બરકત વિરાણી ગઝલ યુગનું બેફામ ઉપનામ 2 જાન્યુઆરીએ મૌન થયેલું

ગુજરાતી-ગઝલ
Facebook
Twitter
Telegram
WhatsApp

બરકત વિરાણી ગઝલ : બેફામ તખલ્લુસથી જાણીતા લેખક અને કવિ બરકતઅલી ગુલામહુસેન વિરાણીની આજે પુણ્યતિથિ છે. 2 જાન્યુઆરી 1994માં મુંબઈ ખાતે તેમનું અવસાન થયું હતું. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે તેમજ થાય સરખામણી તો ઉતરતાં છીએ રચનાનાં રચનાકાર બરકત વિરાણી ઉર્ફે બેફામ છે.બેફામની ગઝલોમાં એક દર્દ છુપાયેલું જોવા મળે છે. આ દર્દની શાયરી સુધી જે પણ લોકો પહોંચ્યા છે એ દરેક વ્યક્તિ દર્દમાં છે.

બરકત વિરાણી બેફામ
ગુજરાતી ગઝલ

25 નવેમ્બર 1923ના રોજ ભાવનગર જિલ્લાના સિહોર પાસે આવેલા ઘાંઘળી નામના એક ગામમાં બરકતઅલીનો જન્મ થયો હતો. બાળપણથી તેઓ સાહિત્યમાં રુચી ધરાવતા હતા. અભ્યાસની સાથ સાહિત્યનાં વાંચન અને લેખનમાં પણ તેમને રસ હતો.જેને કારણે ભાવનગરમાંથી પ્રાથમિક અને માધ્યમિક કક્ષાનું શિક્ષણ પૂર્ણ કર્યું હતું. વર્ષ 1942માં ભારત છોડો આંદોલનમાં ભાગ લેવા માટે તેમણે મેટ્રિકનો અભ્યાસ પડતો મૂક્યો હતો તે પણ નોંધવું રહ્યું.

પહેલી ગઝલ 14 વર્ષની વયે લખી

કહેવાય છે કે બેફામે તેમની પહેલી ગઝલ 14 વર્ષની વયે લખી હતી. જાણીતા ગઝલકાર કિસ્મત કુરેશીએ તેમને કવિતા શું છે, કવિતા કોને કહેવાય તે અંગેની સમજણ આપી હતી.તો બીજી તરફ કવિ શયદાના સૂચનથી બેફામ 1945૫માં મુંબઈ આવ્યા હતા.

બેફામ અને શયદા વચ્ચે ઘરોબો રચાયો

આ દરમિયાન તેઓ મુંબઇમાં જ ગુજરાતનાં ગાલીબ એવા મરીઝને મળ્યા હતા. આ મુલાકાત બાદ તેઓ આકાશવાણી રેડિયોમાં જોડાયા હતા. બેફામ અને શયદા વચ્ચે ઘરોબો રચાયો જેને કારણે જ વર્ષ 1952માં તેમના લગ્ન ગઝલકાર શયદાની જયેષ્ઠ પુત્રી રુકૈયા સાથે થયા હતા.

બેફામ ગુજરાતી સિનેમા સાથે પણ જોડાયેલા હોવાને કારણે વર્ષ 1949માં ગુજરાતી ચલચિત્ર મંગળફેરા માં અભિનય કર્યો હતો. એક કવિ હોવાને કારણે તેમના ગીતો સમાવેશ એ સમયે ગુજરાતી ચલચિત્રોમાં પણ જોવા મળે છે. જેમાં અખંડ સૌભાગ્યવતી (1963), કુળવધુ (1997), જાલમ સંગ જાડેજા, સ્નેહબંધન જેવી ફિલ્મો માટે તેમણે ગીતો લખ્યા હતા.

ગુજરાત અને ગુજરાતી ભાષાનાં લોકપ્રિય ગીતોમાં

આ સિવાય તેમણે ટૂંકી વાર્તાઓમાં, નાટકોમાં, રેડિયો નાટકો તેમજ ફિલ્મી ગીતો પણ લખ્યા હતા.ગુજરાત અને ગુજરાતી ભાષાનાં લોકપ્રિય ગીતોમાં જે આજે પણ લખાયેલા છે એવા ‘નયનને બંધ રાખીને’, ‘થાય સરખામણી તો ઉતરતા છીએ’, ‘મિલનના દીપક સહુ બુઝાઇ ગયા છીએ’ ગીતો તેમણે ગુજરાતને આપ્યા છે.

