Chandrakant Bakshi અમેરિકા : જવું કે ન જવું ? |America : To go or not to go? – ચંદ્રકાંત બક્ષી Part 1 Book – Ghanubadhu

Share This Post

Chandrakant Bakshi અમેરિકા : જવું કે ન જવું ?

અમેરિકા : જવું કે ન જવું ?

પ્રિયા કૉલેજનું છેલ્લું વર્ષ ખતમ કરીને અમેરિકા જવા માગે છે. અમેરિકા એ જ અંતિમ સ્વપ્ન છે. અમેરિકા જઈને ગમે તે કરવું પડે પણ અમેરિકા જવું જ છે.

રૂપકોશા અમેરિકા જવા માગતી નથી. અમેરિકા ? એ લગભગ નફરતથી કહે છે. અમેરિકામાં જઈને કપડાં ધોવાનાં અને વાસણ માંજવાનાં ! વીક-એન્ડનું જ જીવન જીવવા માટે હું સર્જાઈ નથી. સવારે સાતથી સાંજના સાત સુધી દોડતાં-ભાગતાં રહેવામાં કોઈ ગૌરવ નથી.

Chandrakant Bakshi America: To go or not to go?

રમેશ કહે છે : ‘હું આખી દુનિયા ફર્યો છું. ફરવા જવા માટે અમેરિકા સારું છે પણ ત્યાં સ્થાયી રહેવા માટે સારું નથી. આપણને ત્યાંના ખોરાકમાં મજા આવતી નથી. લાઇફ બહુ જ ઇમ્પર્સનલ છે. બાપે બેટાની એપોઇન્ટમેન્ટ લેવી પડે ! આઈ ટેલ યુ, ભારતમાં ઉચ્ચ મધ્ય વર્ગ અને પૈસાદારને જે મજા છે – નોકરચાકર, સુખ, સાહેબી એ અમેરિકામાં નથી’

સુકેતુ ખટાશથી સ્પષ્ટ કહે છે કે ઈમાનદાર માણસ માટે આ દેશ નથી. અહીં જૂઠ, દંભ અને ચમચાગીરી સિવાય કોઈ પ્રગતિ શક્ય છે ? આટલો સરેઆમ અને છડેચોક ભ્રષ્ટાચાર કયા દેશમાં છે ? પ્રામાણિકતાથી મહેનત કરીને રૂપિયા બનાવવા હિન્દુસ્તાનમાં શક્ય નથી. મારી પાસે આખી જિંદગી પડી છે. ત્યાં જઈને લેબર સર્ટિફિકેટ લઈશ,પછી ગ્રીન કાર્ડ લઈશ, પણ સેટલ ત્યાં જ થવું છે.

અવિનાશભાઈની દલીલ વાસ્તવિક છે. અમેરિકામાં કોઈ વિદેશી નથી. બધા જ વિદેશથી આવેલા છે. ત્યાં તમે દોઢ ડૉલરનું મકાન ખરીદી શકો છો. હાવર-પરચેઝ પર !! અહીં બાર-પંદર લાખ રૂપિયાનું મકાન કે ફ્લેટ હું આ જિંદગીમાં ખરીદી શકવાનો નથી અને ત્યાં પ્રામાણિક નોકરિયાત આ કરી શકે છે ! અહીં તો નોકરી કરતો પ્રોફેશનલ દસેક વર્ષમાં મુંબઈમાં જીવી નહીં શકે ! દસ વર્ષ પછી મુંબઈમાં દાણચોરો, કાળાબજારિયા, ગલ્ફથી આવેલા અથવા સટોડિયા જ ફ્લેટ લઈ શકશે. અહીં મારે જે ભવિષ્ય જોઈએ છે એ નથી.

માલવિકાનું માનવું છે કે બે પ્રકારના માણસો અમેરિકા જાય છે : એક અત્યંત બુદ્ધિશાળી અને બીજા, જે હિન્દુસ્તાનમાં સેટલ થવા માટે નકામા છે ! નેવું ટકા એવા ગયા છે જે હિન્દુસ્તાનમાં નિષ્ફળ ગયા હતા. ત્યાં જઈને શાકભાજીની દુકાનના કાઉન્ટર પર ઊભા રહેવા કરતાં હું અહીં મારી ગાડીમાં ભાયખલા શાકમાર્કેટમાં થઈને ડીકીમાં દસ કિલો શાક મુકાવીને ઘેર પાછી ફરતી ગૃહિણી બનવાનું વધારે પસંદ કરીશ ! શાકભાજી ડૉલરમાં વેચવાથી તમે શાકવાળા મટી જતા નથી !

