વિશ્વ કવિતા દિવસે ગુજરાતી કવિતા વિશે | પ્રથમ ગુજરાતી કવિતા

આજે વિશ્વ કવિતા દિવસ. ગુજરાતી કવિતા ની શરુઆતનું ટુંકું સ્વરુપ આપ સમક્ષ મુકીએ છીએ. અહીં પ્રસ્તુત કરવામાં આવેલ કવિતામાં આપ સહભાગી શકો છો. અમને કોમેન્ટમાં આપને ગમતી ગુજરાતી સાહિત્યનાં ઘરેણા સમાન રચના જણાવી શકો છો. ગુજરાતી કવિતા.

ઢોલ્લા સામલા પણ ચંપાવણી, ણાઈ સુવણ્ણરેહ કરાવઈ દિણ્ણી.

હિંઅઈ ખુડુક્કઇ ગોરડી ગયણિ ધુડુક્કઇ મેહુ,

વાસારત્તિ પવાસુઅહં વિસમા સંકડું એહુ.

વાયસુ ઉડ્ડવન્તિઅએ પિઉ દિઠ્ઠઉ સહસતિ,

અધ્ધા વલયા મહિહિ ગય અઘ્ધ ફુટ્ટૂ તડિત્તિ

આ કઇ ભાષામાં ગુજરાતી કવિતા છે? વિચારો અને ફરીથી વાંચો. જો આ ગુજરાતી કવિતા સમજાય તો તમે માની લો કે આ ભાષાના જાણકાર તમે છો. ગુગલની ભાષામાં જેમ કીવર્ડ આવે, એમ તમે પણ કીવર્ડ જાણો છો એવું સાબિત થઇ ગયું સમજો.

ઢોલો શામળો ધણ ચંપકવર્ણી, જાણે સુવર્ણરેખા કસોટીએ દીણી.

હૈયે ખડુકે ગોરડી ગગને ધડુકે મેહ,

વર્ષ-રાતે પ્રવાસીને વસમું સંકટ એહ.

વાયસ ઉડાન્તિએ પિયુ દીઠો સહસત્ર.

અર્ધા વલય મહીએ ગયાં અર્ધા ફૂટયાં તડત્ર.

બસ ત્યારે, આ ભાષા તો આપણી ગુજરાતી ભાષા. આપણે તરત ઓળખી લીધી. હકીકતે, પહેલી પાંચ પંક્તિની ભાષા પણ ગુજરાતી જ છે. ગુજરાતી, પણ જૂની, પૂર્વ સ્વરૂપની. આપણી ગુજરાતી. ઈ. સ.ના દસમાથી બારમા સૈકા સુધી મથુરાથી દ્રારકા સુધીના પ્રદેશમાં આ રીતે ગુજરાતી બોલાતી હતી. વ્યાકરણકાર હેમચંદ્રે એને શૌરસેની અપભ્રંશ કહી છે.. ગુજરાતની ભાષાને અપભ્રંશમાંથી ઓળખતી કરવામાં ગણો સમય લાગ્યો છે. તુટેલા-ફૂટેલા શબ્દોમાં લખેલી ગુજરાતી ભાષાની ઓળખ કૈંઇ નહોતી. ઇ.સ. 1088થી 1172 સુધીમાં એટલે કે હેમચંદ્રસુરીથી પંદરમાં સૈકાનાં નરસિંહ મહેતા સુધીનો કાળ ગુજરાતી ભાષાનો એવો કાળ છે જ્યાં ગુજરાતી ભાષા અપભ્રંશમાંથી બહાર આવી. ભાષાના વિકાસ સાથે ગુજરાતી કવિતા, સાહિત્યમાં પણ પ્રગતિ થતી રહેતી હશે. સમયાંતરે ઘણું બધું સાહિત્ય લખાયું. વિરક્ત જૈન સાધુઓએ પણ ઘણું બધું લખ્યું. એક સમય આવતા સાધુઓએ અને કવિઓએ લોકાશ્રયી બનવું પડ્યું. ભાષાને લોકો સુધી પહોંચાડવાનો અવિરત રથ ચાલ્યો. ધીમે ધીમે ભાષામાં લખવાનું શરૂં થયું. સાહિત્યકારો પાસે ધર્મબોધ લખાવવાના શરું થયા. ઘણા બધા સાહિત્યકારો જન્મ્યા અને વિકસ્યા અને ભાષા સુધરતી ચાલી. ગુજરાતી કવિતા.

