રામ મોરી લિખિત ગુજરાતી ટૂંકી વાર્તા મહોતું વાંચો

Share This Post

રામ મોરી લિખિત ગુજરાતી ટૂંકી વાર્તા મહોતું : આજે ગુજરાતી ભાષાનાં યુવા લેખક રામ મોરીનો જન્મ દિન છે. રામ મોરીનો જન્મ 2 ફેબ્રુઆરીના રોજ થયો હતો.ગુજરાતી ભાષામાં ટૂંકી વાર્તા,ફિલ્મલેખન તેમજ સમાચાર પત્રોમાં પણ લખે છે. રામ સૌરાષ્ટ્રના ગ્રામીણ જીવનને દર્શાવતી ટૂંકી વાર્તાઓ માટે જાણીતા છે, સાથો સાથ મહિલા કેન્દ્રિત ભાવ લેખન વિશેષ છે. મહોતું નામની તેમની ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે, જેને વર્ષ 2017માં સાહિત્ય અકાદમીનો યુવા પુરસ્કાર એનાયત થયો હતો. આ વાર્તાસંગ્રહની વાર્તા મહોતું આપ માટે.

ફોટો - રામ મોરી, મહોતું વાર્તાસંગ્રહ - ઘણું બધું ટીમ
ફોટો – રામ મોરી, મહોતું વાર્તાસંગ્રહ – ઘણું બધું ટીમ

ગુજરાતી ટૂંકીવાર્તા સંપદા : મહોતું

‘એ જય સગતમાં મારી બેનીને.’ ડેલીમાંથી કાંગસડીનો અવાજ આવો. કોરે બેઠી બેઠી હું ભરત ભરતી’તી. બાજુવાળા બાબરની બાવલીના ભરત ભરાયેલ કળાયેલ ઓશીકા જોઈને મનેય તાન ચડેલું તે દિ’ રાત કોરે બેઠી બેઠી ભરત ભર્યા કરતી. અમાર ડોશીમા તો ખાટલામાં ખુલ્લી આંખે સુતા’તા ને મારી બા વલોણાની ચાપ બંધ કરી એનાં પાંખડે ચોટેલાં માખણનાં ફોદાં લૂછી લૂછીને છાલિયામાં કાંઠે ભેગા કરતી હતી.

કાળી બપોરનો તડકો આખી ડેલી ઉપર મન મૂકીને વરસતો હતો. અમારા ચાર રૂમની ઓશરીમાં પંખાનો અવાજ, બા જ્યારે બોઘડામાં હાથ નાખીને છાશ હલાવી હલાવી માખણનાં લોંદા કાઢતી હોય એનો અવાજ અને અમારી ડોશીના એકાદ બે નિહાકા સંભળાય, બીજી કોઈ ચહલપહલ ડેલીમાં નો હોય. ઈ ટાણે કાંગસડીનું ‘જય સગતમાં મારી બેનીને..’ પખવાડિયે બપોર ટાણે સંભળાય.

કાંગસડીનો અવાજ આઈવો એટલે મેં બા સામું જોયું, એણે ફટાફટ વલોણું એકબાજુ કરી, એનાં પાંખડાં લૂછીને ટાંકો ખોલીને એમાં બોઘડું મૂક્યું ને કાંસાની તાંસળીમાં છાશ ભરી. ‘આવી ગઈ…? આવું સવ હો.’ એટલું બોલીને છાશની તાંસળી હાથમાં લીધી ને એનાં રાણી કલરના લેરિયાનો છાતી સમાણો ઘૂમટો કાઢીને બા સડસડાટ ડેલીએ પોગી ગઈ.

હું દોડીને ઓલીપાની ડેલી બંધ કરી આવી, દર વખતની જેમ જ. બાપુ ગાડી લઈને આવે ત્યારે ડેલી બંધ હોય તો હોર્ન મારે તો ખબર તો પડે ને કે ઈ આઈવા છે તો હટ બાને કીયાવાયને કે ‘બા ફટાફટ ઘરમાં ગયે, મારા બાપુ આઈવા છે.’

મારી બાને આ કાંગસડી હાર્યે ખબર નહીં પણ વર્ષોથી જાણે બેનપણાં. આમ તો અમારે ડેલા બહાર નીકળવાનું બવ બનતું નથી હોતું. ઈમાં વાતું વહટી તો કોની હાર્યો કરવી. પેલાં તો એય મજાના તીનનાં તપેલાં ભરી ભરીને લૂગડાં લઈન નદીયે જાતા ને શીપ૨ માથે લૂગડાંની હારોહાર કેટલીય વાતો પથરાઈ જાતી. લૂગડાંય નીચોવાય ને કંઈ કેટલી ફરિયાદોય નીચોવાય.