અર્ચના ગ્રીન કાર્ડવાળા છોકરાની રાહ જોઈ રહી છે.


ચિત્ર આજે બહુ ધૂંધળું છે. જનારા અને ન જનારા બંને સ્પષ્ટ છે અને બંને સાચા છે. અમેરિકાની મોટી મોટી વાતો હવે એટલી મોટી લાગતી નથી જેટલી વીસ વર્ષો પહેલાં લાગતી હતી. હવે તો હિંદુસ્તાનમાં પણ માણસો પાસે પૈસા થઇ ગયા છે. અમેરિકાથી અહીં હાથમાં ગ્રીન કાર્ડ લઈને આવેલા ખીસામાં ગ્રીન કાર્ડ મૂકીને પાછા અમેરિકા ભેગા થઈ ગયાના સેંકડો દાખલા છે અમેરિકાથી પાછી ફરેલી પત્નીઓ અને ત્યક્તાઓના પણ કેટલાય દાખલા છે. લોકો કહે છે ત્યાં તમે પૈસા કમાઈ શકો પણ મોટા કે મહાન બની શકો નહીં અહીં તમે સમાજમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો જ્યારે ત્યાં સમાજ નામની વસ્તુ નથી. માત્ર પૈસા જ તો બધું નથી ! અને અહીં પણ કમાનારા કમાતા નથી ?

અમેરિકા જવાના બે જાતના વીઝા મળે છે ઇમીગ્રન્ટ અને નોન-ઇમીગ્રન્ટ ભણવા કે ફરવા માટે નોન-ઇમીગ્રન્ટ વીઝા જોઈએ. એના પણ પંદરેક પ્રકારો છે. અમેરિકાના કાયદા પ્રમાણે એવું માની લેવામાં આવે છે કે તમે ત્યાં સ્થાયી થવા જ માગો છો, એટલે તમારે સાબિત કરવું પડે છે કે તમે સ્થાયી થવાના નથી ! તમારે કૉન્સલને સાબિતી આપવી પડે કે તમારી પત્ની, બાળકો, મિલ્કત, નોકરી કે ધંધો ભારતમાં છે અને તમે પાછા આવશો. કૉન્સલનો નિર્ણય આખરી છે અને અમેરિકન કોર્ટનો પણ એના પર અધિકાર નથી ! આ સિવાય તમે ઊતરો ત્યારે અમેરિકાના એરપોર્ટ પર તમારું ફરી ચેકિંગ થઈ શકે.તમે નોન-ઇમીગ્રન્ટ છો એ તમારે સાબિત કરતા રહેવું પડે !

ઇમીગ્રન્ટ વીઝા વિદેશીઓને અપાય છે. પત્ની કે પતિ, સંતાનો ૨૫ વર્ષ નીચેનાં, માતાપિતાને અમેરિકામાં સ્થાયી થવાની છૂટ છે જો એ રક્તસંબંધો અમેરિકન નાગરિક સાથેના હોય તો ! સાત પ્રકારના ઈમીગ્રન્ટ વીસા મળે છે. કેટલીક અરજીઓ માટે લેબર સર્ટિફિકેટ મળે છે. અભણ માણસોને વીઝા અપાતા નથી. ઇમીગ્રન્ટ વીઝાવાળાને ગ્રીન કાર્ડ મળે છે અને સ્થાયી રિહાયશી વિદેશી તરીકેનો અધિકાર મળે છે. આનો અર્થ એ થયો કે આ માણસ અમેરિકામાં સ્થાયી રહે પણ નાગરિક પોતાના દેશનો જ ગણાય ! અમેરિકામાં પાંચ વર્ષ રહ્યા પછી એ અમેરિકન બની શકે છે અને અમેરિકન નાગરિકને પરણનારી વ્યક્તિ ત્રણ વર્ષ પછી જ અમેરિકન નાગરિકત્વની અધિકારી બને છે.

સામાન્ય રીતે અમેરિકન થઈ ગયેલાનાં અંતરંગ સગાંઓને ત્યાં સ્થાપી થવાનો વધારે ચાન્સ છે.

