World Father’s Day : રિક્ષાવાળાની પુત્રી બોર્ડની પરીક્ષામાં 95 ટકા લાવી એવા સમાચારો આપ સૌ એ વાંચ્યા હશે. વાત અહીં 95 ટકા એ આવીને અટકતી નથી પરંતુ રિક્ષાવાળા પિતાની પુત્રી 95 ટકા લાવી આ વાંચીને લોકોને આશ્ચર્યનો અનુભવ થયો હતો. આ આશ્ચર્ય પાછળ કોઇ લોજીક નથી. લોજીક માત્ર એટલું છે કે એક રિક્ષાવાળાની પુત્રી 95 ટકા કેવી રીતે લાવી શકે? આવું વિચારનારા ઘણા બધા લોકો છે. કોઇ વેલસેટ ઘર ધરાવનાર પિતાનો પુત્ર સુખસાયબી સાથે જીવે છે છતાં એને 70 ટકા આવતા નથી. તો પછી એક રિક્ષાચાલકની પુત્રીને વળી 95 ટકા કેવી રીતે? એ પ્રશ્નનો જવાબ લોકો શોધી રહ્યા છે. તન્વીએ પોતાની સંઘર્ષ કહાણીનાં 95 ટકા લાવતા જ દરેક નાનાં માણસને આશા જન્મી છે કે મારું સંતાન પણ તન્વીની જેમ સફળ થશે.
અમદાવાદનાં વાડજ વિસ્તારમાં રહેતી તન્વી ઠાકોરે આ વર્ષે ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં 95 ટકા મેળવ્યા છે. તન્વીના પિતા(Father) એક રિક્ષા ડ્રાઇવર છે અને તન્વીનાં માતા સિલાઇ મશીનનું કામ કરે છે. આમ તો તન્વીના માતા-પિતા શું કરે છે એવી વાતો ન કરવાની હોય પરંતું દરેક વ્યક્તિની સફળતા પાછળ એમના માતા-પિતાનો હાથ હોય છે. માતા-પિતાનાં સપોર્ટને કારણે જ એમનું બાળક સફળતાની સીડીઓ સુધી જલ્દી પહોંચે છે. આજે World Father's Day નિમિત્તે એ તન્વીની વાત જેનાં વિચારોમાં એનાં પિતાની ઝલક-સંઘર્ષ અને લાગણી રહેલી છે.
પિતા રીક્ષા ડ્રાઇવર છે
કોઇ સંતાનનું ભવિષ્ય એનાં ઘરની રહેણીકરણી તેમજ આવકથી અસર કરતું હોય છે. તન્વીનાં પિતા (Father) રીક્ષા ડ્રાઇવર હોવા છતાં તન્વીએ 95 ટકા માર્કસ મેળવીને સમગ્ર રીક્ષા ચાલકોને ગૌરવ અપાવ્યું છે. પોતાનાં સંતાન માટે કાળી મજુરી કરનાર પિતાનું રતન જ્યારે અદ્રિતીય સફળતા મેળવે તો પરિવાર સાથે પોતાનો સમાજ અને સગા સંબંધીઓ પણ સફળતાનાં હકદાર બનતા હોય છે. અમદાવાદમાં રીક્ષા ચલાવતાં તન્વીનાં પિતાની (Father) આવક પેસેન્જર ઉપર નિર્ભર કરતી હોય છે. સવારે પોતાની રીક્ષા લઇને ઘરેથી પેસેન્જર લઇને નિકળી જવાનું અને જ્યાં સુધી ખિસ્સુ ન ભરાય ત્યાં સુધી ઘરે ન આવવું એવો તમામ રીક્ષાચાલકોનો નિર્ણય હોય છે. તન્વીનાં આ માર્કસને કારણે દરેક રીક્ષા ડ્રાઇવર પિતાની મહેનત ફળી છે. 10માંની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલા પિતાએ લખ્યો પુત્રને પત્ર
ટ્યુશન રાખ્યું નહોતું
આજે સારા માર્કસ લાવવા કે પછી પાસ થવા માટે વિદ્યાર્થીઓને ટ્યુશનની જરૂર પડતી હોય છે. સામાન્ય પરીવારના લોકો વધારે માર્કસ લાવવા માટે ટ્યુશનની તગડી ફી જમા કરીને પરીક્ષાની તૈયારી કરતા હોય છે. નવાઇની વાત એ છે કે તન્વીએ એનાં પપ્પાને ના પાડી હતી કે પપ્પા (Father) મારે ટ્યુશનની જરૂર નથી. હું ટ્યુશન વગર પણ મહેનત કરીને સારા માર્કસ લાવી શકીશ. આ વાતથી દરેક સંતાનનાં વાલી ખુશ થવાનાં જ પરંતું પોતાનાં સંતાનનાં ભવિષ્યની ચીંતા પણ રહેવાની. તન્વીએ ટ્યુશન વિના 95 ટકા મેળવ્યા એ એનાં મિત્ર વર્તુળ માટે આશ્ચર્યજનક વાત હતી. તન્વીનાં દાખલા બાદ ટ્યુશન વિના પણ સફળતા મળે છે એ જ મહત્વનું.