પોતાનાં ધણીને કાંઈ નો કઈ હતી બાયું ઈના વરના સોવણાને કે બુશર્ટ પેન્ટને બમણાં જોરથી ધોકાવતી હોય એવુંય જોયેલું. ને સાબુના ધોળા ફીણ જેવાં બાયુના હોંકારા ‘હશે બાપા… અસતરી અવતાર… બાંધી મૂઠી લાખની.’ આવા હોંકારામાં તો ભલભલ્યુના ઘરના કજિયાનો કદડો નીકળી જતો. પણ હવે તો ભમરાળા ઘરે ઘરે નળ ગુડાઈ ગ્યા. તે પોતે ધૂણવાનું ને પોતે ધુપ દેવાનો.

એકલાં એકલાં ધોકાવવાનું ને એકલાં એકલાં નીચોવવાનું. પેલી નદીયે બાયુંના ટોળા હોય એવી કાંઈ મજા નો આવે. નદીએ લૂગડાં ધોવા જાવાના બહાને બા ઘણી બધીવાર બાયું હારે વાતું કરવા જાતી પણ જ્યારથી નળ આવી ગ્યા કે બધું બાયું બિચાર્યું એ એના ઘરનો ડોળ ઘરમાં જ કાઢવાનું ચાલુ કરી દીધું. એવા ટાણામાં આ એક કાંગસડી જ હતી કે જેની આગળ બા પેટ ભરીને વાતું કરતી.બાપુને આ બધું નો ગમે.

મૂળે અમારી ડેલીને બાદ કરતાં આખો વસ્તાર વહવાયાનો. તે બાપુને ઈ જ નો ગોઠે. ને ઘણીવાર કીધા કરે કે ‘આવા ને આવા મહોતા હાર્વે વળી હું સંબંધ રાખવાનો? એની હા તો વાટકી વેવાર નો હોય.’ એટલે બાપુ આવે ને બા ડેલામાં કાંગસડી હાર્યો હોય તો બાપુ બાનો વારો પાડ્યા વગર નો રહે. મને છે ને બાપુ બાને કાનમાં કીડા પડી જાય એવી ગાળું આપે ને એવું કાંક બોલે ને એમાં કોઈ વાંધો નથી, બા ક્યને એમ કે ‘અસતરીના અવતારને મલક આખાની જીભની ટેવ પડી ગઈ હોય.

કાનમાં મોટા ઠળિયા ને વધારાના વીંધાની ટીબક્યું એટલે જ છે કે આ બધું કાનમાંથી કાઢી નાખવાનું, સંઘરવાનું નહીં!’ પણ બાપુ ક્યારેક ક્યારેક બા ઉપર હાથ છૂટો કરી લે, ઈ મને નો ગમે એટલે જ હું બાની હારોહાર રહું. મારી બા તો બવ જ બોલતી ને વાતે વાતે દાંત કઢાવતી, પણ જ્યારથી આવી કાળી બપોરે જાગધારમાં પયણાવેલી મારી મોટીબહેન ભાવડી ખુલ્લા પગે બળબળતી બપોરે ઘરે ભાગી આવેલી ઈ ટાણાથી બાનું બોલવાનું ને દાંત કાઢવાનું બંધ.

મહોતું વાર્તાસંગ્રહનાં લેખક રામ મોરી નો જન્મદિવસ

આવતા વેંત ભાવડી કોરે ઢગલો થઈને પડી ગયેલી ને છાતી ફાટી જાય એવું રોયેલી. હું તો કોરે બેઠી બેઠી નિશાળે જાવા બેય ચોટલાં ગૂંથતી હતી ને બા રોટલા ટીપતી હતી. એની ઈ કાળી રાડચ તો આજેય કાનમાં ટીબધું પાકેલાં વીંધામાં પરું ભરાયું હોય એમ દુખે છે.

‘ઓય મારી માઠી રે… મને મારી નાખશે ઈ રોઝડીનાવ.’ લોટવાળા હાથે બા રાંધણિયા બહાર ધોડી આવેલી. મારી તો આંખ્યું ફાટી રહી ગયેલી. ગૂંચવાઈ ગયેલાં કોરા વાળ, સૂઝી ગયેલી આંખ્યું, પરસેવે રેબઝેબ ભાવડી કોરે બેવડ વળી ગયેલી, એનો આખો વાંહો લાલચોળ ને એમાં લાલ લાલ ચકામાં ઊપસી આવેલાં. બાના ગળામાં બેય હાથ પરોવી એ લગભગ બેસુધ જેવી થઈ ગયેલી. હું તો જડની જેમ ઊભી ઊભી જોઈ રહેલી. શું કરવું એવું કાંઈ સમજાતું જ નહોતું.

એ પછી તો આખા ડેલામાં લાલ-લીલી-પીળી-કેસરી બાંધણીઓ ને લેરિયાનાં ઘૂમટાઓ ઉભરાવવા લાગ્યા હતા. ઓશરી ને ફળિયામાં ગામનાં કડિયા ચોયણા સમાતા ન હતા. ચાના સબડકા, બીડીયુના ધુમાડા ને બજર છીકણીનાં પડીકા ને પીચકારી વચ્ચે જાણે બધા શું લેવા ભેગા થ્યાસ ઈ તો જાણે બધાં ભૂલી જ ગ્યા.

