કાશ્મીર ફાઇલ્સ ફિલ્મમાં શું છે ? – જય વસાવડા

ભારતભરમાં Kashmir FileS ફિલ્મ ને લઇને ચર્ચા થઇ રહ્યી છે. ગુજરાતમાં પણ હવે કાશ્મીર ફાઇલ્સને બહોળો પ્રતિભાવ મળી રહ્યો છે. ગુજરાતના એક અભિનેત્રીએ એમની ગુજરાતી ફિલ્મ પ્રેમ પ્રકરણને પણ થોડા સમય પૂરતો વિરામ આપવામાં આવશે એવી પોસ્ટ ચર્ચામાં છે. ગુજરાતના બુદ્ધીજીવીઓ પણ આ ફિલ્મ કેવી બની છે અને વાર્તા શું છે તે જોવા માટે સિનેમાઘરોમાં જઇ રહ્યા છે, ત્યારે જાણીતા કટાર લેખક અને વક્તા જય વસાવડાએ કાશ્મીર ફાઇલ્સ અંગે પોતાની પ્રતિક્રિયા સોશિયલ મીડિયાનાં માધ્યમથી આપી હતી.

  • કાશ્મીર ફાઈલ્સ – ટૂંકું ને ટચ…. લાંબુ ને લચ

ફિલ્મ કેવી છે ? સારી કે ખરાબ?
સારી.


એટલે મહાન ક્લાસિક માસ્ટરપીસ?
ના. નહિ.


અભૂતપૂર્વ ?
હા.


હિટ?
હ્યુજ બ્લોકબસ્ટર. પણ એના કારણો ફિલ્મની અંદર કરતા બહાર વધુ છે. વિષયને લીધે. રજૂઆતને લીધે. ધાર્મિક ભાવનાના પ્રચારને લીધે.

જય વસાવડા
કાશ્મીર ફાઇલ્સ | Kashmir file film


બે શબ્દોમાં જ વર્ણવવી હોય તો?
હાર્ડ હિટિંગ.


જોવા જેવી ?
કેમ નહિ? બિલકુલ. એટલું તો હવે કુતૂહલ જ છે વર્ડ ઓફ માઉથનું.


શિન્ડલર્સ લિસ્ટ જેવી ? ઓસ્કાર જીતે એવી?
ના.


કેમ? જરા વિગતે કહો.
સ્પીલબર્ગ જેવા મેકર્સનો ટચ, શોટ ડિવિઝન, ટેકનિકલ ક્રાફટ ને સ્ટોરીટેલિંગ એંગલ જુદો હોય. એ તો એ લેવલ જોઈ શકે એને જ સમજાય. ભયાનક સત્ય ઘટનાઓ, ઐતિહાસિક નરસંહાર, ઈસ્લામિક જેહાદી આતંકવાદ પર જગતમાં બીજી ય ઘણી અદભુત ફિલ્મો બની છે. વધુ સચોટ, સંતુલિત, સ્પષ્ટ ને સર્જનાત્મક.


તો આ અસર મૂકે એવી નથી ?
છે ને. પણ અસર બહુ લાંબી રહે એટલી હદે ઊંડી ને કળાત્મક નહિ. બેહતર બની શકત.


મતલબ એવરેજ ?
એવું ક્યાં કહ્યું? એમ તો આમાં અમુક સીન્સ સરસ ને બહુ ડેપ્થવાળા ને સટલ છે. પણ આખી ફિલ્મ એવી નથી. ક્યાંક લાઉડ છે, ક્યાંક સપાટી પરની, ક્યાંક એકાંગી, ક્યાંક વિવિધ દૃષ્ટિકોણ સમાવતી! ક્યાંક ટિપિકલ હિન્દી ફિલ્મ જેવી. ક્યાંક વળી ક્રિટીકસ ચોઇસ ઇંગ્લિશ ફિલ્મ જેવી. ક્યાંક એબ્સર્ડ નાટક ભજવવા લાગે તો ક્યાંક એકદમ રિયલ ડોક્યુમેન્ટ્રી. ઘણું બધું સમેટવા જતા ટોન એકધારો રહેતો નથી એવું પર્સનલી લાગ્યું.


ગોળ ગોળ નહિ ચોખ્ખું કહો?
ઉપર જોઈ લો. શરૂઆતમાં કહી જ દીધું છે.


એમ નહિ પણ …
તમારે સાંભળવું હોય એ જ કહેવડાવવું હોય તો તમે જ લખો ને. કોણ રોકે છે. મને પૂછો તો હું મને ઠીક લાગે એ જ કહું પ્રામાણિક પ્રેક્ષક તરીકે.


ઓ કે. બાળકોને લઇ જવાય ?
સેન્સર બોર્ડે A રેટિંગ આપ્યું છે.


