ગુજરાતી ટૂંકી વાર્તાનાં 100 વર્ષ પુરા થયા એ દરેક ગુજરાતીને જાણ હોવી જોઇએ. આજથી અને વાર્તાવાર શરૂ કરી રહ્યા છીએ. વાર્તાવારમાં ગુજરાતી ટૂંકી વાર્તાઓ આપ સૌ સાહિત્ય રસિકજનોને વાંચવા મળશે. આજે ગુજરાતી ટૂંકી વાર્તા નકલી ગુલાબોને વાંચો. જો તમે પણ ગુજરાતી ટૂંકી વાર્તા લખતા હોવ તો અમને મોકલી આપો.
“ બનાવોના ખડકેલા પોટલા, સૂર્યના કિરણો અને અખબારની જેમ વાંચી શકાય એવા ચહેરાઓની વચ્ચેની આ દુનિયા ઘણી અલગ છે સંદેહ. તું ખુશ્બુને ચાહનારાઓની સંખ્યા તો જો યાર… તારા જેવા કેટલાય ખુશ્બુને સુંઘીને ચાલ્યા પણ ગયા હશે અને એ તારા જેવા ગામડિયાને ચાહતી નથી એ જાણ્યા પછી પણ તું હજું એ ખુશ્બુને ભૂલવાનું ના કહે છે ?? ” – તમારા જીગરજાન મિત્ર વિશ્વાસની વાતો ધીમા ઝેરની જેમ તમે પી રહ્યા સંદેહ. જવાબ આપવા તમે ગુસ્સા ભરેલ થોડા દબાતા અવાજે વિશ્વાસને કહેલું – ” કાલ સુધી એ ખુશ્બુ મારી સાથે પરણવાના સપના જોતી હતી અને આજે એ સામેથી પત્ર લખી મોકલાવીને કહેવડાવે છે કે હું ગામડાનો છું એટલે સંબંધ શક્ય નથી? “
તમને હાથમાં જીંદગીની પહેલી સિગરેટ પકડાવી વિશ્વાસ બોલેલો :- ” જેટલું આ શ્હેર રંગીન છે ને એ જ રંગીન મિજાજી અહીંની છોકરીઓ છે સંદેહ… અત્યારે કોઇ ઉપર વિશ્વાસ કરાય એવો નથી.”

એ દિવસથી ખુશ્બુના ગમને લીધે સિગરેટની લત લાગી ગયેલી સંદેહ તમને અને આજે એ વાતને વીસ વર્ષ વિતી ગયા છે.
તમે તમારા ઘરની પરવાનગી વગર તમારા જ ગામની તમારી નાનપણની મિત્ર મહેક સાથે ગામના મંદિરે લગ્ન કરી દિધા. લગ્ન બાદ પરીવારથી દૂર શહેરની એક સોસાયટીમાં તમે ભાડાના ઘરમાં રહેવા લાગ્યા. પરીવાર સાથે કશોય સંબંધ રાખ્યા વિના તમે તમારા મિત્ર વિશ્વાસને સાથે રાખી મહેક સાથે કોર્ટમાં લગ્ન કરી તમારી નવી જીંદગી શરૂં કરેલી. સમયના વાયરે મહેકએ સિગરેટ છોડાવી અને સમયે તમારા પરીવારથી દૂર કરેલા છતાંય મહેકનો પ્રેમ અને મહેકના પરીવારનો સાથ તમને મળતો જ રહ્યો.
એક દિવસ તમે તમારી રાબેતા મૂજબની શ્હેરની એક ફાઈવસ્ટાર હોટલની મેનેજરી નોકરીએ નિકળેલા અને મહેકના માતા-પિતા તમારે ઘરે આવેલા. બારણું મોડું ખૂલવું અને સોફા પરના અસ્તવ્યસ્થ કાપડ જોઈને મહેકના પિતાએ ઘર તપાસતા ઘરમાં તમારો મિત્ર વિશ્વાસ છુપાયેલી હાલતમાં મળેલો. વિશ્વાસને આમ જોતા જ તમારા સસરાએ વિશ્વાસને એક લમણે ચોડી દિધેલી અને ઘરનો દરવાજો બંધ કરી વિશ્વાસને માર મારી ઘરની બ્હાર એક ચેતવણી સાથે મોકલી દિધેલો કે " સાલા, હવે આ શ્હેરમાં દેખાયો તો મારી નાખીશ". એ વખતે વિશ્વાસ તો જતો રહેલો ને મહેક પાસે જઈને તમારા સસરાએ મહેકને એક તમાચો ચોડી કહેલું :- " તને શું કવ ખબર જ નથી પડતી મહેક, પેલા તારા સંદેહએ તારા પ્રેમને લીધે એના પરિવારનો ત્યાગ કર્યો ને જ્યારે એ કોઈ આમંત્રણ વિના એની બહેનના લગ્નમાં ગયેલો ત્યાંરે એના બાપાની શરત શું હતી એ ભૂલી ગઇ? ભૂલી ગઇ હોય તો યાદ અપાવું કે... " કાંતો અમે અથવા મહેક.." છતાંય એણે તારો હાથ પકડેલો. યાદ છે? તું વિચારજે કે તારે કયા રસ્તે જાવું? મને જો પેલો વિશ્વાતઘાતી દેખાયો તો એ મર્યો જ સમજ". ને પાણી પણ પીધા વિના સંદેહ તમારા સાસું-સસરા ઘરની બ્હાર નિકળી ગયેલા.