કવિએ શબ્દનો રચયિતા છે. આ શબ્દ તેને પોતાનાં અનુભવોમાંથી અથવા લોકોનાં અનુભવોમાંથી મળ્યો હોય છે.બેફામની ગઝલોમાં દર્દ જણાય છે. આ દર્દ વાંચનારને આ ગઝલકાર પોતીકો લાગે છે. આ પોતીકાપણું ગઝલમાં વર્તાય છે ત્યારે કવિનો શબ્દ સાર્થક ગણાય છે. વાંચો બરકત વિરાણી ગઝલ.

બેફામ ના ગઝલ સંગ્રહો

  • માનસર (1960)
  • ઘટા (1970)
  • પ્યાસ
  • પરબ

ટૂંકી વાર્તાના સંગ્રહો

  • આગ અને અજવાળા (1956)
  • જીવતા સૂર

નવલકથા

  • રંગસુગંધ ભાગ 1-2 (1966)

બરકત વિરાણી ગઝલ

gujarati gazal lyrics |બરકત વિરાણી શાયરી| ગુજરાતી ગઝલ

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે.

દીધો’ તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.

મળ્યો છે નાબુદા એના પછી થઈ છે દશા આવી,
હતાં તોફાન જે દરિયે, હવે મારાં વહાણે છે.

સુણું છું મારી વાતો તો મને એ થાય છે અચરજ,
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે ?

કરી દે તીક્ષ્ણ એવી, મોતનું પણ માથું કાપી લે,
હવે આ જિંદગી મારી સમય ! તારી સરાણે છે.

જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે કોઈ માનવ મસાણે છે.

હતા જે દેહ એ તો થઈ ગયા માટી મહીં માટી,
હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.

જગત ખેંચી રહ્યું છે એક તરફ, બીજી તરફ જન્નત,
ફસ્યો છે જીવ કે એને અહીં તો બેય તાણે છે.

કદર બેફામ શું માંગુ જીવનની એ જગત પાસે,
કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે.


ઓ હ્રદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને,
જે નથી મારા બન્યા, એનો બનાવ્યો છે મને,

સાથ આપો કે ના આપો, એ ખુશી છે આપની,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને,

આ દુઃખ ના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને,

કૈં નહોતુ એ છતાં, સૌ એ મને લુંટી ગયા,
કૈં નહોતુ એટલે, મે પણ લુટાવ્યો છે મને,

આમ તો હાલત અમારા બેય ની સરખી જ છે,
મે ગુમાવ્યા એમને, એણે ગુમાવ્યો છે મને,

  • બરકત વિરાણી ગઝલ
એ બધા “બેફામ” જે આજે રડે છે મોત પર,
એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને.

ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી

જગતમાં સર્વને કહેતા નહીં ફરો કે દુઆ કરજો
ઘણાં એવાય છે જેની દુઆ સારી નથી હોતી

ખુબી તો એ કે ડુબી જાવ તો લઇ જાય છે કાંઠે
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી

કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે
અહીં ‘બેફામ’ કોઇ પણ જગા સારી નથી હોતી


થાય સરખામણી તો ઊતરતા છીએ,તે છતાં આબરુને દીપાવી દીધી,
એમના મહેલ ને રોશની આપવા ઝૂંપડી પણ અમારી જલાવી દીધી.

ઘોર અંધાર છે આખી અવની ઉપર,તો જરા દોષ એમાં અમારોય છે,
એક તો કંઈ સિતારા જ નહોતા ઊગ્યા, ને અમે પણ શમાઓ બુઝાવી દીધી.

બીક એક જ બધાને હતી કે અમે ક્યાંક પહોંચી ન જઈએ બુલંદી ઉપર,
કોઈએ પીંજરાની વ્યવસ્થા કરી, કોઈએ જાળ રસ્તે બિછાવી ડીધી.

કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા,પણ ઊભા રહી અમે ના કોઈ ને નડ્યા,
ખુદ અમે તો ન પહોંચી શક્યા મંઝિલે, વાટ કિંતુ બીજાને બતવી દીધી.

કોણ જાણે હતી કેવી વર્ષો જૂની જિંદગીમાં અસર એક તનહાઈની?
કોઈએ જ્યાં અમસ્તું પૂછ્યું, ‘કેમ છો’, એને આખી કહાણી સુણાવી દીધી.

દિલ જવા તો દીધું કોઈન હાથમાં,દિલ ગયા બાદ અમને ખરી જાણ થઈ,
સાચવી રાખવાની જે વસ્તુ હટી, એ જ વસ્તુ અમે તો લૂંટાવી દીધી.

જીવતાં જે ભરોસો હતો ઈશ પર,એ મર્યા બાદ્ ‘બેફામ’ સાચો પડ્યો,
જાત મરી ભલે ને તરાવી નહીં,લાશ મારી પરંતુ તરાવી દીધી.

  • બરકત વિરાણી ગઝલ

ગુજરાતી ગઝલ

મળ્યો છે પ્રાપ્ત સ્વયંભૂ વિકાસ ફૂલોને
નથી જ કરવો પડ્યો કંઈ પ્રયાસ ફૂલોને

સુખી બધાં જ કંઈ હોતા નથી બગીચામાં
નિહાળ્યા છે મેં ઘણાયે ઉદાસ ફૂલોને

તમે જે જોઈ રહ્યાં છો તે ફૂલછાબ નથી
મળ્યો છે એ તો કોઈ કારાવાસ ફૂલોને

સદા એક પીતાં રહે છે તુષારના બિંદુ
ભલા એ કોણે લગાડી છે પ્યાસ ફૂલોને?

ઘણાને એટલે બળવું પડે છે અગ્નિમાં
બહુ જ ભારે પડી છે સુવાસ ફૂલોને

વિચારું છું કે બીજે જાય ક્યાં ચમન મૂકી?
મળ્યો જો હોત કદાચિત પ્રવાસ ફૂલોને

ફૂલો કપાસના યે અન્ય કાજ ઊગે છે
નથી જરૂરી કોઈ પણ લિબાસ ફૂલોને

કોઈના કેશકલાપો હમાં જોઈ લાગે છે
મળ્યો છે કેટલો સુંદર નિવાસ ફૂલોને

સૂરજની પહેલી નજરનો પ્રેમ હો જાણે
મળે છે એમ ઉષાનો ઉજાસ ફૂલોને

ખુદા તુને ને મનુષ્યોનું રૂપ આપી દે
કે મેં પસંદ કર્યા છે જે ખાસ ફૂલોને

નથી એ શ્વાસ કે એને સૂંઘી શકું બેફામ
ન લાવો મારી કબર આસપાસ ફૂલોને


જિંદગીને મોતનો જો ભેદ ના રાખો તમે,
જેના ખાલી હાથ છે એ સૌ સિકંદર લાગશે !

ફક્ત જીતવી નથી મારે તો રચવી છે નવી દુનિયા,
કવિ મુફલિસ છું પણ છું એક કદમ આગળ સિકંદરથી !

અનુભવથી ના જીવન ઘડ, અનુભવમાં તો લાંછન છે,
તમાચાની નિશાની કાંઈ લાલી થઈ નથી શકતી !

પથ્થરોને જે ઘડે એ હો કલાકારો ભલે,
બાકી માણસને તો ઠોકરોથી ઘડે છે પથ્થરો !


સપના રૂપેય આપ ન આવો નજર સુધી;
ઊડી ગઈ છે નીંદ હવે તો સહર સુધી.

મારા હ્રદયને પગ તળે કચડો નહીં તમે,
કે ત્યાંના માર્ગ જાય છે ઈશ્વરના ધર સુધી.

શ્રદ્ધાની હો સુવાસ, પ્રતિક્ષાનો રંગ હો,
એવાં ફૂલો ખીલે છે ફક્ત પાનખર સુધી.

આંખોમાં આવતાં જ એ વરસાદ થઈ ગયાં,
આશાનાં ઝાંઝવાં જે રહ્યા’તાં નજર સુધી.

