ચાર મિનિટ શું બોલી ન શકી, તેનું મન ભરાઈ ગયું…તેનાં મોઢે ડૂમો આવી ગયો. રડતાં રડતાં બાળકી કહે, – શેઠ ! એ મારો ભાઈ તો હવે ક્યારેય નહીં આવે. તે તો પ્રભુનાં ધામમાં કાયમ માટે અમને બધાને છોડીને ચાલી ગયો. હવે તે ક્યારેય આ દુનિયામાં ફરી ક્યારેય નહીં દેખાય.
શેઠે આ સાંભળી કારમો આઘાત અનુભવ્યો. તેમણે પૂછ્યું, શું થયું તારા ભાઈને ? હજી ચાર દિવસ પહેલાં તો એ સારો નવરો હતો.
બાળકી – શેઠ !… નસીબ જ્યારે રૂઠે છે ત્યારે બારે ખાંગે દુઃખોની વર્ષા થાય છે, કોને દોષ દઈએ. મારી મા બિમાર, આઠ દિવસથી અમે ભાઇ-બહેન ભૂખ્યા હતા. અમારી જીંદગીનો એક જ આધાર આ અમારો ભાઇ હતો. તેને પણ ક્રૂર-અતિક્રૂર વિધાતાએ પોતાની પોસે બોલાવી દિધો. શેઠ અમે નિરાધાર થઇ ગયા. હવે ક્યાં જઈએ? હવે કોની પાસે આ પોકાર કરવો?
શેઠ કહે – બહેન ! શાંત થા. કર્મ અને કુદરત કોઇને છોડતી નથી. પુરી વાત કર. અચાનક આ શું થઈ ગયું?
બાળકી કહે – શેઠ ! તમારી પાસે દશ રૂપિયા લઈ તેના છૂટા કરાવવા મારો ભાઈ બાજુની ગલીમાં ગયો હતો. તે ખૂબ આનંદિત હતો. મનોમન તે તમને લાખ-લાખ ધન્યવાદ આપતો હતો. આનંદના વિચારોમાં મગ્ન તેને ખ્યાલ ના રહ્યો. સામેથી એક કાર તેને અથડાઈ. તે પડી ગયો. લોહીલુહાણ થઈ ગયો. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. અમને સમાચાર મળતાં અમે બન્ને તુરંત ત્યાં પહોંચી ગયા. ભાઈનાં આખાં શરીર ઉપર પાટા-પીંડી હતા. તેમની હાલત ગંભીર હતી.
મારી માતાને જોતાં જ મારા ભાઈમાં હોશકોશ આવી ગયા. તે બોલ્યો, મા ! તું આવી ગઈ? તું માંદી માંદી અહીં કેમ આવી ? ના…ના… સારું થયું તું આવી ગઈ. હવે ફરી ક્યાં મળવાના છીએ ? આ શબ્દ સાંભળતાં જ માને સખત આઘાત લાગ્યો. છતાં પરિસ્થિતિ જોઈ પોતાની જાતને સંભાળી લીધી.