ફેમિલી જોડે જવાય ?
ફિલ્મ કોઈ ખોટા મસાલા કે નખરા વગરની છે. હેવી છે. ડિસ્ટર્બ કરે એવી છે. અમુક દૃશ્યો ખલેલ પહોંચાડે એવા છે ને અન્ય બોલીવુડ ફિલ્મો કરતા ઘણી હિંમત તથા નિખાલસતાથી એ મુકાયા છે. એવું જોવું પચે ને ગમે તો જરૂર. કોરિયન ફિલ્મો જોતા હો તો આ ક્રૂરતાનો માહોલ અજાણ્યો નહિ લાગે.


એક્ટિંગ કોની સૌથી સારી ?
દર્શન કુમાર. પલ્લવી જોશી.


અનુપમ ખેર ? મિથુન ?
સારી, પણ ક્યાંક સાતત્ય તૂટે.


તમે કેમ મોડી જોઈ?
ફિલ્મ છે. ફુરસદે જુઓ તો શો વાસી નથી થવાનો. અન્ય કમિટમેન્ટસ હોય. ને રિલીઝ થયાના પાંચમા દિવસે પ્રવાસ પછી ગમતા થિયેટરમાં જુઓ એ મોડું કહેવાય ? કોઈને ખાતર થોડી પરાણે કામ મૂકીને દોડીને જોવાય ? આ તો ઠીક છે, માનો કે હોસ્પિટલમાં હોઈએ ને પછી આપણી ફુરસદે જોઈએ તો શું વોટર્સ આઇડી રદ થઈ જાય?


બસ બસ. ઇતિહાસ સાચો છે?
અમુક સાવ સાચો. ઉઘાડું નર્યું સત્ય. અમુક અર્ધસત્ય. જેમાં જાણી જોઈને કે સમયના અભાવે કેટલાક સત્યો દેખાડાયા નથી. અમુક કાલ્પનિક. પોલિટિકલી ટ્વીસ્ટેડ.


એટલે ખોટું ?
ફિલ્મ છે. દસ્તાવેજી તપાસનો અહેવાલ નથી. બધાને હક હોય અમુક સિનેમેટિક લિબર્ટીનો. ફિલ્મ નહિ તો બને કેવી રીતે. વિવેક અગ્નિહોત્રીને ય એ અધિકાર છે.


પણ એણે એજેન્ડા ચલાવ્યો હોય એવું લાગ્યું ?
હોય તો ય શું ? અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય બધાને સરખું. દંભી ને કદી ઈસ્લામિક જડતાને રોકડું ન કહેતા સ્યુડો સેક્યુલર લેફટ લિબરલ નેરેટિવને એમની ચોઇસનો હક હોય તો વિવેક અગ્નિહોત્રીઓને ય એની વાત એને ગમે તેમ મૂકવાનો કેમ નહિ ? બધી ફિલ્મોમાં ફેકટ બેઝડ કે બાયોપિક હોય તો ય થોડું આમતેમ હોય જ છે ને. કોઈ નેગેટિવ કે પોઝિટિવ દબાણ કે હસ્તક્ષેપ વિના, સરકાર કે સમાજની લાગણીથી ઉપરવટ સર્જક માત્ર એને ગમે તે વાત કહેવા સ્વતંત્ર હોવો ને રહેવો જોઈએ એ મારું કાયમી સ્ટેન્ડ છે. એમાં અનુરાગ કશ્યપ હોય કે વિવેક અગ્નિહોત્રી હોય – બે માટે અલગ અલગ કાટલા ન હોય. પ્રેક્ષકને ય હક. ગમે કે ન ગમે. વખાણ કરે કે ટીકા કરે. જેન્યુઈન આર્ટ લવર તરીકે આ કાયમનો અભિગમ છે. ભલે અમુક અણસમજુઓને ન સમજાય.


ટૂંકુ કહીને ય લાંબુ લાંબુ લખવા લાગ્યા. કાં ?
હા. આ વિષય જ એવો છે. એમ ત્રણ કલાકની ફિલ્મ કે વેબ સિરીઝની એક બે સીઝનમાં ય વાંચનારા માણસો માટે ન્યાય ન મળે. મલ્ટિપલ ટ્રુથ છે. સાવ બ્લેક એન્ડ વ્હાઈટ કોઈ ટ્રેજેડી જગતના ઇતિહાસની હકીકતમાં હોતી નથી.


તો એ ય સમજાવો.
સમય મુજબ થોડીક વાતો કરીશ કદાચ રવિવારે સ્પેક્ટ્રોમીટરમાં. રસ પડે તો વાંચજો. કદાચ બે ભાગ પણ થાય. નક્કી નહિ.


ઠીક. તો ફાઈનલી ફિલ્મ બાબતે સૌથી વધુ સારું લાગ્યું ?
કાશ્મીરી પંડિતોની હ્રદયદ્રાવક વ્યથાકથા, બધા પક્ષોની સ્થાનિક કે રાષ્ટ્રીય રાજરમતમાં ને ધર્મઝનૂનમાં એમણે વેઠવો પડેલો અત્યાચારનો ચિત્કાર. જેહાદી ઈસ્લામિક ત્રાસવાદનો ભોગ બનેલા એ હિન્દુઓની વેદનાને અંતે લોકોનું ને મોડેથી થોડીક અંશે દેશ ને જગતના મીડિયાનું ધ્યાન ખેંચાય એમ વાચા મળી એ. એ માટેની ક્લેરિટી કાબિલેદાદ.