મૈત્રીનાં વર્તુળોમાં જનારાની ખેર હો,
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી.

ઉપકાર મુજ ઉપર છે જુદાઈની આગનો,
એક તેજ સાંપડ્યું છે તિમિરમાં સહર સુધી.

મંજિલ અમારી ખાકમાં મળતી ગઈ સદા,
ઊઠતા રહ્યા ગુબાર અવિરત સફર સુધી.

  • બરકત વિરાણી ગઝલ
‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

વ્યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કહેવાય છે;
તુ નયન સામે નથી તોપણ મને દેખાય છે.

જ્યાં જુઓ ત્યાં બધે એક જ વદન દેખાય છે;
કોઈને એક વાર જોયા બાદ આવું થાય છે.

એમ તો એનું અચાનક પણ મિલન થઈ જાય છે;
શોધમાં નીકળું છું ત્યારે જ એ સંતાય છે.

આવ મારાં આંસુની થોડી ચમક આપું તને,
તું મને જોઈને બહુ ઝાંખી રીતે મલકાય છે.

એટલે સાકી, સુરા પણ આપજે બમણી મને,
મારા માથા પર દુ:ખોની પણ ઘટા ઘેરાય છે.

હોય ના નહિ તો બધોય માર્ગ અંધારભર્યો,
લાગે છે કે આપની છાયા બધે પથરાય છે.

હું કરું છું એના ઘરની બંધ બારી પર નજર,
ત્યારે ત્યારે મારી આંખોમાં જ એ ડોકાય છે.

પ્યાર કરવો એ ગુનો છે એમ માને છે જગત,
પણ મને એની સજા તારા તરફથી થાય છે.

છે લખાયેલું તમારું નામ એમાં એટલે,
લેખ મારાથી વિધિના પણ હવે વંચાય છે.

છે અહીં ‘બેફામ’ કેવળ પ્રાણની ખુશ્બૂ બધી,
પ્રાણ ઊડી જાય છે તો દેહ પણ ગંધાય છે.

અલગ રાખી મને મુજ પર પ્રણયના સૂર ના છેડો,
વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો,

બૂરાઓને અસર કરતી નથી સોબત ભલાઓની,
ફૂલોનો રંગ કાંટાને કદી લાગી નથી શકતો,

ગુમાવેલા જીવનનાં હાસ્ય તો પાછાં મળે ક્યાંથી ?
જમાનાએ લૂંટેલા અશ્રુ પણ માગી નથી શકતો,

ગમે ત્યારે ગમે ત્યાં મેઘ વરસી જાય છે જગમાં,
રુદન ને કાજ કોઈ પણ નિયમ લાગી નથી શકતો,

જગતના ઘાવ સામે તું અડગ થઈને રહે “બેફામ”
કે પર્વતને કોઇ પથ્થર કદી વાગી નથી શકતો.


ગલતફહેમી ન કરજે, ઐશ માટે મયકશી નહોતી;
મને પણ શેખ! તારી જેમ આ દુનિયા ગમી નહોતી.

ખબર શું કે ખુદા પણ જન્મ આપી છેતરી લેશે?
જીવ્યો ત્યારે જ જાણ્યું કે એ સાચી જિંદગી નહોતી.

નથી એ દોષ તારો કે મળ્યાં છે, ઝાંઝવા, સાકી!
પીવા હું ત્યાં ગયો કે જ્યાં ઘટા કોઈ ચડી નહોતી.

બહુ કપરા દિવસ વીત્યા હતા તારી જુદાઈમાં;
કે નહોતી રાત જુલ્ફોની વદનની ચાંદની નહોતી!

મિલનની ઝંખના તો જો! કે તારી શોધ કરવામાં,
લીધી છે રાહ એવી પણ કે જે તારી ગલી નહોતી!

વિતાવી મેં વિરહની રાત એનાં સ્વપ્ન જોઈને;
કરું શું? મારી પાસે એક પણ એની છબી નહોતી.

મહોબ્બતમાં કશું ફળ ના મળ્યું; નિર્દોષતા તો જો!
રહી એ એવી જન્નત જ્યાં દખલ શયતાનની નહોતી.