મારી માતાએ કહ્યું – બેટા ! તું આવું ના બોલ, તને કાંઈ નથી થયું. તું હમણાં સારો થઈ જઈશ. ચિંતા ન કર, બધું સારું થશે. ભગવાનની કૃપાથી શાંતિ મળશે. મા ! શાંતિ તો હવે પ્રભુનાં ધામમાં જ મળશે, એમ લાગે છે. કારણ કે, મારા આખાં શરીરમાં અસહ્ય પીડા થઇ રહ્યી છે. શરીરનાં પ્રજવ્લિત દિવડામાંથી આયુષ્યનું તેલ ખૂટતું હોય એમ લાગે છે. હવે વધુ લાંબો સમય નીકળે તેમ લાગતું નથી. તારા દર્શનની અદમ્ય ઈચ્છા હતી તે પૂરી થઈ છે. તારાં દર્શનથી મને પરમ શાંતિ મળી છે.. આખી દુનિયાનું સુખ મને મળી ગયું છે..મા … મા …! મા …
માતા વાત્સલ્યભર્યાં હાથ વ્હાલસોયાં બાળકનાં માથાં ઉપર ફેરવે છે. બાળકન ભેટી પડે છે. ચુંબનનો વરસાદ વરસાવે છે, બેટા ! સારું થઈ જશે… ચિંતા ના કર. હોસ્પિટલ આ હૃદયદ્રાવક દ્રશ્ય જોઈ દ્રવિત થઇ જાય છે. હોસ્પિટલમાં નીરવ શાંતિ છવાઈ જાય છે. સૂરજનું ક્ષિતિજ સાથેનું સુભગ મિલન હોય તેમ મા દીકરાનાં આ અંતિમ મિલનને સૌ એકીટશે ધૈર્ય નિહાળી રહ્યા છે. યુવક કહે : મા ! મને એક વાતનું બહુ દુઃખ છે કે હું જોઈએ તેવી તારી સેવા કરી શક્યો નહિ. ધગધગતા તાવમાં તને એક વાટકો દૂધ પીવડાવી શક્યો નહિ, તારા કેટલા અગણિત ઉપકારો મારા ઉપર છે. નાનપણથી વિકટ પરિસ્થિતિમાં અમને મોટા કર્યાં. જાતે ભૂખ્યાં રહીને અમને જમાડ્યાં. લોકોની મજૂરી કરી અમારું તે પાલન કર્યું. હે મા ! એટલું જ નહિ, ગરીબ અવસ્થામાં પણ તે વ્યાય-નીતિ સદાચાર અને પ્રામાણિકતાના ઉચ્ચ સંસ્કારો આપ્યા. તારા આ અસીમ ઉપકારનો બદલો કયા ભવે વળશે ?
હે મા ! હવે લાંબું જીવવાનું નથી, તને છોડીને જવાનું દુઃખ છે પણ તારી પાસેથી સદ વિચાર અને સદાચારના લઈને જાઉં છું. તેનો મને આનંદ છે. હે મા । હું તારી સેવા ના કરી શકો તેની ક્ષમા માંગું છું. મને માફ કરજે. હે મા ! મારી બધી ભૂલો ભૂલી જ આજે ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે “ભવોભવ તારા જેવી મા મળો.” બાજુમાં ઉભેલી નાની વ્હાલી બહેનને બોલાવી ભાઈએ કહ્યું બહેન ! હવે હું જાઉં છું, પણ તું માનું બરાબર ધ્યાન રાખજે, તેને ઓછું આવવા દઈશ નહિ. મજૂરી કરીને પણ તેને દવા અને દૂધ આપતી રહેજે. તેનાં શરીરનો બરાબર ખ્યાલ રાખજે. મારી ગેરહાજરીમાં ‘મા’ની ખૂબ સેવા કરજે જેથી મારા આત્માને શાંતિ મળે. આ સાંભળી બહેનનું હૃદય ભરાઈ ગયું. આંખમાં સાત-સાત સમંદરો તંબુ નાંખીને બેઠા હતા.