ને શું નબળું લાગ્યું ?
ઇતિહાસના ઘણા તથ્યો એમાં નથી ને અમુક જગ્યાએ સાવ ગુપચાવી કે હળવેકથી મરોડી દેવાયા છે ખાસ બાયસથી, એટલે ભલે લોકભોગ્ય ફિલ્મ બને પણ અભ્યાસુ લોકો હજુ ય વધુ સાચું ને ઊંડું જાણવા પુસ્તકો જ પસંદ કરે એ.


ક્યાં પુસ્તકો ?
ઘણાં ય છે. વખતોવખત એના પર લખ્યું છે. ટ્રેન્ડ સેટર તો રાહુલ પંડિતનું અવર મૂન હેઝ બ્લડ ક્લોટ્સ/ મારું રક્તરંજીત વતન. કાળજું કંપાવતા આંખે દેખ્યા વર્ણનો એણે સૌપ્રથમ નોંધ લેવાય એમ ખુલીને લખ્યા. એ ય કોઈ ઝેર વિના સાક્ષીભાવે. બધા એમાંથી જ સંદર્ભો વધુ લે છે. બીજા ય છે. બે ડઝન આત્મકથાઓ. અશોકકુમાર પાંડેનો ઘાટીમાં પંડિતોની ઇતિહાસ વગેરે. ક્યારના ય ઉપલબ્ધ છે. પણ ફિલ્મ સિવાય આપણી ‘રંજનોત્સુક’ જનતા જાગતી નથી સિરિયસ મલ્ટીએંગલ રીડિંગ માટે.


હવે કશું બાકી ?
કોઈ નવી ફિલ્મ પાયરસીમાં ટેલીગ્રામ કે એવી રીતે જોવી એ સર્જકનું અપમાન છે. જોવી જ હોય તો ટિકિટ ખર્ચીને સિનેમાઘરમાં જુઓ. ને ફિલ્મના નામે દેશભક્તિ બતાવવા પોતાના ધંધાની પબ્લિસિટી જરા ચીપ લાગે છે. ઠીક છે. જેવી જેની મરજી.


આ ફિલ્મથી ઘણું બદલાશે એવો જુવાળ આવ્યો એ તો કબૂલ કરો છો ને ?
લેખનના 25 વર્ષમાં ઘણું બધું નજીકથી જોયું છે. યુફોરિયા / ઉન્માદ ચોક્કસ સમયે હોય કે પેદા કરવામાં આવે ત્યારે જે લાગે – એ લાંબા ગાળે હોતું નથી, ને બધા વળી ભૂલીને પોતપોતાના કામે લાગી જાય છે. હોરર એવો કોવિડ સેકન્ડ વેવ ન ભૂલી ગયા એક વર્ષમાં? બધા નવરા કે બોલકા નથી હોતા. અતિશય ઝીણું કાંતતા લપિયા કે સતત એક જ મોડ/કલરમાં જીવ્યા કરનારા ય નથી હોતા. એમને એમના ફેમિલી ને ફન ની વધુ ચિંતા હોય. અમુક હોય બ્રેઈનવોશ થયેલા બેકારો, જે પિન ચોંટાડી રાખે. એટલે એ બધું તો સમજ્યા. આ નિમિત્તે પંડિતો પર ટોર્ચર અને વિસ્થાપન બાબતે ધ્યાન ખેંચાય જગતનું ને અભણ જેવા ઉધારના મેસેજ ફોરવર્ડ કર્યા સિવાય ઇતિહાસ ન સમજનારાઓનું… એટલું થાય તો ઘણું.


તમે શું મેળવ્યું?
અન્યાય સામે મજબૂત રીતે લડવું જ. પણ જેમના પર નફરત ઉપજે એવા હરગીઝ આપણે ન થવું એ. જગતની દરેક ભયંકર દુર્ઘટનાઓમાંથી હું તો આવો સાર શોધું છું. કોઈને ન ગમે આ સત્ય, ત્યારે એ ય પર્સનલ જજ-મેન્ટલ થઈને માનસિક શાબ્દિક ત્રાસવાદી બને છે! – એ જોઈ અંતરના અજવાળે સ્મિત કરીને વધુ દ્રઢ બનું છું આમાં. અસ્તુ.

  • જય વસાવડા ( ગુજરાત સમાચારનાં કટાર લેખક અને જાણીતા વક્તા )

The Kashmir Files | Official Trailer

કોઇ ખૂન કરે તો એને કઇ સજા થાય. – ક્લીક કરો

1 Comment

Leave a Reply

Your email address will not be published.