વિશ્વાસને તમે ફોનમાં, એના ઘરે કે હવે તમારા ઘરે પણ ન આવતા તમે મહેકને પૂછતા પણ ખરાં કે – ” વિશ્વાસ આવ્યો હતો કે નહીં?” ,મહેકનો જવાબ હંમેશા “ના” જ હોતો. વિશ્વાસનો વાસ લોકો પાસે હતો કે કેમ ? એ સૌ ભૂલી ગયા હશે સંદેહ. પણ.. તમે તો નહીં જ.. એવી સૌને જાણ હત
એક દિવસ રવિવારી સાંજે તમે ઘરે હતા. મહેકના પિતા એટલે કે તમારા સસરા આવેલા તમારે ઘરે.થોડી વાતચીત બાદ. ઘરમાં સસરાનું આગમન થતાં તમને શાકભાજી લેવા મોકલેલા મહેકએ . તમે તમારું સી.ટી.૧૦૦ લઈને ગયા બજારમાં ત્યારે તમારા સસરાએ મહેકને વિશ્વાસ વિશે પૂછેલું ને મહેકે આંખ ઝૂકાવી કૈંક ખોટા કામ કર્યાની શરમે બોલેલી :
” વિશ્વાસનું વહાણ એકવાર તૂટે પછી ફરી તરતું ક્યારેય નથી થતું પપ્પા ,એ વધું ડુબતુ જાય છે.પણ.. હું એ વહાણને તૂટવા નહીં દઉં, હું વિશ્વાસ નામના એ શક્સને મારા જીવનમાં ફરી પ્રવેશવા નહીં દઉ પપ્પા” અને મહેક રડી પડેલી. બારણેથી સંભળાતી વાતો સંદેહ તમે સાંભળ્યા બાદ થોડા મોડા ઘરમાં પ્રવેશેલા એ માત્ર તમે જ જાણો છો.
જમ્યા બાદ તમારા સસરા ચાલ્યા ગયેલા સંદેહ.મહેક ઘરકામ કરતી હતી અને તમે છેલ્લા એક મહિનાથી પડેલી ટેવ મૂજબ છત પર ગયેલા અને સિગરેટનું બોક્સ કાઢી એમાંથી એક સિગરેટ જલાવીને સંદેહ તમે સિગરેટમાંથી નિકળેલા ધુમાડા તરફ જોઈને બોલેલા :
” મહેક મારા વિશ્વાસના વહાણને ડુબતું તમે બચાવી લીધું જ છે તમારી મર્યાદા જાણીને. રહ્યી વાત કુમિત્ર વિશ્વાસની તો એણે આગળ પણ તમારા જ જેટલો મને પ્રેમ કરતી ખુશ્બુને રંગીન ગણાવી મારાથી દૂર કરી દિધેલી અને હું એ વખતે એટલો બેદરકાર નિકળેલો કે પત્ર એને જ લખેલો કે કેમ? એની તસ્દી પણ ન’તી લીધી. હવે મહેક એ રંગીન, વિશ્વાસઘાતીને જીવતો રખાય ખરો? તમે તમારા જીવનમાં એને પ્રવેશવા નહીં જ દો પણ મને તો એની ઓળખ થઇ ગઇ ને..! એ હવે આ દુનિયાથી દૂર એવી જગ્યાએ પ્હોંચી ગયો છે કે એ કદી કોઈને મળશે નહીં એટલે નાહક ચિંતા ના કરશો.”
ને સિગરેટનો બીજો કસ ખેંચતા ખેંચતા સંદેહ તમે મરીઝનો શેર લલકાર્યો…
બનાવટ રૂપની પણ રૂપનો આધાર માંગે છે,
સુઘડ ને સ્વચ્છ કાગળ જોઈએ નકલી ગુલાબોને.
- વિપુલ અમરાવ
વાંચો વાર્તા – તીર્થ શાહની Link
વાંચો ઇલોન મસ્કના વિચારો Link
વાંચો અવનવી વાર્તાઓ Link