છતાં સ્વસ્થ થઈને બહેન બોલી, ભાઈ ! ચિંતા ના કર. માતાને હું જીવની જેમ સાચવીશ. તેને ઓછું નહિ આવવા દઉં. ચોવીસ કલાક તેની સેવા કરીશ. આમ પણ અમારી દુનિયામાં અમે બે જ છીએ. ખૂબ જ હળી-મળીને અમે પ્રેમથી રહીશું. તું ચિંતા ના કર. તારાં સ્વાસ્થ્યનો ખ્યાલ રાખ. બહુ બોલ નહિ. ભાઈ કહે – હવે પાછી ક્યાં તમારી સાથે વાત કરવા મળવાની છે ? ફરી આપણે ક્યાં ભેગા થઈશું ? શરીર તો પડવાનું છે. મન ભરીને છેલ્લે તમારી સાથે વાતો કરી લઉં ને ! આમ પણ મારી દુનિયામાં તમારા સિવાય છે પણ કોણ ? કેવું મસ્તીનું હર્યુંભર્યું આપણાં ત્રણેયનું જીવન હતું… કુદરતને આ પ્રેમ, આ મસ્તી, આ આનંદ કદાચ મંજૂર નહીં હોય !…
મા બહેનને મોતનો ડર નથી. તમારા વિયોગનું દુ:ખ છે. મારા ગયા પછી તમારું કોણ ? અને એમાં પણ એક મોટી ચિંતા મગજને કોરી ખાય છે કે દીકરી તો પારકી થાપણ કહેવાય, મારી બેનડી તો કાલે સાસરે જતી રહેશે. પછી હે મા !તારી સંભાળ કોણ રાખશે ? આ વિચારે મને તમ્મર આવી જાય છે. મા કહે : બેટા ! આવો લાંબો વિચાર ના કર. જગતનો ધણી આપણા માથે બેઠો છે…તેણે જન્મ આપ્યો છે તો રક્ષા નહિ કરે તેધ્યાન નહિ રાખે ? બેટા !અમારી ચિંતા છોડ, તારી કોઈ ઈચ્છા મનોકામના અધૂરી રહી જતી હોય તો કહે, અમે જરૂર પૂર્ણ કરીશું.
બાળક કહે – મા ! આમ તો બીજી કોઈ ઈચ્છા નથી. પણ, અંતરમાં એક વાતનો ડંખ અને રંજ છે. ગઈકાલે જે શેઠે કેરીઓ વેચાતી લીધી તેને દસ રૂપિયા આપવાના રહી ગયા છે. બહેન ! કોઈપણ ભોગે આ દસ રૂપિયા તું તે ટુમકુરવાળા શેઠને હોટલના છ નંબરનાં રૂમમાં આપી આવજે. મારે દસ રૂપિયાનું દેવું માથે લઈને પરલોકમાં જવું નથી. નહીં તો બીજા જન્મમાં અનેકગણું ચૂકવવું પડશે. એ શેઠને હું વિશ્વાસ આપીને આવ્યો હતો કે – હમણાં જ છૂટા કરાવીને આવું છું અને રસ્તામાં જ કારની અડફેટમાં આવી ગયો. શેઠને તો આ બીનાની ખબર નથી.એટલે તેઓ તો એમ જ સમજશે કે કોઈ ગઠીયો મને ઠગી ગયો.બીજી વખત કોઈ શેઠ કોઇ ગરીબ માણસ પર દયા કરશે નહીં.
મારે દેવું લઈને જવું નથી અને કોઈનો વિશ્વાસઘાત પણ કરવો નથી. માટે હે બહેન ! તું મને વચન આપ કે, “તું તે દસ રૂપિયા તુરંત પાછા આપી આવીશ.” પછી જ મારાં મનને શાંતિ મળશે. મારાં કફનનું વસ્ત્ર નહીં મળે તો ચાલશે પણ દેવું તો ન જ જોઈએ. માટે મજૂરી કરીને ય, ભૂખ્યા રહીને ય, તે શેઠના દસ રૂપિયા પરત કરી દેજે. બહેને વચન આપ્યું… ભાઈ ! ચિંતા ના કર… સૌથી પહેલું કામ આ કરી લઈશ…બીજી કોઈ ઈચ્છા હોય તો બોલ.
બસ મા ! બસ, બસ… વ્હાલી બેન ! બસ… હવે કોઈ ઈચ્છા નથી.
બહેન !મા ને બરાબર સાચવજે…મા ઓ મા ! હવે મારી નસો તણાય છે.