એડવાન્સ પ્લાનિંગ કર્યું હતુ
પરીક્ષામાં સારા માર્કસ મેળવવા તન્વીએ એડવાન્સ પ્લાનિંગ ઉપર ભાર આપ્યો હતો. તન્વીએ એક ટાઇમ ટેબલ બનાવ્યું હતુ. આ ટાઇમટેબલ પ્રમાણે તન્વીએ દિવસ રાત વાંચન કર્યું હતુ. આ વાંચનમાં પણ કયા વિષયનું વાંચન સવારે કરવું તેમજ કયાં વિષયનું વાંચન સાંજે કરવું એ લીસ્ટ બનાવ્યું હતુ. તન્વી ગણિતનાં દાખલા ગણવા માટે વહેલી સવારે પ્રિપરેશન કરતી હતી. રાત્રે ગુજરાતી, અંગ્રેજી જેવા ભાષાનાં વિષયોની તૈયારી કરતી હતી. પરીક્ષાનાં ત્રણ મહિના પહેલાં જ તન્વીએ એનો સમગ્ર અભ્યાસક્રમ પુરો કર્યો હતો. ત્રણ મહિના સુધી એને પુનરાવર્તન કર્યું હતુ.
8 કલાકનું નિયમિત વાંચન કરતી હતી
કહેવાય છે ને કે સંઘર્ષ વગર સફળતા મળતી નથી એ તન્વીએ પોતાની ઉંઘને દૂર કરીને સફળતા મેળવી હતી. તન્વી ધોરણ 10માં પ્રવેશી ત્યાંથી જ મનમાં ગાંઠ મારી દિધી હતી કે મારે આ વખતે સારા માર્કસ લાવીને મારું ભવિષ્ય ઉજ્વળ બનાવવું છે. આ ભવિષ્ય માટે તન્વીએ એનાં પપ્પા(Father) અને મમ્મીનો આભાર માન્યો હતો. તન્વી નિયમિત સવારે ત્રણ કલાક તેમજ સાંજે 2 કલાક તેમજ રાત્રે 3 કલાકનું વાંચન કરતી હતી. કુલ 8 કલાકનાં રીડીંગને કારણે તન્વીને પરીક્ષા નજીક આવતા માનસિક રીતે હતાશ થઇ નહોતી. તન્વીએ પરીક્ષા નજીક આવતા મહિના પહેલા પોતાનું રીડીંગ વધારી દિધું હતુ. તન્વીએ એ સમયગાળા દરમિયાન 11 કલાકનું વાંચન કર્યું હતુ.