હતી એક મુફલિસી પણ દોસ્ત, પડદામાં મહોબ્બતનાં,
હતાં ફાટેલ વસ્ત્રો, એ ફક્ત દીવાનગી નહોતી.

જે મારા પર દયા કરતા હતા, નહોતી ખબર એને,
કે એક અલ્લાહ વિના મારે જગતમાં કંઈ કમી નહોતી.

ન દો ઉપચારકોને દોષ મારા મોતને માટે,
એ કુરબાની હતી મારી, એ મારી માંદગી નહોતી.

  • બરકત વિરાણી ગઝલ

રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એ જ કારણથી,
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી


તમારું સ્મિત બની લહેરાઇ જાવાનું મને ગમશે,
તમારાં આંસુ થઇ લૂંછાઇ જવાનું મને ગમશે.

તમારી શેરીમાં આવીને પહેલા જોઇ લઉં તમને,
ગમે ત્યાં એ પછી ફંટાઇ જાવાનું મને ગમશે.

જગતમાં એમ તો હું ક્યાંય રોકાતો નથી કિન્તુ,
તમે જો રોકશો, રોકાઇ જાવાનું મને ગમશે.

પ્રતિબિંબો તમારાં જો ન દેખાડી શકું તમને,
તો દર્પણ છું છતાં તરડાઇ જાવાનુ મને ગમશે.

જગતમાં હું તો મોટા માનવીના નામ જેવો છું,
કોઇ પાષાણમાં અંકાઇ જાવાનું મને ગમશે.

તમે રડશો છતાં દફનાઇ જાવાનું જ છે ‘બેફામ’,
પરંતુ હસશો તો દફનાઇ જાવાનું મને ગમશે.


મારા જખમ ને દર્દમાં કુદરતનો ભાગ છે
કે ચાંદમાં છે દાગ ને સુરજમાં આગ છે

કહે છે કે શ્રેષ્ઠ સ્થાન પ્રણયમાં છે ત્યાગનું
એ સત્ય હો તો જાઓ, તમારો એ ત્યાગ છે

મહેકી રહી છે એમ મુહોબ્બત કલંક થઇ
જીવનના વસ્ત્ર પર કોઇ અત્તરનો દાગ છે

બેફામ તારી પ્યાસને નથી કોઇ જાણતુ
ને સૌ કહે છે પ્રેમના પાણી અતાગ છે


સમજો નહીં કે જુલમ સહું છું ને રોઉં છું,
આમ તો તમે જે પાપ કરો છો એ ધોઉં છું.

નિષ્ફળ પ્રણયનો પંથ છે પણ સાથ તો જુઓ,
પહેલાં ગુમાવ્યાં તમને, હવે ખુદને ખોઉં છું.

તારા વિરહમાં નીંદ તો ક્યાં છે નસીબમાં ?
તારાં સ્વપ્ન તો જાગી રહ્યો છું ને જોઉં છું.

ખુદ હું જ મારો પીછો કદી છોડતો નથી,
જ્યાં જ્યાં હું જાઉં છું ત્યાં બધે હું જ હોઉં છું.

રાખે ન આમ કોઈને અલ્લાહ એકલા,
કે રોઉં છું ને હું પછી આંસુ લોઉં છું.

શોધું છું મારું સ્થાન જગતમાં હું એ રીતે,
અંધારી રાતે જાણે અરીસામાં જોઉં છું.

‘બેફામ’, મારા મૃત્યુ ઉપર સૌ રડે ભલે,
મારા જનમ ઉપર તો ફક્ત હું જ રોઉં છું.


અહિં જે તેજ દીવામાં રહે છે,
તિમિર એનું ધુમાડામાં રહે છે.

મહાલય જેના નકશામાં રહે છે,
ઘણા એવા ય રસ્તામાં રહે છે.

છે કાંટા આખરે તો માત્ર કાંટા,
ભલેને એ બગીચામાં રહે છે.

જગા મળતી નથી જેને ચમનમાં
તો એવા ફૂલ વગડામાં રહે છે.

ગયાં સંતાઈ મોતી એ વિચારે,
કે પરપોટા ય દરિયામાં રહે છે.

હું એની છાંયડીમાં કેમ બેસું?
બિચારું વ્રુક્ષ તડકામાં રહે છે.