મા મા મા ! કરતા મારા ભઈલાની આંખો સદા માટે મીંચાઈ ગઈ… અમારા ઉપર તો જાણે આભ તૂટી પડ્યું હોય એવો અસહ્ય લાગ્યો.અમે નિરાધાર થઈ ગયા.આજે ય મારા એ ભઈલાની છબી આંખ સામેથી ખસતી નથી. શેઠ ! તેની અંતિમ ઈચ્છા સ્વરૂપ આ તમારા દસ રૂપિયા પાછા આપવા આવી છું.. તેનો સ્વીકાર કરો… મારા ભાઈની અંતિમ શ્રદ્ધાંજલિ આપ્યાનું અમારું કાર્ય પણ પૂર્ણ થાય. મારો ભાઈ જ્યાં હોય ત્યાં તેના આત્માને શાંતિ મળે !
શેઠ તો બાળકીની દર્દભરી વાતો સાંભળતાંજ રહ્યા. તેમનું હૃદય દ્રવી ગયું. આંખમાંથી આંસુઓ સરી પડ્યા. ગરીબ કુટુંબની આ અમીરી અને ઇમાનદારી જોઈ શેઠ મનોમન ઝૂકી પડ્યા. બાળકીને કહે – આ દસ રૂપિયા ભલે મને આપી દે, જેથી તારા ભાઈની અંતિમ ઈચ્છા પૂર્ણ થાય. પણ, હું આ દસ રૂપિયા. તારે રાખવાના જ છે,જેનાથી તારી માતાને દવા દૂધ લાવી આપજે… તેની સાર સંભાળ રાખજે !
દસ રૂપિયા લઈ બાળકી વિદાય થાય છે, બાળકી દેખાય ત્યાં સુધી શેઠ તેને જોયા કરે છે. જોયા જ કરે છે.
ક્યાંક વાંચ્યુંછે કે, “મોટા માણસોની હલકાઈ જોઈ થાકી ગયો છું, નાના માણસોની મોટાઈ જોઈને જીવી રહ્યો છું.”
મરતાં મરતાં પણ દસ રૂપિયાનું દેવું ન રહી જાય એવી ભાવનાવાળો આ અભણ યુવક ક્યાં અને ગામના પચીસ પચાસ લાખ દબાવી બેશરમ બની કિમતી ગાડીઓમાં ફરતો આજનો શિક્ષિત અને શ્રીમંત ક્યાં ?
- તિર્થ શાહ
વાંચો કાયદાનાં અભ્યાસમાં ગોલ્ડ મેડાલિસ્ટની કલમે લખાયેલો તલસ્પર્સી આર્ટીકલ. Link
શું આપ આવા લેખ લખી શકો છો? ખૂન કરવાથી કઇ સજા થઇ શકે છે? Link
ઘણું બધું ડોટ કોમ આવકારે છે આપની વાર્તા કલાને. જો આપે સારી વાર્તા લખી હોય. જે વાર્તા લોકોને પ્રેરણા આપતી હોય, જ્ઞાન આપતી હોય, સંસ્કારબળપુરૂ પાડતી હોય કે પછી આજનાં જમાનાને અનુરૂપ વિજ્ઞાનકથા પણ હોય તો વિશાળ જનસમૂદાય સુધી પહોંચાડી શકો છો. આપની વાર્તા અહીંથી કોઇ કોપી કરશે તો પણ અમે યોગ્ય કાર્યવાહી કરવા તૈયાર છીએ. અમારો હેતું માત્ર એ જ છે કે આપનું ગુજરાતી ભાષી લખાણ યોગ્ય વાચકો સુધી પહોંચે. આવનારા સમયમાં અમે વાર્તાસ્પર્ધા પણ રાખવાનું વિચારી રહ્યા છીએ. જો આપ સારું લખી શકતા હોવ તો મોકલી આપો આપની વાર્તા અમને ghanubadhu@gmail.com ને સરનામેે. અમે આપના લખાણને વાંચીશું અને એ બાદ આપની પરવાનગીથી વાર્તા લોકો સુધી પહોંચાડીશું. readmore
શું આપ કન્ટેન્ટ ક્રેએટર છો? તો ભાગ લો સ્પર્ધામાં. Link