હું તો ચૂલેથી ત્યારે ચા મૂકવામાંથી જ નવરી નો’તી થાતી. ગેસ ઉપર ચા માથે ચા મુકાતી જતી હતી. પૂળો પૂળો મૂછોને સાઈડમાં કરી ચાઉ ઢીસતી એ બધી કરચલીઓ જાણે કોઈ અગમ ઉકેલ આપવાના હોય એમ આંખ્યું બંધ કરી મોઢામાંથી એના બાપના મસાણિયાનો ધુમાડો કાઢતાં કાઢતાં ખાટલે ગોઠવાઈ ગયેલા.

ઘરમાં બધી બાયું બાના ખોળામાં માથું મૂકીને પડેલી ભાવડીની હામે છીંડું તોડીને આવેલું કોઈ જનાવર હોય એમ જોસું બેઠેલ્યું. મલક આખાના દાખલાને પરિણામોની ચર્ચા ત્યારે થાતી હતી. પણ એ બધામાં હવે આવું કરવાનું છે હું? ઈ સુવાલ તો ચા પીવાઈ ગયેલી એંઠી રશ્કેબીની જેમ ઠેબે ચડતો હતો. બાપુ ફળિયામાં બેઠા બેઠા લાલઘૂમ થાતા હતા. ને માલીપા ઘરમાં બાયું તો જાણે બોલતી બંધ જ નહોતી થાતી.

‘હશે બેન… ગમે એમ તોય તારું હાચું ઘર તો છે જ છે ને!’

‘સહન કરતાં શીખ્ય ભાવ, મૂંગા મોઢે મજાનું કામ કરીને ટેસડા નો કરવી.’

‘દુખ તો બેન કોને નથી પડતા હૈ બહેન, પણ ઈ બધું જીરવી જાય એનું નામ માણસ.’

‘ને ગમે એમ તોય ઈ આપડો માણહ છે, ઈ નો મારે તો કોણ પાડોશી આવે?’

અગન કસોટી છે આ બધી અસતરીના અવતારની. એને ભોગવ્યે જ છૂટકો મારી બહેન.’

‘કઠણાઈની કાબર્ય મારી બેન… કાલ્ય હવારે જયા આવશે મા, ઘીના હમમાં ઘી ઢોળાઈ જાશે.’

‘અમાર લખમીને તો બાપા કેવા દેખ પડ્યા’તા હૈ? પણ સહન કરી જાણ્યું તો જુઓ આજ કેવી સુખી છે.’

ફોટો - રામ મોરી વિકિપીડિયા
ફોટો – રામ મોરી વિકિપીડિયા

‘તોય તારે તો હારું છે ભાવુ, બાકી અમાર સજનબા જેવું તને ચ્યું હોય તો તો તું સીધી કૂવામાં જ પડ્ય.’ મને દાઝ ચડતી હતી, આ બધું હું થાવા બેઠું છે ઈ કાંઈ ખબર નોતી પડતી. પેટીને ટેકો દઈને બા બેઠી હતી. એની આંખ્યું રોઈ રોઈને સૂઝી ગયેલી. ભાવડી બાના ખોળામાં માથું મૂકીને બાના લેરિયાનો છેડો કસકસાવીને પકડી બેઠી હતી. પછી હું નક્કી થ્થુ ઈ કાંઈ ખબર ના પડી ને કુટુંબનો એક લીંબુ લટકે એવો મૂંછાળો કાકો બાયું હતી એ ઓયડામાં આઈવો. લાગતી વળગતી બાયુંએ તરત ઘૂમટો તાણ્યા.

‘હાલો લ્યો, બેનબાને તૈયાર કરી દ્યો, જાગધાર પાછા મૂકવા જાવાની છે.’ ભાવડીએ તો રીતસરનો ઠૂંઠવો મેલ્યો. બા બે હાથ જોડી કરગરવા લાગી.

‘મારી સોડીને મારી નાખશે ઈ નભાયા. મારી સોડીને મારે નથી મૂકવી ન્યાં.’

‘તો તમારી માને આખી જિંદગી ઘરમાં ઘાલી રાખશો?’ કાકા બા ઉપર તાડૂક્યા. કાકા ને બાની ચણભણમાં ખબર્ય નો રય કે ક્યાંથી બાપુ ઘરમાં આવી ગ્યા અને એક દીધી હોય ને ફેરવીને… કહેતો ઊપડેલો હાથ બાના મોઢા પર ઝીંકાયો. ભાવડી તો બાને મૂકતી જ નહોતી, એનું બાવડું પકડીને બાપુએ વડકું કર્યું, ‘થા મોર્ય, નકર વારો પાડી દેશ મા-દીકરી બેયનો. તારી માને આખો ભવ ઘરમાં ગુડી રાખવી છે? વહવાયા સવી આપડે કાંય..? હું હિબકાં ભરતી ભરતી બાજુમાં ઊભી રહી ગયેલી. રોતી કકળતી ભાવડીને પાણીનો કળશ્યોય નસીબ નો થ્યો ને ઢસડાતી કુટાતી ગાડીમાં બેસાડી દીધી ને કટમ્બની ચાર ગાડી જાગધાર ગામના રસ્તે.

બધું વિખેરાઈ ગયું. ખુરશીના પ્લાસ્ટિકના પાયા પર ઓલવેલી બીડીયુંના કાળા ડાઘા, ચૂનાની પડીક્યું, માવાના કાગળ, એંઠી રકળ્યું ને છીંકણીની પીચકારીયું આખી ડેલી સામે જાણે દાંતિયા કરતી હતી. અમારી ડોશીને તો વર્ષોથી કાંઈ સૂધબૂધ નથી રે’તી, તે ખાટલામાં સૂઈ રહે. ખવડાવો ઈ ખાય ને પીવડાવો એ પીવે, પણ આ ટાણે ખબર નહીં કે એને હું સમજાણું હશે તે ખાટલામાં પડ્યાં પડ્યાં એણે રોવાનું ચાલુ કરેલું. પેટીને ટેકો દઈ ઈ આખો દિ’ બા ચૂપચાપ ગુમસૂમ પડી રહેલી.

એ પછી તો બપોરે ઘણીવાર ભાવડીના ફોન આવતાં ને હું ઉપાડતી. ઈ રોતી રોતી કે’તી કે બાને ફોન દે. બા તો બારસાખે ઊભી ઊભી હિબકાં ભરતી મને કે’તી.

હરસુડી, ભાવડીને યે કે બા વાડીયે ગ્યા છે..!’ હું રોવા જેવી થઈને કે’તી કે ‘બહેન, બા તો છે ને.. ઈ તો છે ને.’ ને ઈ રોતી રોતી તલેલાં નાખતી.

નમ્ભાય, તને તો ખોટું બોલતાંય નથ આવડતું.’ ને એનો ફોન મુકાઈ જાતો. એ પછી બા ક્યાંય સુધી એ ફોનને પકડીને બસ રોયા જ કરતી. બા ઘણીવાર કામ કરતી કરતી એનામાં ખોવાઈ જાય, દૂધ ઊભરાઈ જાય, રોટલા બળી જાય, ફળિયું વાળતી વાળતી હેઠી બેસી જાય, નળ હેઠે ડોલ છલકાતી હોય ને બા તો નમણે હાથ મૂકીને બસ રોયા જ કરે, રોયા જ કરે!

ખાતી ખાતી ક્યારેક મને પૂછે કે, ‘હર્ષા, મારી ભાવુએ બીચારીયે ખાધું હશે?’ ને પછી કોળિયો એના ગળે ન ઊતરે. રાતે બા મારી ભેગી સૂતી હોય, અડધી રાતેય મારી આંખ ઊઘડી જાય ને જોઉં તો બા તો ભાવડી જ્યાં આવીને પડી હતી ઈ કોરે બેઠી બેઠી ત્યાં અટાણે અંધારામાં અપલક જોયા કરતી હોય.

તે ઈ ટાણામાં આ કાંગસડી આવતી થઈ ને ઈને બાની હા બેનપણા ધ્યા. તે બા એની એકની હારે વાતું કરતી. પખવાડિયે ગામમાં કટલેરીનો સુંડલો ભરીને આવતી આ કાંગસડીનો મનેય ભારે લગાવ. એની પાંહે ભાત ભાત ને જાતજાતની વાતું હોય. અટલા વરસથી આ ગામમાં આવે પણ બપોરા તો એ અમારી ડેલીમાં જ કરે.

ઈ આવેને ‘જય સગતમાં મારી બેનીને…’ બોલે એટલે બા તાંસળી ભરીને છાશ ડેલીમાં લઈ જાય. પછી કાંગસડી રોટલો, ગાંઠિયાનું શાક, ડુંગળી ને છાશ પીતી જાય ને વાતું કરતી જાય. અમારે ગામડા ગામની સોડિયું ને હટાણું કરવા ઘાયતાંય જાવા નો મળે. તે આ કાંગસડી જ બધા સમાચાર લાવતી કે ‘બહેન, આ બંગડી જુઓ, સમ્મક સલ્લો ફેશનની સે!’

આ જોવો નખ રંગવાની શીશી, એની માલીપા તૈણ કલરની ભાત પડે હોં… અમારે ત્યાં શહેરમાં તો કૉલેજ કરવા જાય ઈ બધું આ જ શીશી વાપરે…’

આ કાનમાં પે’રવાનાં લાંબી સર્વેના બૂટિયા. આજકાલ આનું બવ ચલણ છે, ટી.વી.માં નથી જોતાં?’

‘ઈ નો લે બેન… એની ફેશન નથી, આ ચાંદલા જો, એમાં દિપીકાનું ફોટું સે કે નહીં? હૈ, દિપીકા આ જ ચાંદલા સોટાડે હો.’ હું એને આમ એકધારી બોલતી જોયા જ કરતી. વેલ્વેટનો પીળા કલરનો ને માલીપા લાલ ચાંદલાવાળો કમખો, આસમાની વેલ્વેટનો ઘેરદાર ચણિયો ને એમાં મોરલાની ભાત ને લાલ-પીળા-કેસરી મોતીભરત ને માથે શ્યામ ગુલાબી કલરની રંગ ઊડી ગયેલી મહોતી જેવી આછી ઓઢણી, બાપુ કાંઈ આમને લોકોને અમસ્તાં જ તે મહોતું નહોતાં કહેતાં. એની ઓઢણીની જરીવાળી કોર્ય તડકામાં બહુ જ તબકે.

બેય હાથમાં લીલીલાલ ને પીળી બંગડી, ગળામાં લાંબી કાળા પીળા મોતીની માળા, કાનમાં ચાંદીના મોટા જાટ્ટા બુટ્ટા અને ઈ બુટ્ટાની પાતળી સાંકળ જેવી સર્યું ઠેઠ વાંહે અંબોડા માથે પીનમાં ખોસેલી. એણે એના જાડા કાળા ભમ્મર વાળને અંબોડામાં કસકસાવીને બાંધીને કાળી જાળીમાં ગૂંથેલાં. કપાળે રૂપિયાના સિક્કા જેવો મોટો ગોળ ચાંદલો ને દાંત કાઢે ત્યારે એના પીળાં પડી ગયેલાં માવો ખાતાં દાંત ચમકે, જાડા હોઠ, ગળામાં બેય હાથમાં મોર, પોપટ, ટિબક્યું, વીંછી, ઓમની ને કાન ગોપીની ભાત પડાવેલી.

એનું ભરાવદાર ડિલ ને કમખાને ચણિયાની વચાળ લચી પડતાં પેટ ઉપર ધોળાને લાલ મોતી ભરેલો ફિક્કો પડેલો કંદોરો, મશીનની કાળી ભાત પડાવેલ પગ ઉપર ચાંદીના મેલા ઝાંઝર. મને એના હોઠ હેઠેની કાળી ટીલી બહુ જ ગોઠતી, તે એક દિ’ હુંય તે ખાટલો ઢસડી કાળી સ્કેચપેનથી મારા હોઠ હેઠળ કાળી ટીલી કરતી હતી ને શો કેસમાં જોઈને મલકાતી’તી ત્યાં મારી બા ભાળી ગઈને મને ખિજાતી સ્પે, ‘નમ્ભાઈ, તાર બાપ ભાળશે તો વારો પાડી દેશે, ભેંશ બધા આ વણઝારણ જેવા વેશ!’ કાંગસડી આવતી ત્યારે એના પગમાં મેં તો ચંપલ કોઈ દી’ જોયા નહોતા. તે એક દિ’ બાએ એને ચંપલ આપતા કીધું.

ત્યે બેન ચંપા, આ ચંપલ મારે કશા કામના નથી. તું પેય તને પગબયણું લાગતું હશે!’ ત્યારે દાંત કાઢતી એ માવાની પીચકારી મારતાં બોલેલી તમારી બાયુના સંપલ અમારું જોમ નો ખમી હકે.’

હું બાને ઘણીફેર કે’તી કે ‘બા આની પાંહે તો જાતજાતનું તૈયાર થાવાનું છે તો કેમ તૈયાર થઈને આંટા નહીં મારતી હોય? એની વગનું જ છે બધું સુંડલામાં તોય ભૂત જેવી થઈન કાં આંટા મારતી હોય છે?’ ત્યારે બા કે’તી કે ‘પોતાની વગ બધે જ વાપરી હકાતી હોત તો તો કેવું હારુ હોત!’ આટલું બોલી બા ફરી ગુમસૂમ થઈ જાતી.

કાંગસડી એનો સુંડલો મૂકે ને સોડિયુંના ટોળેટોળાં ઉમટી પડે. એક હાથ લાંબું બારકું ઈ સૂંડલામાં હારે લઈને જ આંટા મારતી હોય, એની એક એક ગાંઠ છૂટતી જાય ને ભેગી કાંગસડીની વાવ્યુંય છૂટતી જાય. બા ક્યારેય ભાવડીની વાવ્યું કાંગસડી પાંહે નો કરતી પણ એની પાંહે તો ગામ આખાની વાત્યું હોય, ઈ તો ગામ આખાની વાત્ કરતી જાય ને રોટલો ચાવતી જાય. બા એને દરસેલે છાશ આપે તે ઈ કાંગસડી મને ચાંદલાનું પાકીટ મફત આપે, હું ન લઉં તો બા તરત જ ક્ય.

‘લઈ લે. માસી થાય, ના નો પડાય!’ લ્યો તો હવે આ કાંગસડી મારી માસીય થઈ ગયેલી.

એકબે વાર તો બધું જોવામાં હું એટલી બધી તલ્લીન થઈ ગઈ’તી કે ક્યારે બાપુ આવી ગ્યા એની ખબર નો રહી ને ઈ ટાણે તો બાપુએ આખો ડેલો માથે લીધેલો. કાંગસડીને બંડીકો લઈને મારવા ધોડેલા.

‘ખૂટ્યલમારીની, ભીંસા ખેરવી નાખીશ તારા જો હવે ડેલીમાં પગ મૂક્યો છે તો. ટાંટિયા ભાંગી નાખીશ.’ આખી વાતને ગાંડ્યું વાળતી હોય એમ ઈ કાંગસડી ઊભી થયેલી, ‘બાયું ઉપર જોર કાં બતાવે છે ભાઈ?

કયું તારું ગરાસ લૂંટવા આવી છવ તે આટલો રાતોપીળો થા છો! હું તો જો, આ હાલ્યી…’ એ પછી નમતી બપોરે સુંડલો માથે ચડાવી, ઓઢણીનો છેડો દાંત હેઠે દબાવી એ ગઈ તે ગઈ પછી કેટલાય દિ’ દેખાણી નો’તી. ભાવડી ઘેર આવી હતી એ દાડાથી બાપુનો અમારી ઉપર કડપ ને હાથ વધી ગયેલો. વાતેવાતે ઈ બા ઉપર છુટ્ટો ઘા કરી લેતાં. તે દિવસે બપોરે ઈ રોંઢો કરતા’તા ને હું અમાર ડોશીને ટેકો દઈ બેહાડીને શાકમાં રોટલો ચોળેલો હતો એના કોળિયા દેતી હતી ને મારી બા બારસાખે ઊભી ઊભી લેરિયાના ઘૂમટામાંથી ખાલી એટલું જ બોલેલી કે,

‘ઘણા દિ’ થઈ ગ્યાસ. ભાવડીના બાપુ, તમે એક આંટો દીકરી પાંહે મારીયાવો તો.’ ખણખણણણણણ કરતો છુટ્ટો તાંસળીનો ઘા બા સામે થયો. કપાળે હાથ દઈ બા ઉંબર ઉપર હેઠ બેસી ગઈ. અડધો રોંઢો મૂકીને બાપુ ઊભા થૈ ગ્યા ને બાને હજુ કાંઈક વધુ મારવા જાય એ પહેલાં હું ધોડીને બાની આડી પડી ગઈ.

તારી માને જધ્ધ ઘોડાઆણ્યની, તારી માએ મારી આબરૂના ઓછા ધજાગરા કર્યા છે કે તારે હજી મને ત્યાં મોકલવો છે? તારામાં તો અક્કલનો છાંટો નહીં તે સોડિયુંમાં શું આવે? જમ્યા ભેગી મારે તો જળુંમ્બમાં ગુડી દેવાની જરૂર હતી તો આ દિ’ જ નો આવત.’

ઈ પછી ગામમાં મારું આઠમું ધોરણ પૂરું થઈ ગ્યું પણ ભાવડીવાળા કેસના લીધે પછી અપડાઉન કરવાય બાપુએ મને બાજુના ગામ સુધીય નો જાવા દીધી. મારી હાર્યની બધ્ધી સોડિયું સાઇકલની ટંકોરી ખખડાવતી અપડાઉન કરતી થઈ ગઈ પણ ભાવડીના કેસના લીધે મારે નસીબ ઈ નો ધ્યું તો મેં કીધું બળ્યું ભણતર ભરત ભરવા બેહી જાવી!

બાની સૂઝી ગયેલી આંખ્યું જોઉં તો એમાં મને ભાવડીના ખુલ્લા વાંસામાં પડેલા લાલ ચકામા જેવા દોરા દેખાય. અમારા ડોશીમાનેય હું શાકમાં રોટલો ચોળીને ટેકો દઈ બેસાડીને કોળિયા એના મોઢામાં મૂકતી હોઉં ત્યારે મને એમની ફિક્કી પડી ગયેલી આંખ્યુંમાં થીજી ગયેલા એકાદ બે લાલ દોરા તગતગતાં દેખાય.

બા કે’તા કે અમારા એક ફઈ હતાં, વસનફઈબા. બાપુના મોટા બહેન. ઈને સાસરે વળાવ્યા ઈ ટાણે અમારા ડોસાજીય તે હયાત. તે ત્યાં સાસરિયે કંકાસથી કંટાળીને એક દિ’ એણે અગન પછેડો ઓઢી લીધો, બળી મરેલા! તે ઈના ક્રિયાકરમ પતાવ્યા પછી આંયા ભળભાંખળે ફોન આવેલો કે તમારી દીકરી બળી મરી છે.’ તે અમાર ડોશીને ઈ વાતનું એટલું વહયું લાગી ગ્યું કે મારી દીકરીયે એના દખ બાબત મને કાંઈ કેવરાવ્યુંય નહીં ને હું મા થઈને મારા જણ્યાનું દખ હમજીય નો હકી… કે બસ તે દી’ની ઘડી ને આજનો દી’ ડોશી ખાટલામાં ગુમસૂમ પડ્યાં રહે, અને હવે તો ભળભાંખળે કોઈના ફોન આવે તો અમાર ડોશી તો આખી ડેલી ગાજી જાય એવા રાગડા તાણી તાણીને રોવા માંડે કે ‘હું મારી વસનને બાળી નાખી..

મારી વસનને મારી નાખી. એ ફોન આયવો. ફોન આયવો…’ તે આજકાલ આવતા ફોનના લીધે બાનેય તે કાંઈક આવું આવું થાવા માંડ્યું. કોઈકનો ફોન આવે ને બા ધરુજવા માંડે. પરસેવો વળવા મંડે એને તો. રાતોરાત જાણે કે મારી બા ગઢી થઈ ગઈ એવું લાગ્યા કરે. – તે આજે કેટલાય દી’ પછી કાંગસડીનો ‘જય સગતમાં મારી બેનીને…’ અવાજ સંભળાયો તે બા તો ઝાલી નો ઝલાય એટલા હરખથી રાણી કલરના લેરિયાનો ઘૂમટો તાણતી છાશની તાંસળી ભરીને સડસડાટ ડેલીએ પહોંચી ગઈ.

મેં ધોડીને ઓલીપાનો ડેલો બંધ કર્યો અને આ બાજુ ડેલામાં આવી તો નવાઈથી જોઈ રહી કે બાઈ આ વળી નવી કોણ? જોઉં તો કાંગસડીની હારે એક બીજી નાની કાંગસડી. એકહારે બે બે કટલેરીના સુંડલા મુકાણા હતા. મને બા કે,

‘જા હરસુડી, હબદણ્ય દોટ મૂલ્ય ને બીજું છાલિયું છાશનું ભરીને આવ્ય ટાંકામાંથી જા…’ હું દોડતી છાશ લેવા ગઈ ને ગઈ એની કરતાંય બમણી ઝડપે પાછી આવી.

એક પગ ઊભડક ને બીજા પગની પલોઠી વાળીને મહોતો જેવી ઓઢણીથી પરસેવો લૂછતી બેય કાંગસડી રોટલો, ગાંઠિયાનું શાક દાબડવા માંડ્યું. હું બેય હાથ કેદ્યમાં ટેકવીને નવી કાંગસડીને જોતી હતી. બા હેઠે બેહી ગઈ ને નવી કાંગસડી સામું જોતાં મોટીને પૂછવા લાગ્યા.

‘તે બેન, આને તો તે પયણાવી દીધી’તી ને?’

‘હા, પયણાવી તો હતી બહેન…’ રોટલો ચાવતાં ચાવતાં મોઢામાંથી મોવળો કાઢતાં એ બોલી, ‘પણ ભમરાળો એનો વર, પીટ્યો દારૂડિયો હતો.’ હું પેલી નાની કાંગસડીને જોઈ રહી. ઓઢણીના છેડાને એક હાથે પકડીને એ ફટાફટ રોટલો ચાવતી હતી. 

‘અરે બેન, અમારે તો આ નશીબદારની દીકરીને તો સગતમાં થઈને પૂજાવું હતું. લે…કાંય કેવરાવતી નોતી તે ઈ નીસમારીનો આને એટલી બધી મારે… ઈ આ બધું ખમી ખાતી હતી.’ મારી બા અપલક નજરે પેલી નવી કાંગસડીને જોઈ રહી.

‘ઈ તો ભલું પૂછો એના પાડોશીનું કે ઈને કાંક સતબુદ્ધિ આવી ને મને કર્યો ફોન કે બહેન ચંપા, હાલ્ય તારી જણીને આ ખાટકી પતાવી દે ઈ પેલા લઈ જા.’ છાશવાળા બગડેલા હોઠ એને ઓઢણીથી લૂંછડ્યા.

પણ વાંધો હું પડ્યો’તો બહેન?’ બાએ માથાનો છેડો સરખો કર્યો.

વાંધો? વાંધાને કાંય વાનામાતર હોય બહેન… કામધંધો નો’તો કરવો ને દારૂ પીઈને પડ્યું રે’વું હતું હરાયા ઢોરની જેમ. પણ હું કાંઈ એમ મૂંગી મૂંગી ભોમાં ભંડારી નાખો એવી શેની? આંયથી સાત વાગ્યાની બસ પકડીને ન્યાં ગઈ ને વળતાં નવ વાગ્યાની બસમાં સુંડલો કરિયાવર સમેત દીકરી પાછી. આંય બાકી મારી દીકરીની દાતરડીની કમાણી પર ઈ ભમરાળો તાગડધીના કરે ઈ વાતમાં માલ નહીં… લે આ રોટલો ખૂટવાડ્યું!’ એણે વધારાનું રોટલાનું બટકું દીકરી તરફ ધર્યું. ઓલીપાની ડેલી બહાર બાપુની ગાડીનો હોર્ન સંભળાતો હતો.

‘બેન, આદમી વગર કાંઈ તાવડી ટેકો લઈ જાય છે? જીવતર તો એના વિનાય ધોડ્યું જાય મારું ગ્યું એવું. મારી માય કાંગર્યું વેચતી, હુંય વેચું છું ને હવે મારી દીકરીય વેચશે. હું ફેર પડી જાવાનો? પણ ઈ એની માના વરો નચાવે એમ નાચીએ ઈ વાત ખોટી..’ બાકીનું સાંભળવા ન રોકાણી, ધોડીને ઓલીપાના ડેલે ગઈ ને ડેલો ઉઘાડ્યો.

‘ક્યાં મરી ગઈથી?’ કાનમાં ડાટા ભરાવ્યા છે?

હં…હા…હું??? હું તો… બાપુને જવાબ દીધા વિના, ઈ ગાડીને ઘોડી ચડાવે ત્યાં તો હું ધોડીને આ ડેલીમાં પોગી ગઈ. બાનો હાથ પકડી કેવા મંડી, ‘બા, મારા બાપુ આયવા છે, હબદય ઘરમાં ગર્ય…’ બેય કાંગસડીયુંએ સુંડલા માથે ચડાવ્યા. બાએ બ્લાઉઝમાંથી પાકીટ કાઢ્યું ને દસની નોટ કાઢી અને નાની કાંગસડીના હાથમાં મૂકી. ઓલી નો’તી લેતી. કાંગસડી એની દિકરીને ક્ય,

લઈ લે, માસી થાય, ના નો પડાય..!’ બાની આંખ્યું ભરાઈ આવી. એને દુખણા લીધા અને ‘આવજે’ એવું કાંઈક બોલવા જેવું કર્યું પણ એનું ગળું ભરાઈ આવ્યું હતું તો બોલાતું નહોતું.

બાપુ ફળિયામાં રાચું નાખતા’તા. ‘ક્યાં મરી … બેય.. રખડેલના પેટવું.’ હું ધોડીને ફળિયામાં આવી. ‘ક્યાં છે તારી મા?’ ડેલીમાં.’

‘ન્યાં હું એના બાપની દાટી હતી? ઠેક. ઓલી આવી હશે તેને મહોતાવાળી.’ આટલું બોલીને એણે મોટાં મોટાં ડગલાં ભર્યા ડેલી બાજુ. ૨સ્તામાં ભીંતે ટેકવેલી સોટી એણે હાથમાં લીધી. હુંય ધોડતી બાપુની હારોહાર ડેલીમાં. જોયું તો તડકાની સોનેરી લ્હાય વચાળ ચપ્પલ વગરના મા-દીકરીના પગ ધીમી અને મલ્મ હાલ્ય હાલતા’તા. પવન ફૂંકાતો હતો અને એમાં એની ઓઢણીઓ ઊડાઊડ કરતી હતી. ઈ ઓઢણીને દાંત તળે દબાવી માદીકરી શેરી ઊતરતી હતી. દીકરીના ઉઘાડા ખભા પર માનો હાથ ઢંકાયેલો હતો. આ બાજુ ડેલીમાં બા ક્યાંય સુધી મા-દીકરીને આમ જાતા જોઈ રહી. પવન બાના માથે ઓઢેલાં લેરિયામાં ભરાણો અને લેરિયાનો છેડો ઊડાઊડ કરતો’તો. મને બાપુને બે ઘડી કે’વાનું મન થઈ ગ્યું કે,

‘બાપુ, મહોતું તો મારી બાએ ઓઢ્યું છે… લેરિયું પેરીને ઓલી માદીકરી તો ક્યારનીય નીકળી ગ્યું!’

સોર્સ – શબ્દસૃષ્ટિ (માર્ચ 2015)

Subscribe To Our Newsletter

Get updates and learn from the best

More To Explore

સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિને PM વિશ્વકર્મા યોજના લોન્ચ, 18 વ્યવસાયકારો ને થશે ફાયદો |PM Vishwakarma Yojana

PM વિશ્વકર્મા યોજના : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 77મા સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લા પરથી દેશવાસીઓને ‘વિશ્વકર્મા યોજના’ શરૂ કરવાનું વચન આપ્યું હતું. વિશ્વકર્મા જયંતી અને પોતાના જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના કુશળ શ્રમયોગીઓ માટેની ‘PM વિશ્વકર્મા’ યોજનાનો દિલ્હી ખાતેથી શુભારંભ કરાવ્યો હતો. PM Vishwakarma Yojana CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશના યશસ્વી

સમાચાર

અમીરગઢ તાલુકામાં વરસાદ પડતા જ વીજળી ગુલ,69 ગામડાઓમાં અસર

અમીરગઢ : બનાસકાંઠા જિલ્લાના છેવાડાના તાલુકા મથક અમીરગઢમાં છેલ્લે કેટલાય સમયથી ઈલેક્ટ્રીસીટી નાં ત્રાસથી પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે. સરકાર દ્વારા 24 કલાક લાઇટની વાત કરવામાં આવે છે, પરંતુ અહીંયા તો ચાર વરસાદી છાંટા પડતાં જ બતી ગુલ થઇ જાય છે. ત્યારે અમીરગઢ ની પ્રજા દ્વારા વીજ કર્મીઓ સામે સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે. કે

Do You Want To Create Your website?

drop us a line and keep in touch

Home
Search
Video