ગુજરાતી કવિતા
| ગુજરાતી કવિતા | Gujarati Kavita |

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે

જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે …

કહે રે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવીઓ

નિશ્ચલ તારો કાળ ખૂટ્યો, અહીંયા તે શીદ આવીઓ …

નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવીઓ,

મથુરા નગરીમાં જુગટુ રમતાં નાગનું શીશ હું હારીઓ …

રંગે રૂડો રૂપે પુરો દિસંત કોડિલો કોડામણો,

તારી માતાએ કેટલા જનમ્યાં તેમાં તું અળખામણો …

મારી માતાએ બે જનમ્યાં તેમાં હું નટવર નાનેલો

જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો …

લાખ સવાનો મારો હાર આપું, આફું તુજને દોરીઓ,

એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોરીઓ …

શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીઓ,

શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ …

ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,

ઉઠોને બળવંત કોઇ, બારણે બાળક આવીયો …

બેઉ બળિયા બાથે વળગ્યાં, કૃષ્ણે કાળીનાગ નાથિયો,

સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો …

નાગણ સૌ વિલાપ કરે જે, નાગને બહું દુઃખ આપશે,

મથુરાનગરીમાં લઇ જશે, પછી નાગનું શીશ કાપશે …

બેઉ કર જોડી વિનવે સ્વામી ! મુકો અમારા કંથને,

અમે અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને …

થાળ ભરીને નાગણી સર્વે મોતીડે, શ્રીકૃષ્ણ વધાવિયો,

નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવીયો …

  • નરસિંહ મહેતા

અન્યોક્તિ

ઊંટ કહે: આ સમામાં, વાંકાં અંગવાળાં ભૂંડા;

ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;

બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;

કૂતરાની પૂંછડીનો, વાંકો વિસ્તાર છે.

વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;

ભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે.

સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;

“અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે ”

  • દલપતરામ
ગુજરાતી કવિતા
| ગુજરાતી કવિતા | Gujarati Kavita |

એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી,

રાગ રાગણી વગાડવામાં વખણાણો છે.

એકને જ જાચું એવી ટેક છેક રાખી એક

શેઠને રિઝાવી મોજ લેવાને મંડાણો છે.

કહે દલપત પછી બોલ્યો તે કંજૂસ શેઠ,

“ગાયક ન લાયક તું ફોગટ ફૂલાણો છે.

પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી ?

સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે.”

  • દલપતરામ

જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની

આંસુ મહીંયે આંખથી યાદી ઝરે છે આપની

માશૂકોના ગાલની લાલી મહીં લાલી અને જ્યાં જ્યાં

ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની

જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,

તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,

તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!

આ ખૂનને ચરખે અને રાતે અમારી ગોદમાં,

આ દમ-બ-દમ બોલી રહી ઝીણી સિતારી આપની!

આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા;

યાદી બનીને ઢાલ ખેંચાઈ રહી છે આપની!

દેખી બૂરાઈ ના ડરું હું, શી ફિકર છે પાપની?

ધોવા બૂરાઈને બધે ગંગા વહે છે આપની!

થાકું સિતમથી હોય જ્યાં ના કોઈ ક્યાંયે આશના;

તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની!

જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં ત્યાં મિલાવી હાથને,

અહેશાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની!

પ્યારું તજીને પ્યાર કોઈ આદરે છેલ્લી સફર:

ધોવાઈ યાદી ત્યાં રડાવે છે જુદાઈ આપની!

રોઉં ન કાં એ રાહમાં એ બાકી રહીને એકલો?

આશકોના રાહની જે રાહદારી આપની!

જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું:

જૂની નવી ના કાંઈ તાજી એક યાદી આપની!

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી:

જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!

કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી;

છે આખરે તો એકલી ને એ જ યાદી આપની!

  • સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ ‘કલાપી’

રે પંખીડા! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો;

શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો?

પાસે જેવી ચરતી હતી આ ગાય, તેવો જ હું છું;

ના, ના, કો દી તમ શરીરને કાંઈ હાનિ કરું હું.

ના પાડી છે તમ તરફ કૈં ફેંકવા માળીને મેં;

ખુલ્લું મારું ઉપવન સદા પંખીડાં સર્વને છે.

રે રે! તોયે કુદરતથી મળી ટેવ બીવા જનોથી;

છો બીતાં તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની.

જો ઊડો તો જરૂર ડર છે, ક્રુર કો હસ્તનો હા!

પાણો ફેકેં તમ તરફ રે! ખેલ એ તો જનોના.

દુ:ખી છું કે કુદરત તણા સામ્યનું ભાન ભૂલી;

રે રે! સત્તા તમ પર જનો ભોગવે ક્રુર આવી.

  • સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ ‘કલાપી’

હું મૌન રહીને એક અનાહત નાદ ગજાવી જાણું છું;

ભરનિદ્રામાં પણ સૂતેલો સંસાર જગાવી જાણું છું.

મુજ અંતર બાળી બાળીને એક જ્યોત જલાવી જાણું છું;

બરબાદ થતાં પણ બીજાને આબાદ બનાવી જાણું છું.

હું ફૂલ ખિલાવી જાણું છું ફૂલબાગ લગાવી જાણું છું;

ત્યાં કાળે કહ્યું કે ગર્વ ન કર હું ભસ્મ બનાવી જાણું છું.

કોઈ ધર્મ નથી, કોઈ કર્મ નથી, કોઈ જ્ઞાન નથી, અજ્ઞાન નથી;

તું બુદ્ધિ છોડી બેસ તો હું સહુ ભેદ બતાવી જાણું છું.

અનુભવની વાતો શું પૂછે, વાણીમાં અનુભવ નહીં આવે;

હું એમ તો મારા અનુભવમાં ઈશ્વરને લાવી જાણું છું.

મનસૂરને ફાંસી દેનારા! મનસૂર હજી પણ જીવે છે;

હું માનવના હર શ્વાસ મહીં મનસૂર બતાવી જાણું છું.

હું બોલો બોલી પાળું છું – તું બોલો બોલી બદલે છે;

તું વાત બનાવી જાણે છે, હું વાત નિભાવી જાણું છું.

તારી આંખોમાં જ્વાળા છે, મારી આંખોમાં અશ્રુ છે;

તું આગ લગાવી જાણે છે, હું આગ બુઝાવી જાણું છું.

ઓ પ્રેમ રમતના રમનારા, તું પ્રેમ રમતને શું સમજે;

તું આંખ લડાવી જાણે છે, હું પ્રાણ લડાવી જાણું છું.

આભાર ભરેલા મસ્તકને ઊંચકવું ‘શયદા’ સ્હેલ નથી;

હું એમ તો મસ્તીમાં આવી આકાશ ઉઠાવી જાણું છું.

  • હરજી લવજી દામાણી ‘શયદા’

કોઇનો લાડકવાયો

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,

કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે;

ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.

કોની વનિતા, કોની માતા, ભગિનીઓ ટોળે વળતી,

શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી;

મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી.

થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને,

શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને;

નિજ ગૌરવ કેરે ગાને જખમી જન જાગે અભિમાને.

સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો,

છેવાડો ને એક્લવાયો અબોલ એક સૂતેલો;

અણપૂછયો અણપ્રીછેલો કોઇનો અજાણ લાડીલો.

એનું શિર ખોળામાં લેવા કોઇ જનેતા ના’વી;

એને સીંચણ તેલ-કચોળા નવ કોઇ બહેની લાવી;

કોઇના લાડકવાયાની ન કોઇએ ખબર પૂછાવી.

ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી,

સન્મુખ ઝીલ્યાં ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી;

કોઇનો લાડકવાયાની આંખડી અમૃત નીતરતી.

કોઇના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં,

આખરની સ્મ્રતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં;

આતમ-દીપક ઓલાયો, ઓષ્ટનાં ગુલાબ કરમાયાં.

કોઇનાં એ લાડકડા પાસે હળવે પગ સંચરજો,

હળવે એનાં હૈયા ઊપર કર-જોડામણ કરજો;

પાસે ધૂપસળી ધરજો, કાનમાં પ્રભુપદ ઉચરજો!

વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે,

એને ઓષ્ટ-કપોલે-ભાલે ધરજો ક હુંબન ધીરે;

સહુ માતા ને ભગિની રે! ગોદ લેજો ધીરે ધીરે.

વાંકડિયા એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા,

એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા;

રે! તમ ચુંબન ચોડાતાં પામશે લાડકડો શાતા.

એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી,

એની રક્ષા કાજે અહર્નિશ પ્રભુને પાયે પડતી;

ઉરની એકાંતે રડતી વિજોગણ હશે દિનો ગણતી.

કંકાવટીએ આંસુ ધોળી છેલ્લું તિલક કરતાં,

એને કંઠ વીંટાયાં હોશે કર બે કંકણવંતા;

વસમાં વળામણાં દેતાં બાથ ભીડી બે પળ લેતાં.

એની કૂચકદમ જોતી અભિમાન ભરી મલકાતી,

જોતી એની રૂધિર – છલક્તી ગજગજ પ્હોળી છાતી;

અધબીડ્યાં બારણિયાંથી રડી કો હશે આંખ રાતી.

એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,

એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે;

કોઇના લાડકવાયાને ચૂમે પાવકજ્વાલા મોઢે.

એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,

એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી;

લખજો: ‘ખાક પડી આંહી કોઇના લાડકવાયાની’.

  • ઝવેરચંદ મેઘાણી

લાગ્યો કસુંબીનો રંગ !

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા

પીધો કસુંબીનો રંગ;

ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ

પામ્યો કસુંબીનો રંગ. – રાજ

બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં

ઘોળ્યો કસુંબીનો રંગ;

ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ

ચોળ્યો કસુંબીનો રંગ. – રાજ

દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં

ભભક્યો કસુંબીનો રંગ;

સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં

મહેક્યો કસુંબીનો રંગ. – રાજ

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર

ચાખ્યો કસુંબીનો રંગ;

વહાલી દિલદારાના પગની મેંદી પરથી

ચૂમ્યો કસુંબીનો રંગ – રાજ

નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ

ગાયો કસુંબીનો રંગ;

મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે

પાયો કસુંબીનો રંગ. – રાજ

પિડિતની આંસુડાધારે – હાહાકારે

રેલ્યો કસુંબીનો રંગ;

શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે

સળગ્યો કસુંબીનો રંગ. – રાજ

ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે

છલકાયો કસુંબીનો રંગ;

બિસ્મિલ બેટાઓની માતાને ભાલે

મલકાયો કસુંબીનો રંગ. – રાજ

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલા હો !

પીજો કસુંબીનો રંગ;

દોરંગાં દેખીને ડરિયાં : ટેકીલા હો!

લેજો કસુંબીનો રંગ! – રાજ

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ –

લાગ્યો કસુંબીનો રંગ.

  • ઝવેરચંદ મેઘાણી

જણાવો અમને ગુજરાતી કવિતાઓ જે આપની પ્રિય હોય. | ગુજરાતી કવિતા | ગુજરાતી સાહિત્ય |

વાંચો જાણીતા લેખક, વક્તા જય વસાવડાએ શું પ્રતિક્રિયા આપી કાશ્મીર ફાઇલ્સ વિશે – ક્લીક કરો

અર્વાચીન ગુજરાતી ભાષા વિશે વાંચવા ક્લીક કરો

Leave a Reply

Your email address will not be published.