ઉઘડતા આંખ દેખાતાં નથી એ,
હવે સપનાં ય સપનામાં રહે છે.

ગગનમાં ઘર કરી લીધું છે એણે,
દુઆ મારી સિતારામાં રહે છે.

ખુદાને બીજે શું કામ શોધું?
કે એ તો મારી શ્રધ્ધામાં રહે છે.

મરણ ‘બેફામ’નું ઝંખો છો શા માટે?
એ જીવતાં પણ ક્યાં દુનિયામાં રહે છે?


ઓ હ્રદય, તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને ?
જે નથી મારાં બન્યાં, એનો બનાવ્યો છે મને !

સાથ આપો ક્એ ન આપો એ ખુશી છે આપની,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને.

સાવ સહેલું છે, તમે પણ એ રીતે ભૂલી શકો,
કે તમારા પ્રેમમાં મેં તો ભુલાવ્યો છે મને.

મારા દુઃખના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને.

હોત દરિયો તો હું તરવાનીય તક પામી શકત,
શું કરું કે ઝાંઝાવાંઓએ ડુબાવ્યો છે મને.

કાંઇ નહોતું એ છતાં સૌઉ મને લૂંટી ગયા,
કાંઇ નહોતું એટલે મેં પણ લૂંટાવ્યો છે મને.

એ બધાંનાં નામ દઇ મારે નથી થાવું ખરાબ,
સારાં સારાં માનવીઓએ સતાવ્યો છે મને.

તાપ મારો જીરવી શકતાં નથી એ પણ હવે,
લઇ હરીફોની મદદ જેણે જલાવ્યો છે મને.

છે હવે એ સૌને મારો ઘાટ ઘડવાની ફિકર,
શુદ્ધ સોના જેમ જેઓએ તપાવ્યો છે મને.

આમ તો હાલત અમારા બેયની સરખી જ છે,
મેં ગુમાવ્યાં એમ એણે પણ ગુમાવ્યો છે મને.

આ રીતે સમતોલ તો કેવળ ખુદા રાખી શકે,
ભાર માથા પર મૂક્યો છે ને નમાવ્યો છે મને.

સાકી, જોજે હું નશામાં ગમને ભૂલી જાઉં નહિ,
એ જ તો આ તારા મયખાનામાં લાવ્યો છે મને.

આપ સાચા અર્થમાં છો મારે માટે તો વસંત,
જ્યારે જ્યારે આપ આવ્યાં છો, ખિલાવ્યો છે મને.

  • બરકત વિરાણી ગઝલ

આ બધા ‘બેફામ’ જે આજે રડે છે મોત પર,

એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને.

કેવી રીતે વિતે છે વખત, શું ખબર તને ?
તેં તો કદીયે કોઇની પ્રતિક્ષા નથી કરી


એ શું કે રોજ તું જ કરે મારું પારખું
મેં તો કદીયે તારી પરિક્ષા નથી કરી

ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી

જગતમાં સર્વને કહેતા નહીં ફરો કે દુઆ કરજો
ઘણાં એવાય છે જેની દુઆ સારી નથી હોતી

ખુબી તો એ કે ડુબી જાવ તો લઇ જાય છે કાંઠે
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી

કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે
અહીં ‘બેફામ’ કોઇ પણ જગા સારી નથી હોતી


હજી પણ એમને ખાના ખરાબી ની ખબર ક્યા છે,
હજી પણ અમને પુછી રહ્યા છે કે તારુ ઘર ક્યા છે.

મને પણ કોઇ શક પહેલી નજર ના પ્રેમ પર ક્યા છે,
મગર મારા તરફ એની હવે પહેલા જેવી નજર ક્યા છે.

મળી લઈએ હવે આવે સુખદ અંજામ ઉલ્ફત નો,
તને મારી ફીકર ક્યા છે, મને તારી ફીકર ક્યા છે.

બીછાવ્યા તો નથી એમાય કાંટા કોઇયે “બેફામ”
મરણ પહેલા જરા હુ જોઇ લઊ મારી કબર ક્યા છે.