અમેરિકામાં ભણતર અત્યંત મોંઘું થઈ ગયું છે, જે વર્ષના ૪,૫૦૦થી ૧૦,૦૦૦ ડૉલર સુધીનું હોઈ શકે. ત્યાં ૨,૭૦૦ જેટલી યુનિવર્સિટીઓ અને કોલેજો છે. અમેરિકામાં બી.એ. કે બી.એસસી.ને અન્ડર ગ્રેજ્યુએટ ડિગ્ની કહેવાય છે, જ્યારે એમ. એ. કે પીએચ.ડી.ને ગ્રેજ્યુએટ ડિગ્રી કહેવાય છે ! અમેરિકામાં એમ. બી. બી. એસ. નથી, પણ પ્રથમ મેડિકલ ડિગ્રી એમ. ડી. અથવા ડૉક્ટર ઓફ મેડિસીનની અપાય છે ! કોઈ અમેરિકન યુનિવર્સિટી એમ. બી. બી. એસ. ડિગ્ની આપતી નથી. વિદેશી વિદ્યાર્થી યુનિવર્સિટીના પ્રથમ વર્ષ દરમ્યાન અન્ય કામ કરી શકતો નથી પણ બીજે વર્ષે પરિમટ લઈને કામ અને કમાણી કરી શકે છે. કેટલાક પ્રકારના વિદ્યાર્થીઓને ત્યાં એસિસ્ટન્ટશિપ મળી રહે છે જેનાથી આર્થિક સહારો રહે છે. ઘણીખરી યુનિવર્સિટીઓ સપ્ટેમ્બરથી જૂન સુધી – નવ મહિના ચાલે છે. અડધું વર્ષ એટલે અઢાર અઠવાડિયાં અથવા એક સેમેસ્ટર. ક્યાંક ક્યાંક બાર અઠવાડિયા અથવા ક્વૉર્ટરની વ્યવસ્થા છે. 24 Motivational Ideas by Elon Musk

પણ અમેરિકામાં સેટલ થવું હોય તો આ બધી માથાફોડ મોંઘી પડે એમ છે. ત્યાંના ગુજુભાઈઓ હજી સુધી દેશી જ રહ્યા છે અને દેશી બૈરાંઓના શોખીન રહ્યા છે ! દર વર્ષે સિઝનમાં સાઇબેરિયાથી પક્ષીઓ અને અમેરિકાથી ગુજુ મુરતિયાઓનાં ઝુંડ ગુજરાતી ધરતી પર ઊતરી આવે છે. મહિનો-બે મહિના સંવનન કરીને પાછા ઊડી જાય છે…

અમેરિકા જવું જ હોય તો ગ્રીન કાર્ડવાળી એકાદ ચિડિયા પકડી લેવાની !

America: To go or not to go? - Chandrakant Bakshi |

CHANDRAKANT BAKSHI: Books – Amazon.in

Who is Chandrakant Bakshi ? Click and Read more

80 વર્ષનો પુરુષ… 53 વર્ષની સ્ત્રી : બે જુવાન હૈયાંની અફલાતુન લવસ્ટોરી – Kanti Bhatt

Subscribe To Our Newsletter

Get updates and learn from the best

More To Explore

સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિને PM વિશ્વકર્મા યોજના લોન્ચ, 18 વ્યવસાયકારો ને થશે ફાયદો |PM Vishwakarma Yojana

PM વિશ્વકર્મા યોજના : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 77મા સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લા પરથી દેશવાસીઓને ‘વિશ્વકર્મા યોજના’ શરૂ કરવાનું વચન આપ્યું હતું. વિશ્વકર્મા જયંતી અને પોતાના જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના કુશળ શ્રમયોગીઓ માટેની ‘PM વિશ્વકર્મા’ યોજનાનો દિલ્હી ખાતેથી શુભારંભ કરાવ્યો હતો. PM Vishwakarma Yojana CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશના યશસ્વી

સમાચાર

અમીરગઢ તાલુકામાં વરસાદ પડતા જ વીજળી ગુલ,69 ગામડાઓમાં અસર

અમીરગઢ : બનાસકાંઠા જિલ્લાના છેવાડાના તાલુકા મથક અમીરગઢમાં છેલ્લે કેટલાય સમયથી ઈલેક્ટ્રીસીટી નાં ત્રાસથી પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે. સરકાર દ્વારા 24 કલાક લાઇટની વાત કરવામાં આવે છે, પરંતુ અહીંયા તો ચાર વરસાદી છાંટા પડતાં જ બતી ગુલ થઇ જાય છે. ત્યારે અમીરગઢ ની પ્રજા દ્વારા વીજ કર્મીઓ સામે સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે. કે

Do You Want To Create Your website?

drop us a line and keep in touch

Home
Search
Video