પેપર સોલ્વને કારણે ફાયદો થયો
તન્વીએ કહ્યું કે, પરીક્ષાની તૈયારી દરમિયાન શું વાંચવું અને શું ન વાંચવું એ વિચારવું જરૂરી બન્યું છે. પરીક્ષામાં વધારે માર્કસ આવવાનું પાછળ જુના પેપર્સ છે. મને પહેલા જાણ નહોતી કે પરીક્ષામાં શું પુછાશે. પરંતું જ્યારે મારા શિક્ષકો પાસેથી જાણ્યું કે પરીક્ષાની તૈયારી માટે એનું માળખું જોવું જોઇએ. પરીક્ષામાં કેટલા માર્કસ ઓપ્શનલ પૂછાશે અને કેટલા વિસ્તૃત પૂછાશે એ જાણવા મેં જુના એક્ઝામ પેપરને સોલ્વ કર્યા હતા. આ મહાવરાને કારણે મને એટલો ખ્યાલ આવી ગયો હતો પરીક્ષાનું પેપર નિકાળનાર પરીક્ષક આ બે-ચાર વિષયની આસપાસનું પૂછે છે. મને આ ટ્રીક ગમી ગઇ હતી. આ સિવાય મને ઘણાં પ્રશ્નો અંગે ડાઉટ હતો કે આ પણ પરીક્ષામાં પૂછાઇ શકે છે માટે એવા પ્રશ્નો પર પણ ભાર આપ્યો હતો.
યુપીએચસીની તૈયારી કરીને કલેક્ટર બનવું છે
તન્વી જેવી દીકરીઓ ભારતભરમાં છે. ઘણી દીકરીઓનાં માતા-પિતા એમને ભણાવતા નથી. દીકરી તો ગાય દોરે ત્યાં જાય ની કહેવતને લઇને એ લોકો પોતાનાં સંતાનને પણ ઘરમાં બાંધી રાખતા હોય છે. હા, ઘણી દીકરીઓ સુખ-સાહ્યબીમાં રહેતી હોવા છતાં એમનાં પિતા એમને ભણાવતા નથી. આજે તન્વીનાં પિતા(Father) એક રીક્ષા ડ્રાઇવર હોવા છતાં એમને સમાજની ચિંતા કર્યા વિના પોતાની દીકરીને ભણાવી છે. આ ભણતરને પરીણામે આપણને ભવિષ્યમાં તન્વી કલેક્ટર રૂપે જોવા મળી શકે છે. તન્વીનું સપનું છે કે હું કલેક્ટર બની દેશની સેવા કરું. આજે સમાજને પ્રેરણા લેવાની જરૂર છે. ઠાકોર સમાજ, સમગ્ર રીક્ષા ચાલકો તેમજ એવાં દરેક માતા-પિતાની આ વાત છે જેઓ પોતાનાં સંતાનને કાળી મજુરી કરીને ઉછેરે છે.
Happy Father’s Day 2022: Date, history, significance, celebration of fatherhood
આ વાત છે એક રીક્ષા ચાલક પિતાની પુત્રીની સંઘર્ષ કથાની. આપણી આસપાસ આવી કેટલીય સંઘર્ષ કથાઓ છે. આવી સંઘર્ષ કથાઓથી આપણે પ્રેરણા લેવી જોઇએ. આપણે એમને જોઇને કૈંક જીવનમાં શિખવું જોઇએ. બે-ચાર માર્કસ ઓછા આવવા તેમજ નાપાસ થવાથી નાસીપાસ થનારા લોકોએ તન્વીની સંઘર્ષ કહાણીને સમજવી જોઇએ. તન્વીનાં પિતા એનાં પુસ્તક લાવવા માટે આખી રાત રીક્ષા ફેરવતા હતા. શું એમને ઉંઘ નહીં આવતી હોય તે આખી રાત રીક્ષા ચલાવી? શું તમને એવું નથી લાગતું કે તન્વીને વધારે ન ભણાવવા એમનાં કોઇક શુભેચ્છક ગણાતા મિત્રએ સલાહ આપી હોય. એક રીક્ષા ડ્રાઇવરની બુદ્ધી શું હોય એ આ તન્વી ઠાકોરે બતાવી દિધું છે. એક રીક્ષા ચાલક પિતાની પુત્રીએ એ શીખવી દિધું છે કે તમે કોઇ પણ પરિવારમાં રહેતા હોવ, તમે જો કોઇ સપનું જોયું છે તો તમારા પિતાને કહી દો. આ પિતા તમારું સપનું પુરુ કરી દેશે.