નયન ને બંધ રાખીને – બરકત વિરાણી ગીત

અશ્રુ વિરહ ની રાતના ખાળી શક્યો નહી,
પાછા નયનના નૂરને વાળી શક્યો નહી,
હૂ જેને કાજ અંધ થયો રોઈ રોઈ ને…
એ આવ્યા ત્યારે તેમને નહાળી શક્યો નહી….!!

નયન ને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે..
તમે છો તેના કરતા પણ વધારે મે તમને જોયા છે….!!!

નયન ને બંધ રાખીને…….

રુતુ એક જ હતી પણ રંગ નહતો આપણો એક જ,
મને સહેરા એ જોવો છે બહારે તમને જોયા છે,
તમે છો તેના કરતા પણ વધારે મે તમને જોયા છે….!!!

નયન ને બંધ રાખીને…….

પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ
રાત વીતી ગઈ…રાત વીતી ગઈ…
પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ..
નહી તો મે ઘણી વેળા સવારે તમને જોયા છે…

નયન ને બંધ રાખીને…….

હકીકતમા જોઉ તો એક સપ્નુ હતુ મારુ..
સપ્નુ હતુ મારુ….સપ્નુ હતુ મારુ….સપ્નુ હતુ મારુ……

હકીકતમા જોઉ તો એક સપ્નુ હતુ મારુ..
ખુલી આંખે મે મારા ઘરના દ્વારે તમને જોયા છે..
તમે છો તેના કરતા પણ વધારે મે તમને જોયા છે….!!!

નયન ને બંધ રાખીને…….

નહીતર આવી રીતે તરે નહી લાશ દરીયા મા…
નહીતર આવી રીતે તરે નહી લાશ દરીયા મા…

મને લાગે છે કે આણે કીનારે તમને જોયા છે..
તમે છો તેના કરતા પણ વધારે મે તમને જોયા છે….!!!

નયન ને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે..
તમે છો તેના કરતા પણ વધારે મે તમને જોયા છે….!!!

નયન ને બંધ રાખીને…….


દૃષ્ટિ ભલે રાખ તમાશા ન સમજ
રણ માન મગર કોઇને પ્યાસા ન સમજ
બેફામ જગત આખું છે એવી માયા
કે મુક્ત થવું હોય તો માયા ન સમજ.

નજરના જામ છલકાવી ને ચાલ્યા ક્યા તમે | બરકત વિરાણી ‘બેફામ’

નયન ને બંધ રાખીને તમને જોયા છે લેખક

નયન ને બંધ રાખીને તમને જોયા છે લેખક બેફામ છે

બેફામ કોનું ઉપનામ છે
બેફામ બરકત વિરાણીનું ઉપનામ છે.

ગુજરાતી ગઝલ | બરકત વિરાણી શાયરી | બરકત વિરાણી ગઝલ | નયન ને બંધ રાખીને તમને જોયા છે લેખક | Gujarati Gazal | Befam | Gujarati Sahitya | Ghanubadhu | gujarati gazal lyrics | Gujarati Kavita
Facebook
Twitter
Telegram
WhatsApp
Parmar Jaydip

Parmar Jaydip

Top Stories

Dhanera ની પ્રેરણા હાર્ટ & મેડિકલ હોસ્પિટલમાં હાઈ ટેક AIથી સંચાલિત નિયો સ્માર્ટ ક્લિનિક નો પ્રારંભ, Ahmedabad ના સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરનો પરામર્શ મળશે હવે ધાનેરામાં

Dhanera : ધાનેરા કારગિલ હોટલ ખાતે તા.24 જુલાઈ 2024ના રોજ રાત્રે 8 કલાકે , નિયો હેલ્થટેક અને પ્રેરણા હાર્ટ અને મેડિકલ હોસ્પિટલ, ભારતિય મેડિકલ એસોસિયેશન

Gujarati Movie માં વધતો હોરર કોમેડી ફિલ્મોનો ક્રેઝ1 : Zamkudi,Vash અને Karkhanu.

Gujarati Movie : ગુજરાતી ફિલ્મોની હરણફાળ હવે રોકાવાની નથી એ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. એક સમય હતો કે સૌ કહેતા હતા કે ગુજરાતી ફિલ્મોમાં નાવિન્યતા

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ ગેમ ઝોનમાં આગ માં 32 ભડથું થયાં. CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા.

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના