કટાક્ષીકરણ : શિર્ષક વાંચતા જ જે રીતે તમે આ લેખ વાંચવા આવી ગયા છો બસ એ રીતે જ આજે ગુજરાતનું રાજકારણ ચાલી રહ્યું છે. બીજી તરફ ગુજરાતમાં આમ આદમી પાર્ટી જે રીતે વિરોધ નોંધાવી રહી છે એ જોતા એવું જ લાગે છે કે હવે ગ્રાઉન્ડ પોલિટિક્સ મટીને બધું સોસિયલ મીડિયા પોલિટિક્સ બની ગયું છે. ગઈકાલે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશમાબેન પટેલે ગુજરાતના ધારાસભ્યોને રાખડી મોકલવાની વાત કરી હતી. કેમ આ રાખડી મોકલશે એ જાણવા જેવું છે.
રેશ્મા પટેલ મોકલશે ભાજપના 156 ધારાસભ્યોને રાખડી
આમ આદમી પાર્ટીના નેતા રેશમાબેને ગઈ કાલે એક વીડિયો દ્વારા કહ્યું હતુ કે, ‘મોંઘવારીના કારણે ગરીબ અને મધ્યમ વર્ગની ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે. ટામેટા અને અન્ય શાકભાજી બાદ હવે કઠોળના ભાવમાં પણ તોતિંગ વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે સરકાર ચૂપ બેઠે તે ખૂબ જ શરમજનક બાબત છે. અમે(રેશમાબહેનની ટીમે) નક્કી કર્યું છે કે આમ આદમી પાર્ટીના મહિલા મોરચા વતી હું ભાજપના 156 ધારાસભ્યોને રાખડી સાથે એક પત્ર લખીને મોકલીશ. જેમાં હું કહીશ કે ગુજરાતની મહિલાઓની પીડા છે તેને વાચા આપો અને સરકારના બહેરા કાન ખોલો.’ આ વાતની નોંધ પ્રજાએ લીધી કે નહીં એની જાણકારી નથી પરંતુ ઘણાં બધાં મીડિયા માધ્યમોમાં નોંધ લેવાઈ છે. આ નોંધનું કારણ એ જ છે કે રાખડી સાથે મોકલેલ લેટર સરકારી ચોપડે નોંધાશે.
કોંગ્રેસ – આપ ના ધારાસભ્યોને પણ મોકલાશે રાખડી
આમ તો ગુજરાતમાં સરકાર ભાજપની છે પરંતુ રેશમાબેન કોંગ્રેસ અને આપના ધારાસભ્યોને પણ રાખડી મોકલવાના છે. રેશમાબેનનું માનવું છે કે, ‘અમારો આ અવાજ ફક્ત રોડ રસ્તા સુધી જ કે મીડિયા સુધી સીમિત ન રહેવો જોઈએ. હવે આ અવાજ વિધાનસભામાં પણ ગૂંચવો જોઈએ.આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને પણ રાખડી અને પત્ર મોકલવામાં આવશે અને અન્ય પાર્ટીના લોકોને પણ રાખડી અને પત્ર મોકલવામાં આવશે. અમે આ મોંઘવારી ઘટાડવાની માંગને બુલંદ રાખીશું અને રક્ષાબંધનની ભેટરૂપે તેની માંગણી કરીશું.’ એટલે કે કુલ 182 રાખડીઓ વિધાનસભામાં જશે! સાથે 182 પત્ર પણ હશે. આ પત્રમાં મોંઘવારી ઘટાડવા માટે કરેલી આજીજી હશે કે સરકારની ટીકા એ તો પત્ર વાંચ્યા બાદ જાણ થશે પરંતુ મહત્વનું એ છે કે શું ગુજરાતની બહેનોએ મોકલેલી આ મોંઘવારી ઘટાડવાની રાખડી ધારાસભ્યના કાંડાઓ પર બંધાશે?
કટાક્ષીકરણ : રાખડી નહીં બાંધે તો સરકાર?
રક્ષાબંધનનો પર્વ નજીક છે ત્યારે રાખડીનું મહત્વ વધારે હોય છે. એક બહેન પોતાના ભાઈની સુરક્ષા માટે અને લાંબા આયુષ્ય માટે રાખડી બાંધતી હોય છે. પૌરાણીક કથા મુજબ પણ રાખડીએ રક્ષા કવચ મનાય છે. માટે આપની બહેનો જો રાખડી મોકલે તો ધારાસભ્યોએ બાંધવી જોઈએ. કારણ કે બહેને મોકલેલું રક્ષા કવચ હશે.
સમાચારની ક્ષમતા મુજબ કટાક્ષીકરણ નાં અંતમાં એટલું જ કે વિરોધ કરવો હોય તો એ રીતે કરવો જોઈએ કે વિરોધ પક્ષ જનતાને દેખાય. હાલ તો કોઈ ચૂંટણી છે નહીં એટલે વિરોધ વધારે ન થઈ શકે એ વિચારી શકાય પરંતુ જો આપની મહિલા ટીમ નીંબુ-મરચુંનો ફોટો રાખડીમાં મુકે તો વિધાનસભામાં રહેલી અશુદ્ધતા દૂર થઈ જશે એ નિશ્ચિંત છે. કારણકે એક હિંદુ માન્યતા મુજબ ઘર-દુકાનમાં નીંબુ-મરચાં લગાવીએ તો અશુદ્ધ હવાને જે-તે જગ્યાએ પ્રવેશતી નથી, બસ એ જ રીતે વિધાનસભાની પાવનભૂમીમાં પણ ભ્રષ્ટાચાર-મોંઘવારી નામની અશુદ્ધહવા ન પ્રવેશે એનું ધ્યાન પણ રાખવું જોઈએ. બાકી રક્ષાબંધન દિવસે ધારાસભ્યોના હાથમાં કયા કલરની રાખડી બાંધેલી હશે એના પર નજર કરવા જેવી.
તો મિત્રો કટાક્ષીકરણમાં બસ આટલું જ. વધારે વાંચવા જોડાયેલા રહો અમારી સાથે. સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને મેળવો ઘણું બધું.
- વિપુલ અમરાવ
IAS ધવલ પટેલ ના ‘શિક્ષણ રીપોર્ટ’ બાદ ગુજરાત સરકાર, આપ અને કોંગ્રેસનાં નિવેદનોની રાજનીતિ શું કહે છે?